1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મધ્યપ્રદેશના રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મધ્યપ્રદેશના રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મધ્યપ્રદેશના રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

0
Social Share

ગાંધીનગર, 26 એપ્રિલ 2026: રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે સામાન્ય જનતાની સાથે રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ અને રાજકીય દિગ્ગજોએ પણ વહેલી સવારથી મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સુરત, નવસારી, રાજકોટ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં નેતાઓએ પરિવાર સાથે મતદાન કરી નાગરિકોને લોકશાહીના આ પર્વમાં જોડાવા માટે પ્રેરિત કર્યા હતા.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વોર્ડ નંબર 21માં આવેલી કેન્દ્રીય વિદ્યાલય ખાતે પત્ની સાથે પહોંચીને મતદાન કર્યું હતું. સુરતની 120 બેઠકો માટે યોજાઈ રહેલા આ મતદાનમાં હર્ષ સંઘવીએ વિકાસના મુદ્દે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, નવસારીમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે વતન પ્રત્યેની ફરજ અદા કરી હતી. તેમણે નવસારીની કોન્વેન્ટ સ્કૂલ ખાતે પત્ની સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો અને ‘સૌથી પહેલો વોટ મારો’ એવો પ્રેરણાદાયક સંદેશ આપીને મતદારોને જાગૃત કર્યા હતા.

કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ જસદણના વિંછીયા ખાતે ઉગમણી બારી બૂથ પર પરિવાર સાથે જઈને લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. આ સાથે જ ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે પોતાના વતન જૂની સાંકળી ગામે ઢોલ-નગારાના ગડગડાટ અને સમર્થકોના ઉત્સાહ વચ્ચે મતદાન કર્યું હતું. મતદાન બાદ પ્રશાંત કોરાટે ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત આઈજી સ્તરના પોલીસ અધિકારી પદેથી રાજીનામું આપીને રાજકારણમાં ઝંપલાવનાર પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નિનામાએ શામળાજી નજીક જાબચિતરીયા ગામે મતદાન કર્યું હતું. મનોજ નિનામા ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેમણે આજના મતદાન સાથે પોતાની નવી રાજકીય સફરના મજબૂત શ્રીગણેશ કર્યા છે.

આ પણ વાંચોઃ ગોધરામાં મતદાન મથક પર એસીમાં શોર્ટ સર્કિટથી આગ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code