પંજાબમાં રેલવે ટ્રેક ઉડાવવાનું કાવતરું: રાજપુરા-શંભુ બોર્ડર પાસે આઈઈડી બ્લાસ્ટ, એકનું મોત
પટિયાલા, 28 એપ્રિલ 2026: પંજાબમાં ફરી એકવાર રેલવે નેટવર્કને નિશાન બનાવીને દેશને હચમચાવી દેવાનું આતંકી કાવતરું સામે આવ્યું છે. રાજપુરા અને શંભુ રેલવે સ્ટેશન વચ્ચેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર મોડી રાત્રે એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમાં એક વ્યક્તિના ચિથરેચિથરા ઊડી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને આતંકી હુમલાના એંગલથી તપાસી રહી છે. ઘટના સ્થળેથી પોલીસને એક મોબાઈલ ફોન મળી આવ્યો છે, જેના આધારે મૃતકની ઓળખ જગરૂપ સિંહ તરીકે થઈ છે. તે તરનતારણ જિલ્લાના પંજવડ ગામનો રહેવાસી હતો.
આ બ્લાસ્ટને કારણે રેલવે ટ્રેકનો એક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો છે. સાવચેતીના ભાગરૂપે આ રૂટ પર માલગાડીઓની અવરજવર તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે. અંબાલા ડિવિઝનના DRM વિનોદ કુમાર ભાટિયાએ જણાવ્યું હતું કે રેલવે તંત્ર ડીએપસીસીઆઈએલના સંપર્કમાં છે અને સમગ્ર રૂટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટીમ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં આ પ્રકારની આ બીજી ઘટના છે. ગત 24મી જાન્યુઆરીના રોજ ન્યૂ મંડી ગોબિંદગઢ અને ન્યૂ સરહિંદ સ્ટેશન વચ્ચે આવો જ બ્લાસ્ટ થયો હતો, જેમાં માલગાડીનું એન્જિન ક્ષતિગ્રસ્ત થયું હતું અને લોકો પાયલટ ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ આવી ધમકી પણ મળી હતી, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. દરમિયાન પટિયાલાના એસએસપી વરૂણ શર્માએ જણાવ્યું હતું કે, “અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે વિસ્ફોટમાં કયા પ્રકારના કેમિકલ કે વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો. હાલ સુરક્ષા સખત કરી દેવામાં આવી છે.”
વારંવાર રેલવે કોરિડોરને નિશાન બનાવવાની ઘટનાઓએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને સરહદી રાજ્ય પંજાબમાં રેલવે ટ્રેક પર થતા આઈઈડી બ્લાસ્ટ કોઈ મોટા આતંકી સંગઠન તરફ ઈશારો કરી રહ્યા હોય તેમ જણાય છે. હાલમાં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને આસપાસના ગામોમાં તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ દાઉદનો નજીકનો ડ્રગ્સ માફિયા સલીમ ડોલા ભારત લવાયો, તુર્કીયેમાં થઈ હતી ધરપકડ


