Homeગુજરાતીદાઉદનો નજીકનો ડ્રગ્સ માફિયા સલીમ ડોલા ભારત લવાયો, તુર્કીયેમાં થઈ હતી ધરપકડ

દાઉદનો નજીકનો ડ્રગ્સ માફિયા સલીમ ડોલા ભારત લવાયો, તુર્કીયેમાં થઈ હતી ધરપકડ

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: ભારત સરકારની નશીલા પદાર્થો વિરુદ્ધની ઝુંબેશમાં એક મોટી સફળતા મળી છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો અત્યંત નજીકનો ગણાતો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર મોહમ્મદ સલીમ ડોલાને તુર્કિયેના ઈસ્તંબુલથી ઝડપી પાડ્યા બાદ ભારત લાવવામાં આવ્યો છે. મંગળવારે વહેલી સવારે એક વિશેષ વિમાન દ્વારા તેને દિલ્હી એરપોર્ટ લાવવામાં આવ્યો હતો, જ્યાં ભારતીય ગુપ્તચર એજન્સીઓએ તેનો કબજો લીધો છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, સલીમ ડોલા એક વિશાળ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ ચલાવતો હતો, જેનું નેટવર્ક અંદાજે 5000 કરોડ રૂપિયા સુધી ફેલાયેલું હતું. સીબીઆઈ દ્વારા તેના વિરુદ્ધ ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ હવે તેને વધુ પૂછપરછ માટે મુંબઈ સ્થિત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ સફળતાની પુષ્ટિ કરતા લખ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ડ્રગ માફિયાઓ અને કાર્ટેલને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે કટિબદ્ધ છે. ડ્રગ સિન્ડિકેટ સામે અમારી ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ છે. હવે ડ્રગ તસ્કરો દુનિયાના કોઈપણ ખૂણે છુપાયા હશે, તેઓ કાયદાથી બચી શકશે નહીં.” એજન્સીઓને શંકા છે કે આ ડ્રગ નેટવર્ક દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ભારતની સુરક્ષાને નુકસાન પહોંચાડતી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદના ફંડિંગ માટે કરવામાં આવતો હતો.

જૂન 2025માં સલીમ ડોલાના પુત્ર તાહિર ડોલાને યુએઈથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યો હતો. આ નેટવર્કના અન્ય એક સાથીદારને પણ અગાઉ દુબઈથી પકડી લાવવામાં આવ્યો હતો. દરમિયાન તુર્કિયે અને ભારતની એજન્સીઓના સંયુક્ત ઓપરેશન દ્વારા સલીમ ડોલાને દબોચી લેવાયો છે. ભારતીય તપાસ એજન્સીઓ હવે સલીમ ડોલાની પૂછપરછ દ્વારા દાઉદ ઈબ્રાહિમના નેટવર્ક અને ભારતમાં સક્રિય અન્ય ડ્રગ પેડલર્સ વિશે મહત્વના ખુલાસા થવાની આશા રાખી રહી છે.

આ પણ વાંચોઃ વ્હાઇટ હાઉસ ડિનર હુમલો કેસમાં ચોંકાવનારો ખુલાસો, હુમલાખોર અઠવાડિયાથી ઘડી રહ્યો હતો કાવતરું

સંબંધિત લેખો

Most Popular