પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે લેખ લખ્યો, જાણો શું કહ્યું?
નવી દિલ્હી, 8 મે, 2026 – પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે એક વિસ્તૃત લેખ લખ્યો છે. આજથી 75 વર્ષ પહેલાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેના અમૃત મહોત્સવની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મેને સોમવારે સોમનાથ પહોંચવાના છે. એ સંદર્ભમાં તેમણે સમગ્ર ઘટનાક્રમને યાદ કરીને આ વિસ્તૃત લેખ લખ્યો છે. વાંચો શું કહ્યું પીએમ નરેન્દ્ર મોદીએ?
જય સોમનાથ !
વર્ષ 2026 ની શરૂઆતમાં મને સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવાનું સૌભાગ્ય મળ્યું. આ સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પછી પણ મંદિરના શાશ્વત અને અવિનાશી હોવાનો ઉત્સવ હતો. હવે 11 મેના રોજ મને ફરી એકવાર સોમનાથ જવાની સુઅવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. આ વખતે આ યાત્રા પુનઃનિર્મિત સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠના ઉપલક્ષમાં છે. હું એ ક્ષણને ફરી જીવવા જઈ રહ્યો છું જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજીએ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. તે દિવસે, સોમનાથમાં વિધ્વંસથી સર્જન સુધીની યાત્રા ફરીથી જીવંત થશે. છ મહિનાની અંદર સોમનાથના ઇતિહાસ સાથે જોડાયેલા આ બે અત્યંત મહત્વપૂર્ણ પડાવોનો સાક્ષી બનવું મારા માટે બહુ સૌભાગ્યની વાત છે.
સોમનાથ માત્ર એક મંદિર નથી, આપણી સભ્યતાનો અતૂટ સંકલ્પ છે. તેની સામે લહેરાતો વિશાળ સમુદ્ર અનંતકાળની અનુભૂતિ કરાવે છે. તેની લહેરો આપણને શીખવે છે કે તોફાન ભલે ગમે તેટલા વિકરાળ કેમ ન હોય, મનુષ્યનું સાહસ અને આત્મબળ દર વખતે ફરીથી બેઠા થવા માટે સક્ષમ છે. તટ સાથે ટકરાતી લહેરો સદીઓથી આ ઉદ્ઘોષ કરી રહી છે કે માનવીય ચેતનાને લાંબા સમય સુધી દબાવી શકાતી નથી.
पुनर्निर्मित सोमनाथ मंदिर के लोकार्पण की 75वीं वर्षगांठ के उपलक्ष्य में 11 मई को मुझे एक बार फिर वहां जाने का सौभाग्य मिलने वाला है। यह अवसर हमें स्मरण कराता है कि इस पावनस्थल की रक्षा और इसके पुनर्निर्माण के लिए किस प्रकार देश की कई पीढ़ियों ने निरंतर संघर्ष किया। देशवासियों के…
— Narendra Modi (@narendramodi) May 8, 2026
આપણા પ્રાચીન શાસ્ત્રોમાં લખ્યું છે: પ્રભાસં ચ પરિક્રમ્ય પૃથિવીક્રમસંભવમ્ । અર્થાત્ દિવ્ય પ્રભાસ (સોમનાથ) ની પરિક્રમા સમગ્ર પૃથ્વીની પરિક્રમા સમાન છે! જ્યારે લોકો અહીં દર્શન-પૂજન માટે આવે છે, ત્યારે તેમને તે સભ્યતાની અદ્ભુત નિરંતરતાનો પણ અનુભવ થાય છે, જેની જ્યોતિ ક્યારેય ઓલવી શકાઈ નથી. કેટલાય સામ્રાજ્યો આવ્યા અને ગયા, સમય બદલાયો અને ઇતિહાસે અનેક ઉતાર-ચઢાવ જોયા, છતાં સોમનાથ હંમેશા આપણા હૃદયમાં રહ્યું.
