મમતા બેનર્જીને કોંગ્રેસ-ડાબોરીએનો ઈન્કાર, સંયુક્ત મોરચો બનાવવા કરી હતી અપીલ
કોલકાતા, 11 મે 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવવાની મમતા બેનર્જીની અપીલને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સ્પષ્ટપણે નકારી કાઢી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કોંગ્રેસ, સીપીએમ અને અન્ય ડાબેરી પક્ષોને ભાજપ વિરુદ્ધ એક થવા આહવાન કર્યું હતું, પરંતુ વિપક્ષી નેતાઓએ આ પહેલને પાયાવિહોણી ગણાવી છે.
કોંગ્રેસના પ્રવક્તા સૌમ્ય એચ રોયે તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મમતા બેનર્જી હવે એવા જૂથોનું સમર્થન માંગી રહ્યા છે જેમણે વર્ષો સુધી કોંગ્રેસના કાર્યકરો પર હુમલા કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, બંગાળમાં ભાજપને પગપેસારો કરવા માટે જો કોઈ જવાબદાર હોય તો તે મમતા બેનર્જી પોતે જ છે. રોયે ઉમેર્યું કે, ટીએમસીએ સતત કોંગ્રેસને બદનામ કરવાનું કામ કર્યું છે, તેથી હવે તેમની સાથે હાથ મિલાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
સીપીએમના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે મમતાની અપીલને ફગાવતા કહ્યું કે, ભાજપ વિરુદ્ધ લડાઈનો અર્થ તૃણમૂલ કોંગ્રેસ જેવા ભ્રષ્ટ અને કોમવાદી પક્ષ સાથે ઊભા રહેવું એવો નથી થતો. સીપીઆઈ સચિવ સ્વપન બંદોપાધ્યાયએ જણાવ્યું હતું કે,”મમતા બેનર્જી જેવા સરમુખત્યારશાહી અને અલોકતાંત્રિક નેતા સાથે ગઠબંધન કરવાનો વિચાર પણ ન કરી શકાય.” સીપીઆઈ-એમએલના અભિજીત મજુમદારએ જણાવ્યું હતું કે, ટીએમસી એક જમણેરી અને લોકશાહી વિરોધી પક્ષ છે.
એસયુસીઆઈ-સીના અમિતાભ ચેટર્જીએ જણાવ્યું હતું કે, મમતા બેનર્જી હવે હારના ડરથી આવી અપીલ કરી રહ્યાં છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીની આ અપીલને મહત્વહીન ગણાવી હતી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, મમતા બેનર્જી હવે રાજ્યના રાજકારણમાં કોઈ પ્રભાવ ધરાવતા નથી અને તેમનું રાજકીય અસ્તિત્વ જોખમમાં છે, તેથી જ તેઓ વિરોધ પક્ષોના શરણે જઈ રહ્યા છે.
બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મમતા બેનર્જી માટે સ્થિતિ વણસી રહી હોય તેવું જણાય છે. એક સમયે વિપક્ષી એકતાનો ચહેરો બનવા માંગતા મમતાને હવે પોતાના જ ગઢમાં કોંગ્રેસ અને ડાબેરીઓનો સાથ મળી રહ્યો નથી. આ રાજકીય ઘટનાક્રમ આગામી સમયમાં બંગાળના રાજકારણમાં મોટા ઉથલપાથલના સંકેત આપી રહ્યો છે.
આ પણ વાંચોઃ મનાલી નજીક ભાવનગરના પરિવારની કાર ઊડી ખીણમાં ખાબકતા 6નાં મોત


