1. Home
  2. ગુજરાતી
  3. મહુડાના ફૂલનું ગરમ-ગરમ સૂપ આરોગ્ય માટે ફાયદાકારક
મહુડાના ફૂલનું ગરમ-ગરમ સૂપ આરોગ્ય માટે ફાયદાકારક

મહુડાના ફૂલનું ગરમ-ગરમ સૂપ આરોગ્ય માટે ફાયદાકારક

0
Social Share

બદલાતી અને આધુનિક બનતી જીવનશૈલી વચ્ચે પણ ગુજરાતના આદિવાસી વિસ્તારો આજે પણ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજે પેઢીઓ જૂનું જંગલ આધારિત ઔષધીય જ્ઞાન અને પરંપરાગત ખોરાકને આજે પણ જીવંત રાખ્યો છે. સામાન્ય રીતે લોકો જે મહુડાને માત્ર ‘દારૂ’ બનાવવા સાથે જોડીને જોતા આવ્યા છે, તે મહુડાના ફૂલ વાસ્તવમાં આદિવાસી પરિવારો માટે ઉત્તમ આહાર અને આરોગ્યની ચાવી છે. અહીંના સ્થાનિક લોકો આજે પણ શક્તિ અને સ્ફૂર્તિ માટે મહુડાના ફૂલમાંથી બનતું પરંપરાગત પૌષ્ટિક સૂપ હોંશે-હોંશે પીવે છે.

જંગલનું અમૃત: આ રીતે તૈયાર થાય છે ‘મહુડા સૂપ’

છોટાઉદેપુર જિલ્લાના ગાઢ જંગલ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મહુડાના વૃક્ષો જોવા મળે છે. વસંત ઋતુમાં મહુડાના ફૂલોને સ્થાનિક લોકો વીણીને સૂકવી લે છે. ત્યારબાદ આ સૂકા ફૂલ સાથે આદુ, મરી અને અન્ય દેશી મસાલાઓનું મિશ્રણ કરીને એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સૂપ તૈયાર કરવામાં આવે છે. આ ગરમ-ગરમ સૂપ ગ્રામ્ય વિસ્તારોમાં એક પરંપરાગત ઊર્જા પ્રદાયક પીણા તરીકે ભારે લોકપ્રિય છે.

કુપોષણ સામે લડત અને અદભુત આયુર્વેદિક ગુણો

આયુર્વેદિક માન્યતાઓ અનુસાર મહુડો શીતળ ગુણ ધરાવે છે, જે શરીરની ગરમી ઘટાડવામાં અત્યંત સહાયક સાબિત થાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સૂપ પીવાથી શરીરનો થાક અને નબળાઈ પળવારમાં દૂર થાય છે. તે પાચનક્રિયા સુધારવામાં, સારી ઊંઘ લાવવામાં અને હળવી ખાંસી તેમજ ગળાની તકલીફમાં કુદરતી દવા જેવું કામ કરે છે. મહુડાના ફૂલમાં કુદરતી શુગર અને આયર્ન (લોહતત્વ) જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આથી જ, તેને કુપોષણ સામે લડવા માટે એક સચોટ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે.

માત્ર દારૂ નહીં, ઔષધિ છે મહુડો

છોટાઉદેપુરના આદિવાસી સમાજ માટે મહુડાનું સૂપ માત્ર એક આહાર નથી, પરંતુ તેમની પરંપરા, સંસ્કૃતિ અને આરોગ્ય સાથે જોડાયેલું એક અમૂલ્ય પીણું છે. આજે જ્યારે શહેરી લોકો મોંઘા હેલ્થ સપ્લીમેન્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, ત્યારે આદિવાસીઓ જંગલના આ ‘સુપરફૂડ’ થકી આજે પણ નિરોગી અને ખડતલ જીવન જીવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code