ખિસ્સામાં રહેલી કાગળની નોટો થઈ જશે ઈતિહાસ? ભારતમાં પ્લાસ્ટિક કરન્સી લાવવા RBI ની તૈયારી
મુંબઈ, 29 મે 2026: આપણઆ ખિસ્સામાં રહેલી કાગળની ચલણી નોટો ટૂંક સમયમાં જ ઈતિહાસ બની શકે છે. ભારતીય રિઝર્વ બેંક દેશમાં ઝડપથી વધી રહેલી રોકડની માંગને પહોંચી વળવા અને ચલણી નોટોનું આયુષ્ય વધારવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય બેંક હવે પરંપરાગત કાગળના બદલે પ્લાસ્ટિક (પોલિમર) ની નોટો છાપવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, પટના અને મુંબઈમાં યોજાયેલી આરબીઆઈની તાજેતરની બોર્ડ બેઠકોમાં આ મોટા ફેરફાર અંગે મંથન થયું છે. જો કે, પ્લાસ્ટિક કરન્સીનો આ કોન્સેપ્ટ નવો નથી. દુનિયાના ઘણા દેશો વર્ષો પહેલા જ આ ટેકનોલોજી અપનાવી ચૂક્યા છે.
કાગળની નોટોને વ્યવસ્થામાંથી હટાવવા પાછળનું સૌથી મોટું કારણ તેની ઉત્પાદન કિંમત અને ટકાઉપણું છે. બેંકિંગ નિષ્ણાતોના મતે, પ્લાસ્ટિકની નોટો સામાન્ય કાગળની નોટોની સરખામણીમાં આશરે અઢી ગણી વધારે ચાલે છે. આ નોટો પર પાણી, ભેજ કે ગંદકીની કોઈ ખાસ અસર થતી નથી. આ નોટો જલ્દી ફાટતી પણ નથી, જેના કારણે તેને વારંવાર છાપવાનો મોટો ખર્ચ બચી જાય છે. આ સિવાય પ્લાસ્ટિક નોટોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની નકલ કરવી એટલે કે નકલી (ફેક) નોટો બનાવવી લગભગ અશક્ય છે. આ જ ફાયદાઓને જોતા દુનિયાભરની કેન્દ્રીય બેંકો ઝડપથી આ વિકલ્પ તરફ વળી રહી છે.
-
60 દેશોએ કાગળની નોટોને કાયમ માટે કહી દીધું ‘ગુડબાય’
હાલ વિશ્વભરમાં આશરે 60 જેટલા દેશો પ્લાસ્ટિકની નોટોનો આંશિક ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ દુનિયાના કેટલાક મોટા દેશો એવા છે જેમણે પોતાની સિસ્ટમમાંથી કાગળની નોટોને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે: પ્લાસ્ટિક નોટોની શરૂઆત કરનારો ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ છે. વર્ષ 1988 માં જ અહીં પોલિમર નોટો ચલણમાં આવી ગઈ હતી. આ દુનિયાનો એકમાત્ર એવો દેશ પણ છે જે આ નોટોનું મોટા પાયે ઉત્પાદન કરે છે.
ન્યૂઝીલેન્ડે વર્ષ 1999 માં પોતાની તમામ કાગળની નોટોને ચલણમાંથી બહાર કરી દીધી હતી. અહીં સૌથી નાની નોટ 5 ડોલર અને સૌથી મોટી 100 ડોલરની હોય છે. દક્ષિણ-પૂર્વ એશિયાના બ્રેનેઈએ નકલી નોટોના જોખમ સામે લડવા માટે સંપૂર્ણપણે પ્લાસ્ટિક નોટો અપનાવી લીધી છે. વિતેયનામમાં વર્ષ 2003 માં પોલિમર નોટોની એન્ટ્રી થઈ હતી. આજે વિયેતનામી કરન્સી ‘ડોન્ગ’ સંપૂર્ણપણે પ્લાસ્ટિકની છે, જેમાં સૌથી મોટી નોટ 5 લાખની હોય છે.
-
દુનિયાભરમાં વાગી રહ્યો છે આ ટેકનોલોજીનો ડંકો
યુરોપમાં રોમાનિયા એકમાત્ર એવો દેશ છે જેણે 2005 માં જ પોતાની તમામ નોટોને પોલિમરમાં બદલી નાખી હતી. પાપુઆ ન્યુ ગિનીમાં 1975 સુધી ઓસ્ટ્રેલિયન ડોલર ચાલતો હતો, પરંતુ ત્યારબાદ ‘કીના’ નામે નવી મુદ્રા લાવવામાં આવી. હવે અહીં માત્ર પ્લાસ્ટિક નોટો જ ચાલે છે. રસપ્રદ વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જી-7 સંમેલન અને દ્વિપક્ષીય વાર્તાલાપના સિલસિલામાં આ દેશની મુલાકાત લઈ ચૂક્યા છે.
વૈશ્વિક સ્તરે પોલિમર નોટોનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. સિંગાપોર, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ જેવા એશિયાઈ દેશો પણ આ ટેકનોલોજી અપનાવી ચૂક્યા છે. કેનેડાએ પણ વર્ષ 2011 માં તેને પોતાની સિસ્ટમનો હિસ્સો બનાવી દીધો હતો. જો દુનિયાની સૌથી મજબૂત કરન્સી એટલે કે અમેરિકન ડોલરની વાત કરીએ, તો તે સંપૂર્ણપણે પ્લાસ્ટિકની હોતી નથી. અમેરિકી કરન્સીને સદીઓથી ટકાવી રાખવા માટે તેને કોટન (કપાસ) અને લિનનના એક ખાસ મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે, જે તેને સામાન્ય કાગળ કરતા અલગ અને મજબૂત બનાવે છે.