અસંખ્ય મહાન વિભૂતિઓનું સ્મરણ
આ સમય તે અસંખ્ય મહાન વિભૂતિઓના સ્મરણનો પણ છે, જેઓ ક્રૂર આક્રમણખોરો સામે અડગ રહ્યા. લકુલીશ અને સોમ શર્મા જેવા મનીષીઓએ પ્રભાસને શૈવ દર્શનનું મહાન કેન્દ્ર બનાવ્યું. ચક્રવર્તી મહારાજ ધારસેન ચોથાએ સદીઓ પહેલા ત્યાં બીજું મંદિર બનાવ્યું હતું. સમયની કઠિન પરીક્ષા વચ્ચે ભીમ પ્રથમ, જયપાલ અને આનંદપાલ જેવા શાસકોએ આક્રમણો વિરુદ્ધ પોતાની સભ્યતાની ઢાલ બનીને મંદિરની રક્ષા કરી હતી. એવું માનવામાં આવે છે કે મહાન રાજા ભોજે પણ આ પવિત્ર સ્થળના પુનઃનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
કર્ણદેવ સોલંકી અને જયસિંહ સિદ્ધરાજ
કર્ણદેવ સોલંકી અને જયસિંહ સિદ્ધરાજે ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક શક્તિને પુનઃસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. ભાવ બૃહસ્પતિ, કુમારપાળ સોલંકી અને પાશુપતાચાર્યોએ આ તીર્થને આરાધના અને જ્ઞાનના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું. વિશાલદેવ વાઘેલા અને ત્રિપુરાંતકે તેની બૌદ્ધિક અને આધ્યાત્મિક પરંપરાઓની રક્ષા કરી. મહિપાલ ચૂડાસમા અને રાવ ખેંગાર ચૂડાસમાએ વિધ્વંસ પછી પૂજા-પાઠની પરંપરાને પુનર્જીવિત કરી. પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલ્કર, જેમની 300મી જયંતી ઉજવવામાં આવી રહી છે, તેમણે સૌથી પડકારજનક સમયમાં પણ ભક્તિની પરંપરાને જીવંત રાખી. બરોડાના ગાયકવાડોએ તીર્થયાત્રીઓના અધિકારોની રક્ષા કરી. આ સાથે જ આપણી આ ધરતી વીર હમીરજી ગોહિલ, વીર વેગડાજી ભીલ જેવા પરાક્રમીઓથી ધન્ય થઈ છે. તેમના સાહસ અને બલિદાનને આજે પણ યાદ કરવામાં આવે છે.
સરદાર પટેલ
1940 ના દાયકામાં સ્વતંત્રતાની ભાવના સમગ્ર ભારતમાં ફેલાઈ રહી હતી. સરદાર પટેલ જેવા મહાન નેતાઓના નેતૃત્વમાં સ્વતંત્ર ભારતનો પાયો નાખવામાં આવી રહ્યો હતો. એવામાં એક વાત જે તેમને ખૂબ વ્યથિત કરતી હતી, તે હતી – સોમનાથની દુર્દશા. 13 નવેમ્બર 1947 ના રોજ, દિવાળીના સમયે, તેમણે સોમનાથના જર્જરિત અવશેષો સામે ઉભા રહીને, સમુદ્રનું જળ હાથમાં લઈને સંકલ્પ લીધો, ‘’આ (ગુજરાતી) નવવર્ષ પર અમારો નિશ્ચય છે કે સોમનાથનું પુનઃનિર્માણ થશે. સૌરાષ્ટ્રના લોકોએ આ માટે દરેક રીતે પોતાનું યોગદાન આપવું પડશે. આ એક પવિત્ર કાર્ય છે, જેમાં દરેક વ્યક્તિએ ભાગીદારી નિભાવવી પડશે.’’ તેમના આ આહ્વાને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષને નવા ઉત્સાહથી ભરી દીધું.
દુર્ભાગ્યવશ, સરદાર પટેલ પોતાના તે સ્વપ્નને સાકાર થતા ન જોઈ શક્યા, જેના માટે તેમણે પોતાને સમર્પિત કરી દીધા હતા. જીર્ણોદ્ધાર પછી સોમનાથ મંદિર ભક્તો માટે ખુલે તે પહેલા જ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેમ છતાં, પ્રભાસ પાટણની પવિત્ર ધરતી પર તેમનો પ્રભાવ નિરંતર અનુભવાતો રહ્યો. તેમના વિઝનને કે.એમ. મુન્શીએ આગળ વધાર્યું, જેમને નવાનગરના જામસાહેબનું સમર્થન મળ્યું. 1951 માં મંદિરનું પુનઃનિર્માણ પૂર્ણ થવા પર રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ઉદ્ઘાટન માટે આમંત્રિત કરવામાં આવ્યા. તત્કાલીન વડાપ્રધાન પંડિત નેહરુના વિરોધ છતાં, ડૉ. પ્રસાદે સમારોહમાં ભાગ લઈને તેને ઐતિહાસિક બનાવી દીધો.
મને ઓક્ટોબર 2001 નો તે સમય આજે પણ બરાબર યાદ છે, જ્યારે મેં મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. 31 ઓક્ટોબર 2001 ના રોજ, સરદાર પટેલની જયંતીના અવસરે ગુજરાત સરકારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 50મી વર્ષગાંઠનું ભવ્ય આયોજન કર્યું. આ જ સમયે સરદાર પટેલની 125મી જયંતી પણ ઉજવવામાં આવી રહી હતી. આ કાર્યક્રમમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી અને તત્કાલીન ગૃહમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીની હાજરીએ તેને વધુ ગરિમાપૂર્ણ બનાવી દીધો હતો.
આ પણ વાંચોઃ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે
11 મે 1951 ના રોજ પોતાના ભાષણમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે સોમનાથ મંદિર દુનિયાને એ સંદેશ આપે છે કે અદ્વિતીય શ્રદ્ધા અને વિશ્વાસને ક્યારેય નષ્ટ કરી શકાતો નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મંદિર સદાય લોકોના હૃદયમાં વસેલું રહેશે. તેમણે એમ પણ કહ્યું કે મંદિરના પુનઃનિર્માણથી સરદાર પટેલનું સ્વપ્ન સાકાર થયું છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સરદાર પટેલની ભાવનાઓને અનુરૂપ લોકોના જીવનમાં સમૃદ્ધિ પણ લાવવી પડશે. આ બાબતે તેમના સંદેશા અત્યંત પ્રેરણાદાયી રહ્યા છે.
