લોટરી જીતવામાં આ ભાઈની ખરેખર લોટરી લાગી છે! 18 વખત કોના નસીબે સાથ આપ્યો?
રિવોઈ ન્યૂઝ, 16 મે 2026 – લોટરી જીતવામાં આ ભાઈની ખરેખર લોટરી લાગી છે! નસીબ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, તે કોઈ નથી જાણતું. અમેરિકાના એક વ્યક્તિએ 18 વખત લોટરી જીતીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. પરંતુ, જ્યારે તેને તેના આ શાનદાર નસીબનું રહસ્ય પૂછવામાં આવ્યું, ત્યારે તેણે એવો જવાબ આપ્યો જેણે સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી લીધા. આ વ્યક્તિએ કહ્યું કે તેના જીવનની સૌથી મોટી લોટરી પૈસા નથી, પરંતુ તેની પત્ની છે.
18મી વખત જીતી લોટરી
અમેરિકાના Idaho રાજ્યમાં રહેતા રોબર્ટ બેવને તાજેતરમાં જ $1,000,000 કિંગ સ્ક્રેચ ગેમમાં 50 હજાર ડૉલરનું ઇનામ જીત્યા છે. તેમના જીવનની આ 18મી લોટરી જીત હતી. Idaho Lottery ના જણાવ્યા અનુસાર, તેમની જીતનો સિલસિલો વર્ષ 1997 માં શરૂ થયો હતો, જ્યારે તેમણે એક ખાસ પ્રમોશન દરમિયાન Chevrolet Blazer કાર જીતી હતી. ત્યાર પછી તેઓ ઘણી વખત અલગ-અલગ ઇનામો જીતી ચૂક્યા છે. તેમની જીતમાં નાના કેશ પ્રાઈઝથી લઈને 2 લાખ ડૉલર સુધીની રકમ સામેલ રહી છે.
આ પણ વાંચોઃ ભોજશાળામાં સનાતન સૂર્યોદય, પૂજા-અર્ચના શરૂઃ 1000 વર્ષની પીડાનો અંત
18 વખત કોના નસીબે સાથ આપ્યો?
જ્યારે લોટરી અધિકારીઓએ તેમને પૂછ્યું કે આખરે તેમના નસીબનું રહસ્ય શું છે, ત્યારે રોબર્ટ બેવનનો જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેમણે કહ્યું, “મારું અસલી નસીબ 40 વર્ષ સુધી એ જ અદ્ભુત મહિલા સાથે રહેવાનું છે.” તેમનો ઈશારો પોતાની પત્ની તરફ હતો. તેમણે જણાવ્યું કે વર્ષોથી તેઓ અને તેમની પત્ની સાથે મળીને લોટરીની ટિકિટ ખરીદતા આવ્યા છે અને આ તેમના માટે માત્ર મનોરંજનનો એક ભાગ હતો.
સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા વખાણ
રોબર્ટ બેવનનું આ નિવેદન ઇન્ટરનેટ પર લોકોને ખૂબ જ ગમ્યું. ઘણા યુઝર્સે કહ્યું કે, વારંવાર લોટરી જીતવી એ મોટી વાત છે, પરંતુ પોતાની પત્ની માટે આવો આદર અને પ્રેમ દર્શાવવો તેનાથી પણ વધુ ખાસ છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના લગ્નજીવન અને સંબંધોની મજબૂતાઈના વખાણ કરી રહ્યા છે.
જોકે 50 હજાર ડૉલરની નવી જીતે તેમને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધા છે, પરંતુ લોકોના દિલ તેમની આ ભાવુક વાતે જીત્યા છે. ઘણા લોકોએ કહ્યું કે, આ વાર્તા માત્ર લોટરી જીતવાની નથી, પરંતુ લાંબા ગાળાના સંબંધો, પ્રેમ અને સાથનું મહત્વ સમજાવનારી વાર્તા છે.


