સુરત, 13 ઓક્ટોબર, 2026 : Lajpore Jail, 6 mobiles seized again during search શહેરની લાજપોર મધ્યસ્થ જેલમાં ફરીવાર કેદીઓની બેરેકમાંથી 6 મોબાઈલ ફોન પકડાયા છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદની ટીમ દ્વારા દરોડો પાડી સુરક્ષાની પોલ ખોલ્યા બાદ સ્થાનિક જેલતંત્રે સતર્કતા દાખવી છે. જેલરે વિવિધ યાર્ડ અને બેરેકોમાં અચાનક સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બેરેકમાંથી વધુ 6 મોબાઇલ ફોન, 3 ચાર્જર, 4 બેટરી અને 1 ડેટા કેબલ મળી આવ્યા હતા. આ મામલે જેલ પ્રશાસને સચિન પોલીસ મથકે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવી છે.
સુરતની લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા મોબાઈલ ફોન સહિત સુવિધા આપવાના આવતા હોય છે. થોડા દિવસ પહેલા જ ગાંધીનગરની સુચનાથી અમદાવાદ સ્થિત જેલ DGની ખાસ સ્ક્વોડે લાજપોર જેલમાં ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તે સમયે સ્ક્વોડે 11 મોબાઇલ અને સિમકાર્ડ જપ્ત કરીને જેલની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલ્લી પાડી દીધી હતી. જેલમાં કેદીઓને સુવિધા સભર માહોલ પૂરું પાડવામાં આવતું હોવાની વિગતો તપાસ દરમિયાન બહાર આવી હતી. અધિકારીઓની રહેમનજર હેઠળ જેલની અંદર ગેરકાયદે સામગ્રી પહોંચતી હોવાનો મોટો ખુલાસો રાજ્ય કક્ષાએ થયો હતો. અને દરોડા બાદ રાજ્યના DGPએ કડક વલણ અપનાવીને સુબેદાર, હવાલદાર અને સિપાઈ મળી કુલ 8 કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા. જેલરની પણ શિક્ષાત્મક બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત જેલમાં ગેરકાયદે કારોબાર ચલાવવામાં મદદ કરતા 4 મુખ્ય કેદીઓને વડોદરા અને રાજકોટ જેલમાં મોકલી દેવાયા હતા. આટલી મોટી શિક્ષાત્મક કાર્યવાહી પછી પણ જેલમાં મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મળવાનું બંધ થયું નથી. નવા જેલરે વિવિધ યાર્ડ અને બેરેકોમાં અચાનક સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બેરેકમાંથી વધુ 6 મોબાઇલ ફોન, 3 ચાર્જર, 4 બેટરી અને 1 ડેટા કેબલ મળી આવ્યા હતા. આ મામલે જેલ પ્રશાસને સચિન પોલીસ મથકે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધાવી છે.
જેલ વર્તુળોમાં એવી વિગતો ચર્ચામાં છે કે કડક પગલાં દરમિયાન પાયાના નાના કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. પડદા પાછળના મુખ્ય કસૂરવારો સામે હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી થઈ શકી નથી. આ આંતરિક વિવાદો વચ્ચે પણ જેલની અંદર પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી ચાલુ રહી છે. સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સાધનો જેલની ઊંચી દીવાલોની અંદર કોણ અને કેવી રીતે પહોંચાડે છે તે દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે.


