Homeગુજરાતીહોર્મુઝ સ્ટ્રેટ: એલપીજી અને ક્રૂડ ઓઇલ ભરેલા ભારતના 13 જહાજો ઈરાનને ટોલ...

હોર્મુઝ સ્ટ્રેટ: એલપીજી અને ક્રૂડ ઓઇલ ભરેલા ભારતના 13 જહાજો ઈરાનને ટોલ ચૂકવ્યા વિના પસાર થયા

નવી દિલ્હી, 3 જૂન 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને પગલે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોર્મશિયલ જહાજો પાસેથી ટેક્સ-ટોલ વસુલવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ મામલે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના 13 જેટલા જહાજો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચુકવ્યા વિના પસાર થયાનું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને ભારતની સ્થિતિ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે તાજેતરમાં ક્રૂડ ઓઇલ અને ગેસથી ભરેલા ભારતના જહાજોએ સુરક્ષિત રીતે તેમની સફર પૂર્ણ કરી છે અને આ માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવામાં આવ્યો નથી. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એલપીજી અને ક્રૂડ ઓઇલથી ભરેલા આપણા 13 જહાજો તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા. આ માર્ગમાંથી પસાર થતી વખતે ભારતના કોઈપણ જહાજે ઈરાનને કોઈ પણ પ્રકારનો ટોલ કે ટેક્સ ચૂકવ્યો નથી.

દેશમાં રાંધણ ગેસની વધતી કિંમતો અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર ભારતની સમસ્યા નથી. તેમણે કહ્યું, “આ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ એક વૈશ્વિક સંકટ છે.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, પરિસ્થિતિ ગમે તે હોય પરંતુ સરકાર દ્વારા લેવામાં આવતા તમામ નિર્ણયો દેશની જનતાના હિતોને સર્વોપરી રાખીને જ લેવામાં આવે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular