Homeગુજરાતીરાજ્યસભા: બજેટ સત્રમાં 157 કલાકથી વધુ ચાલ્યું ગૃહ, 117 પ્રશ્નો પૂછાયાં

રાજ્યસભા: બજેટ સત્રમાં 157 કલાકથી વધુ ચાલ્યું ગૃહ, 117 પ્રશ્નો પૂછાયાં

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026: રાજ્યસભાના 270માં સત્રના સમાપનની સાથે જ સંસદના બજેટ સત્રની કામગીરી શનિવારે પૂર્ણ થઈ છે. આ વખતનું બજેટ સત્ર કામગીરીની દ્રષ્ટિએ અત્યંત સફળ રહ્યું છે, જેમાં રાજ્યસભાની ઉત્પાદકતા 100 ટકાથી પણ વધુ એટલે કે 109.87 ટકા નોંધાઈ છે. સમગ્ર સત્ર દરમિયાન ગૃહમાં કુલ 157 કલાક અને 40 મિનિટ સુધી સાર્થક ચર્ચા અને વિધાયક કાર્યો કરવામાં આવ્યા હતા.

બજેટ સત્રના આંકડાઓ પર નજર કરીએ તો, આ સત્રમાં કુલ 117 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાંસદોએ જનહિતના મુદ્દાઓ ઉઠાવતા 446 શૂન્યકાળ ઉલ્લેખો અને 207 વિશેષ ઉલ્લેખો રજૂ કર્યા હતા. સત્રના સમાપન પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ પક્ષોના સાંસદોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સભ્યોએ પોતાના અમૂલ્ય વિચારોથી ગૃહની કાર્યવાહીને સમૃદ્ધ બનાવી છે.

વર્ષનું આ સૌથી લાંબુ અને મહત્વપૂર્ણ સત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવથી શરૂ થયું હતું, જેના પર ચાર દિવસ સુધી વિસ્તૃત ચર્ચા ચાલી હતી અને 79 સભ્યોએ તેમાં ભાગ લીધો હતો. ત્યારબાદ કેન્દ્રીય બજેટ 2026-27 પર પણ ચાર દિવસની ગંભીર ચર્ચામાં 97 સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સત્ર દરમિયાન બે મહત્વના મંત્રાલયોના કાર્યકાળ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ તેમજ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર જેવા વૈશ્વિક વિષયો પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

સભાપતિએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, આ સત્રમાં 94 વખત માનનીય સભ્યોએ બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ 12 પ્રાદેશિક ભાષાઓમાં પોતાના વિચારો રજૂ કરીને વિવિધતાનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત, સત્રમાં 50 જેટલા ખાનગી સભ્ય વિધેયકો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ સત્રની એક વિશેષ ઘટના હરિવંશ નારાયણ સિંહની રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ત્રીજી વખત થયેલી વરણી હતી. પ્રધાનમંત્રી સહિત તમામ પક્ષના નેતાઓએ તેમને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. સત્રના અંતે સભાપતિએ સાંસદોને વિનંતી કરી હતી કે, ‘નિયમ 267’નો ઉપયોગ માત્ર અત્યંત આવશ્યક સંજોગોમાં જ કરવામાં આવે, જેથી ગૃહનો કિંમતી સમય વેડફાય નહીં અને દેશના વિકાસ માટે વધુ સારી રીતે કામ કરી શકાય.

આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં 100 શહેરોમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જાણો શું માગણી કરી રહ્યા છે?

સંબંધિત લેખો

Most Popular