છેલ્લા એક દાયકાથી આપણે આ જ માર્ગ પર ચાલી રહ્યા છીએ. ‘વિકાસ પણ, વિરાસત પણ’ ના મંત્રથી પ્રેરાઈને સોમનાથથી કાશી, કામાખ્યાથી કેદારનાથ, અયોધ્યાથી ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વરથી શ્રીશૈલમ સુધી, આપણે આપણા આધ્યાત્મિક કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કર્યા છે. તેની સાથે જ તેમની પારંપરિક ઓળખને પણ જાળવી રાખી છે. આજે બહેતર કનેક્ટિવિટીથી વધુમાં વધુ લોકો અહીં આવી રહ્યા છે. તેનાથી સ્થાનિક અર્થતંત્રને બળ મળી રહ્યું છે, આજીવિકા સુરક્ષિત થઈ રહી છે, સાથે જ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવના વધુ સશક્ત બની રહી છે.
સહિયારી સભ્યતાનું પ્રતીક
આ પવિત્ર સ્થળની રક્ષા અને તેના પુનઃનિર્માણ માટે જેમણે પોતાનું સર્વસ્વ બલિદાન કર્યું, તેમનો સંઘર્ષ આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. ભારતના વિવિધ ભાગોમાંથી આવેલા લોકોએ તેની ભવ્યતા અને દિવ્યતાને પરત લાવવામાં પોતાનું અદ્ભુત યોગદાન આપ્યું. તેમની આવી જ આસ્થા સમગ્ર ભારતવર્ષ માટે પણ હતી. તેઓ એકતાના એવા અદ્ભુત તાંતણે બંધાયેલા હતા, જેને જમીની સીમાઓમાં વહેંચી શકાતો નથી. આજની વિભાજિત દુનિયામાં, સોમનાથમાંથી મળતો એકતાનો આ બોધ પહેલા કરતા ક્યાંય વધુ પ્રસ્તુત છે. સોમનાથ પોતાની ગૌરવશાળી પરંપરા સાથે હંમેશા ઊભું રહેશે, કારણ કે તે આપણી સહિયારી સભ્યતાનું પ્રતીક છે. આ જ ગૌરવને નમન કરતા બલિદાન આપનારા વીરોની સ્મૃતિમાં અને દાનવીરોની ઉદારતાને યાદ કરતા આગામી એક હજાર દિવસ સુધી અહીં વિશેષ પૂજા આયોજિત કરવામાં આવશે. એ જોઈને બહુ પ્રસન્નતા થઈ રહી છે કે મોટી સંખ્યામાં લોકો આ પુનિત કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
તે આપણને યાદ અપાવે છે કે જ્યારે કોઈ સમાજ પોતાની આસ્થા, પોતાની સંસ્કૃતિ અને પોતાની એકતા સાથે જોડાયેલો રહે છે, ત્યારે તેને લાંબા સમય સુધી દબાવી શકાતો નથી. આજે પણ આપણી સૌથી મોટી શક્તિ આ સહિયારી ચેતના જ છે, આ જ એકાત્મ ભાવ છે. આ જ ભાવના આપણને વિભાજનથી ઉપર ઉઠીને રાષ્ટ્રહિતમાં સાથે ચાલવાની પ્રેરણા આપે છે.
સભ્યતાગત ચેતનાના સશક્ત ધબકાર
હું તમામ દેશવાસીઓને આગ્રહ કરું છું કે આ પવિત્ર અવસરે પવિત્ર સોમનાથ ધામની યાત્રા કરે અને તેની ભવ્યતાના સાક્ષાત દર્શન કરે. જ્યારે તમે સોમનાથના તટ પર ઊભા રહેશો, ત્યારે તેના પ્રાચીન પ્રતિધ્વનિઓને તમારા ભીતર અનુભવશો. ત્યાં તમને માત્ર ભક્તિનો અનુભવ નહીં થાય, પરંતુ તે સભ્યતાગત ચેતનાના સશક્ત ધબકાર પણ સંભળાશે, જે ક્યારેય અટકી નથી, જેની તીવ્રતા ક્યારેય ઓછી થઈ નથી. ત્યાં તમે ભારતની તે અપરાજિત આત્માનો અનુભવ કરશો, જેણે દરેક આઘાત છતાં પોતાની ઓળખ અને પોતાની સંસ્કૃતિને અકબંધ રાખી છે. તમે સમજી શકશો કે આટલા પ્રયત્નો પછી પણ કેમ આપણી સભ્યતા મટી શકી નહીં. ત્યાં તમને ચિર વિજયના તે દર્શનનો અનુભવ થશે, જે સદીઓથી ભારતની શક્તિ બનેલો છે. મને પૂરો વિશ્વાસ છે કે તમારા માટે આ એક અવિસ્મરણીય અનુભવ હશે.
જય સોમનાથ.


