વેરાવળ, 6 જુલાઈ, 2026 : One young woman died after being swept away by sea waves સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયામાં પણ કરન્ટ જોવા મળી રહ્યો છે. ત્યારે વેરાવળ નજીક આવેલા જાલેશ્વર દરિયાકાંઠે રવિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. રામદેવજી મહારાજના મંદિરે દર્શન કર્યા બાદ દરિયાકિનારે ગયેલી બે પિતરાઈ બહેનો અચાનક આવેલા પ્રચંડ મોજાંની ઝપેટમાં આવી તણાઈ ગઈ હતી. જો કે સ્થાનિક માછીમારોની સમયસરની બહાદુરી ભરી કામગીરીથી બંને યુવતીઓને દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ ગંભીર હાલતમાં રહેલી 17 વર્ષીય નિકિતા રામભાઈ પંડિતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે 24 વર્ષીય આરતીબેન ઉદયભાઈ વાયેલું હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવની વિગત એવી છે કે, વેરાવળના હરસુખ ગોહેલ પોતાની બે પિતરાઈ બહેનો સાથે જાલેશ્વર ખાતે આવેલા રામદેવજી મહારાજના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ ત્રણેય દરિયાકિનારે પહોંચ્યા હતા. તે દરમિયાન અચાનક ઉછળેલા ભારે મોજાંમાં એક યુવતી તણાવા લાગી હતી. તેને બચાવવા જતાં બીજી યુવતી પણ દરિયાના તીવ્ર પ્રવાહમાં સપડાઈ ગઈ હતી. બન્ને યુવતીઓ ડૂબતી હોવાની બૂમાબૂમ સાંભળતાં જ નજીકમાં હાજર જાલેશ્વરના માછીમારો તરત જ દરિયામાં કૂદી પડ્યા હતા અને ભારે જહેમત બાદ બંને યુવતીઓને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જોકે, નિકિતાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં વેરાવળ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ચોમાસાની ઋતુ દરમિયાન દરિયામાં ભારે મોજાં અને તીવ્ર પ્રવાહ રહેતા દરિયાકિનારે જતાં લોકો માટે જોખમ વધી જાય છે. તંત્ર દ્વારા લોકોને દરિયાથી સુરક્ષિત અંતર જાળવવા અને જોખમી સ્થળોએ ન જવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોએ પણ જાલેશ્વર જેવા પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠાવી છે.


