AIના વિકાસ સામે ચિપ નહીં પણ વીજળીની અછત સૌથી મોટો પડકાર: બ્લેકરોકના સીઇઓનો દાવો
નવી દિલ્હી, 6 જુલાઈ 2026: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ઝડપથી વધી રહેલા ઉપયોગ વચ્ચે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકના ચેરમેન અને સીઇઓ લેરી ફિંકે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે એઆઈના વિકાસ અને વિસ્તાર સામે અત્યાર સુધી એડવાન્સ કમ્પ્યુટર ચિપ્સ મેળવવાનો સૌથી મોટો પડકાર હતો, પરંતુ હવે ચિપ નહીં પણ પૂરતી વીજળીની ઉપલબ્ધતા એ સૌથી મોટી વૈશ્વિક ચિંતા બની ગઈ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન લેરી ફિંકે સ્પષ્ટ કર્યું હતું કે, એઆઈ ટેકનોલોજીના પ્રસારને કારણે કમ્પ્યુટિંગ પાવરની માંગ આસમાને પહોંચી છે અને તેના કારણે અમેરિકાના વર્ષો જૂના વીજળી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નબળાઈઓ ખુલ્લી પડી ગઈ છે.
લેરી ફિંકના જણાવ્યા અનુસાર અમેરિકા પાસે ઉર્જા સંસાધનોની કોઈ કમી નથી અને ખાસ કરીને નેચરલ ગેસના રૂપમાં દેશ પાસે પૂરતી ક્ષમતા મોજૂદ છે, પરંતુ આ ઉત્પન્ન થતી વીજળીને ડેટા સેન્ટરો સુધી યોગ્ય રીતે પહોંચાડવા માટે જે ટ્રાન્સમિશન સિસ્ટમ જોઈએ તે ખૂબ જ નબળી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે અમેરિકાએ પોતાના પાવર ગ્રીડને મજબૂત અને આધુનિક બનાવવા માટે સેંકડો અબજ ડોલરના ખાનગી રોકાણની જરૂર પડશે અને જો સમયસર આ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં એઆઈ ક્ષેત્રે આગળ વધવું અશક્ય બની જશે.એઆઈ એ માત્ર એક કમ્પ્યુટર સોફ્ટવેર ટેકનોલોજી નથી, પરંતુ તેને સતત ચલાવવા માટે મોટા પાયે અવિરત ઉર્જા અને મજબૂત પાયાના માળખાની જરૂર પડે છે.
-
એઆઈ કમ્પ્યુટિંગ ક્ષમતાની માંગ તેની સપ્લાય કરતા ઘણી વધારે
હાલના સમયમાં વૈશ્વિક સ્તરે એઆઈ કમ્પ્યુટિંગ ક્ષમતાની માંગ તેની સપ્લાય કરતા ઘણી વધારે છે, જેના કારણે એડવાન્સ ચિપ્સની સાથે સાથે વીજળી અને અન્ય સંસાધનોની તંગી એક મોટો અવરોધ બનીને સામે આવી છે. ફિંકે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી કે જો એઆઈ પાછળ થતો આ જંગી ખર્ચ ભવિષ્યમાં ઘટશે નહીં તો નાના સંગઠનો, હોસ્પિટલો અને સ્થાનિક પ્રશાસન જેવી સંસ્થાઓ આ ક્રાંતિકારી ટેકનોલોજીનો પૂરો લાભ ઉઠાવી શકશે નહીં. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, એઆઈ સામાન્ય લોકો સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે જેથી હોસ્પિટલો, નાના વ્યવસાયો, પરિવહન વ્યવસ્થા અને સ્થાનિક સરકારો પણ આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનો વિકાસ સાધી શકે.
એઆઈ સેક્ટરમાં થઈ રહેલા અસાધારણ રોકાણોને કારણે માર્કેટમાં કોઈ આર્થિક પરપોટો સર્જાવાની આશંકાઓ અંગે વાત કરતા લેરી ફિંકે કહ્યું હતું કે વર્તમાન બજારની પરિસ્થિતિ માત્ર અતિશય માંગ અને ઓછી સપ્લાયના કારણે ઉભી થઈ છે જે લાંબા ગાળે સંતુલિત થઈ જશે. વૈશ્વિક અર્થતંત્ર પર મંતવ્ય આપતા તેમણે ઉમેર્યું હતું કે તાજેતરના ભૌગોલિક-રાજકીય તણાવો (જીઓપોલિટિકલ ક્રાઈસિસ) હોવા છતાં વૈશ્વિક અર્થવ્યવસ્થાએ મજબૂત પ્રતિકાર શક્તિ દર્શાવી છે. ઉર્જા ઉત્પાદન, સપ્લાય ચેઈનમાં થઈ રહેલા સાનુકૂળ ફેરફારો અને નવી ટેકનોલોજીના વિકાસે ઘણા આર્થિક પડકારોને ઓછા કરવામાં મહત્વની મદદ કરી છે. ભવિષ્યના આર્થિક પડકારોનો સામનો કરવા માટે સાતત્યપૂર્ણ વિકાસ, ખાનગી રોકાણ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય રહેશે.


