[અલકેશ પટેલ] અમદાવાદ, 25 એપ્રિલ, 2026 – સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, જો તમારા જીવનમાં બધું સરળ છે અને ક્યાંય કોઈ મુશ્કેલી નથી તો એટલું સમજી લેજો કે તમે ખોટા રસ્તે છો. સ્વામીજીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જીવન કદી મુશ્કેલી કે અવરોધ વિનાનું હોઈ ન શકે. મુશ્કેલી અને અવરોધ જ તમને જીવનમાં ઊર્ધ્વ ગતિ કરવાની પ્રેરણા આપે છે.
આ વાતને બીજી રીતે સમજવી હોય તો એવું કહી શકાય કે, તમારે એવરેસ્ટ ઉપર પહોંચવું હોય તો ત્યાં જવા માટે કોઈ લિફ્ટ કે એસ્કેલેટર નથી. કદાચ એક સમયે તમે હેલિકૉપ્ટર દ્વારા એરડ્રોપ કરીને શિખર ઉપર ઊતરી જાવ તો પણ તેને એવરેસ્ટ આરોહણ નહીં કહી શકાય. કોઈ તમારી નોંધ નહીં લે. પરંતુ અપાર મુશ્કેલીઓનો સામનો કરીને, ટ્રેકિંગ કરીને ત્યાં પહોંચશો તો આખી દુનિયા તમારી નોંધ લેશે.
રુબિક ક્યુબ અને પઝલનો રેકોર્ડ
આજે અહીં આ વાતો કરવાનું ખાસ કારણ છે. હજુ બે જ દિવસ પહેલાં, વિશ્વ પુસ્તક દિવસે એક ઉમદા પુસ્તક પ્રકાશિત થયું છે જે જીવનની મુશ્કેલીઓને પાર કરીને ટોચે પહોંચવાની વિવિધ જડીબુટ્ટીની ચર્ચા કરે છે. પુસ્તકનું નામ છેઃ One Turn at a Time અને લેખક છે મનીષ રાઠોડ. હા, આ એ જ મનીષ રાઠોડ છે જે રુબિક ક્યુબ પ્રકારના પઝલના ક્ષેત્રમાં એક વિશિષ્ટ રેકોર્ડ ધરાવે છે. તેમણે 150 જેટલી ઓરિજિનલ ટ્વિસ્ટી પઝલ ડિઝાઇન્સ બનાવી છે. તેમાંથી લગભગ 90 ડિઝાઇન્સ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ‘ટ્વિસ્ટી પઝલ મ્યુઝિયમ’ માં મૂકવામાં આવી છે. એથી આગળ વધીને તેમની પોતાની શોધ ‘મનીષ હેક્સાકોપ્ટર’ (Manish Hexacopter) નું 2025માં ‘કેલ્વિન્સ પઝલ્સ’ દ્વારા મોટા પાયે ઉત્પાદન કરવામાં આવ્યું હતું અને આજે તે 18થી વધુ દેશોમાં વેચાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતીની ઉપયોગિતા ઊભી કરવામાં આવે તો માતૃભાષાની ચિંતામાંથી મુક્ત થઈ શકાય: પદ્મશ્રી રતિલાલ બોરીસાગર
અહીં પ્રશ્ન એ થાય કે, આ બધી વાતોને પુસ્તક સાથે શું લેવાદેવા? તો વાત એમ છે કે, મનીષભાઈએ તેમના જીવનમાં જે સંઘર્ષ અનુભવ્યો છે, પોતે જે મુશ્કેલીઓ પાર કરીને અહીં સુધી પહોંચ્યા છે તેને તેઓ બ્લેક એન્ડ વ્હાઈટમાં ઉતારીને અનેક લોકોને દિશા બતાવવા માગે છે. રિવોઈ સાથેની ખાસ વાતચીતમાં મનીષભાઈ કહે છે, મીડલાઈફ ક્રાઈસીસ એક એવી સ્થિતિ છે જેના વિશે ભાગ્યે જ કોઈ ચર્ચા થાય છે.
મનીષભાઈ કહે છે કે, વ્યક્તિ આર્થિક-સામાજિક રીતે ઘણુંબધું હાંસલ કરી લે છે, પરંતુ ત્યાર પછી તેમના જીવનમાં એક ખાલીપો રહી જતો હોય છે. એક પ્રકારનું બોર્ડમ અનેક લોકો સતત અનુભવ્યા કરતા હોય છે. પરિવાર માટે, બાળકો માટે બધું જ કરી છૂટ્યા પછી તેનો સંતોષ તો મળે પરંતુ એ દરમિયાન પોતાનાં સ્વપ્નની જે કુરબાની આપી હોય તેનું શું?
આ પુસ્તક શા માટે વાંચવું જોઈએ?
આ જ બાબતોનો, આજ મુંઝવણનો જવાબ One Turn at a Time આપે છે. પ્રારંભમાં કહ્યું તેમ આ પુસ્તક 2026ના વિશ્વ પુસ્તક દિવસે પ્રકાશિત થયું છે. તેમાં લેખકના પોતાના જીવનના અનુભવોને પઝલ્સના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવી છે, પરંતુ હા, આ પુસ્તક માત્ર પઝલ્સ વિશે નથી. આ એવા જીવન વિશે છે જે ત્યારે શક્ય બને છે જ્યારે કોઈ વ્યક્તિ એવું કામ હાથમાં લે જે કરવા માટે તે સર્જાયો હોય અને પછી તેને ક્યારેય છોડવાની ના પાડી દે. અચૂક વાંચો અને તમને લાગતું હોય કે તમારા પરિચિત લોકોમાં એવા કોઈ વ્યક્તિ છે જેમણે આ વાંચવું જોઈએ અને મીડ લાઈફ ક્રાઈસીસીની અદૃશ્ય પીડામાંથી બહાર આવવું જોઈએ તો તેમને પણ અચૂક વંચાવવું જોઈએ.
પુસ્તકઃ One Turn at a Time
લેખકઃ મનીષ રાઠોડ
પ્રકાશકઃ નોશન પ્રેસ, ભારત. (પુસ્તક એમેઝોન ઉપર ઉપલબ્ધ છે)
કિંમતઃ રૂ. 399/-

