1. Home
  2. ગુજરાતી
  3. શહીદ અગ્નિવીરના પરિવારને મરણોત્તર પેન્શનનો લાભ ના મળી શકે, કેન્દ્રની બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટતા
શહીદ અગ્નિવીરના પરિવારને મરણોત્તર પેન્શનનો લાભ ના મળી શકે, કેન્દ્રની બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટતા

શહીદ અગ્નિવીરના પરિવારને મરણોત્તર પેન્શનનો લાભ ના મળી શકે, કેન્દ્રની બોમ્બે હાઈકોર્ટમાં સ્પષ્ટતા

0
Social Share

મુંબઈ, 12 મે 2025: ડ્યુટી દરમિયાન શહીદ થયેલા અગ્નિવીરોને શું નિયમિત સૈનિકોની જેમ પેન્શન અને અન્ય લાભો મળવા જોઈએ? આ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે સેવાના લાભોની બાબતમાં અગ્નિવીર અને નિયમિત સૈનિકો એક સમાન સ્તરે નથી, તેથી શહીદ અગ્નિવીરના પરિવારને મરણોત્તર પેન્શન લાભ આપી શકાય નહીં.

કેસની હકીકત અનુસાર, ગત વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન શહીદ થયેલા અગ્નિવીર મુરલી નાયકના મૃત્યુ બાદ શરૂ થયો હતો. મુરલી નાયકના માતા જ્યોતિબાઈ નાયકે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે, અગ્નિવીરોને પણ નિયમિત સૈનિકોની જેમ જ પેન્શન અને કલ્યાણકારી લાભો મળવા જોઈએ. અરજીમાં આક્ષેપ કરાયો હતો કે ‘અગ્નિપથ યોજના’ સૈનિકો વચ્ચે ભેદભાવ પેદા કરે છે, જ્યારે બંને સરખા જોખમોનો સામનો કરે છે.

કેન્દ્ર સરકારે સોગંદનામામાં હાઈકોર્ટને જણાવ્યું હતું કે, અગ્નિપથ યોજના રાષ્ટ્રીય જરૂરિયાતો મુજબ તૈયાર કરાયેલી 4 વર્ષની ટૂંકા ગાળાની વ્યવસ્થા છે. સશસ્ત્ર દળોમાં પેન્શન અને અન્ય ભથ્થા લાંબા ગાળાની સેવા સાથે જોડાયેલા હોય છે. સરકારે દલીલ કરી કે અલગ-અલગ શ્રેણીના લોકો વચ્ચે સમાનતા હોઈ શકે નહીં. આ વર્ગીકરણ તર્કસંગત છે અને બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર)નું ઉલ્લંઘન કરતું નથી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, “સેવાની શરતો સ્વીકાર્યા પછી, હવે નિયમિત સૈનિકો જેવા લાભોની માંગ કરવી તે કાયદાકીય રીતે યોગ્ય નથી.”

સરકારે કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે શહીદ મુરલી નાયકના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમના માતાને આશરે 2.3 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. જોકે, ફેમિલી પેન્શન આપવાની યોજનામાં કોઈ જોગવાઈ નથી. કેન્દ્રએ હાઈકોર્ટને આ અરજી ફગાવી દેવાની વિનંતી કરતા કહ્યું કે, અગ્નિવીરોની ભરતી એ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં લેવાયેલો નીતિ વિષયક નિર્ણય છે. આવા નીતિગત નિર્ણયોમાં અદાલતોની ન્યાયિક સમીક્ષાની સત્તા મર્યાદિત હોય છે.

આ પણ વાંચોઃ ડિપ્લોમાંથી ડિગ્રી ઈજનેરીના બીજા વર્ષમાં પ્રવેશ માટે મેરીટલિસ્ટ જાહેર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code