1. Home
  2. revoinews
  3. ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી
ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી

ધોલેરાના ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ના નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી

0
Social Share
  • વન વિભાગની મહેનત રંગ લાવી, ખારાપાટ અને સૂકા તથા ઉજ્જડ પ્રદેશમાં પણ રોપાઓ એક વર્ષમાં 12 ફૂટ જેટલા ઊંચા થઇ ગયા

ધોલેરા, 4 જૂન, 2026 : ધોલેરાના ખારાપાટમાં એક નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઊઠી છે. ધોલેરાના એક્ટિવેશન એરિયાના બ્લોક નંબર 29માં વન વિભાગના પ્રયાસોથી આ જાદુ થયો છે અને નવતર પ્રયોગ થકી વિકસાવેલું હરિયાળું વન રણમાં વિરડા જેવું લાગે છે. દેશમાં સેમિકંડક્ટર હબ તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર ગુજરાત વન વિભાગે ‘ડ્રમ પ્લાન્ટેશન’નો એક નવતર પ્રયોગ કર્યો છે.

સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અહીં વિકસાવવામાં આવેલી નવીન “ડ્રમ પ્લાન્ટેશન” પદ્ધતિથી 3,200થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ નવતર પ્રયોગને સફળતા મળી છે. આસપાસ ખારાપાટની વચ્ચે ઊભેલા 3200 વૃક્ષો દરેક જોનાર વ્યક્તિને આશ્ચર્ય પમાડે છે અને રણની વચ્ચે વિરડાનો અનુભવ કરાવે છે.

ઝડપથી વિકસતા ઔદ્યોગિક શહેર ધોલેરામાં હરિયાળો વિસ્તાર વધારવાના હેતુથી આ પ્રોજેક્ટને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં, જ્યાં કુદરતી રીતે ઘાંસ પણ ઉગી શકતું નથી, ત્યાં આ પહેલની સફળતા વિશેષ મહત્ત્વ ધરાવે છે.

Greenery blooms in Dholera's Kharapat thanks to innovative experiment of 'drum plantation'
Greenery blooms in Dholera’s Kharapat thanks to innovative experiment of ‘drum plantation’

પ્રાયોગિક ધોરણે 3200 રોપાઓ ઉછેર્યા અને સફળતા મળી

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2025માં 15 જાતિનાં 3,200થી વધુ રોપાઓ પ્લાસ્ટિકના ડ્રમનો ઉપયોગ કરીને વાવવામાં આવ્યા હતા. આ પ્રયોગનું કારણ એ હતુ કે, રોપાનાં મૂળિયાઓને જમીનની ખારાશથી ઉંચાઇ પર સુરક્ષિત રાખી શકાય. એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થઈ ગયા છે, જે આ વિસ્તાર માટે નોંધપાત્ર સિદ્ધિ છે.

અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. મીનલ જાનીએ જણાવ્યું કે, “આ ખારાશવાળી જમીનમાં રોપાઓ ઉછેરવા એક પડકાર હતો. જમીનમાં ઇલેક્ટ્રો-કન્ડક્ટિવિટી ખૂબ ઊંચી હતી, જમીનમાં કાર્બનનું પ્રમાણ નહિવત હતું અને ખારાશ અત્યંત વધુ હતી. આ ઉપરાંત, આ વિસ્તારમાં છ મહિના સુધી પાણી ભરાયેલું રહેવાને કારણે છોડનો વિકાસ લગભગ અશક્ય બની જતો હતો. આ પડકારોનો સામનો કરવા માટે અમે ‘ડ્રમ પ્લાન્ટેશન ટેકનિક અપનાવી. જેમાં રોપાઓને ડ્રમમાં ઊંચાઈ પર વાવવામાં આવ્યા. આ ડ્રમમાં રેતી, પોષક તત્ત્વોથી ભરપૂર માટી, વર્મી કમ્પોસ્ટ, સુકું ઘાસ અને કોકોપીટ ભરવામાં આવ્યાં.”

આ પણ વાંચોઃ ગુજરાતમાં તમામ શહેરો વર્ષ 2030 સુધીમાં વાયર ફ્રી સિટી બનશે

કેવી રીતે મળી સફળતા?

ડૉ. મીનલ જાનીએ વધુમાં જણાવ્યું કે, “ડ્રમની બંને બાજુ હવાની અવર-જવર થઇ શકે તે માટે છિદ્રો બનાવવામાં આવ્યાં અને તેને જમીનમાં આશરે એક ફૂટ ઊંડે દાટવામાં આવ્યાં. DSIRDA દ્વારા મીઠું પાણી પૂરું પાડવામાં આવ્યું. તમામ રોપાઓ માટે ટપક સિંચાઈ (ડ્રિપ ઇરિગેશન) વ્યવસ્થા કરવામાં આવી. આ તમામ પ્રયાસોને કારણે, આજે લગભગ તમામ વૃક્ષો જીવંત છે અને કેટલાકમાં તો ફળો પણ આવવા લાગ્યા છે, જેના કારણે પરાગસંચય કરનારા જીવજંતુઓ (પોલીનેટર્સ) અને પક્ષીઓ આજે અહીં કલરવ કરી રહ્યા છે.”

15થી વધુ પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યા

આ વાવેતરમાં પીલુ (Salvadora persica), કેસૂડો (Butea monosperma), શીમળો (Bombax ceiba), પારસ પીપળો (Thespesia populnea), વડ (Ficus benghalensis), પીપળો (Ficus religiosa), પેલ્ટોફોરમ (Peltophorum pterocarpum), દેશી બાવળ (Acacia nilotica), કરંજ (Pongamia pinnata), અર્જુન (Terminalia arjuna), ગોરસ આંબલી (Pithecellobium dulce), લીમડો (Azadirachta indica), ગુંદી (Cordia dichotoma) અને આમલી (Tamarindus indica) સહિતની 15 પ્રજાતિનાં વૃક્ષો વાવવામાં આવ્યા છે.

એક નવી ઇકોસિસ્ટમ, પોલિનેટર્સ અને પક્ષીઓનો કલરવ થયો

ડૉ. મીનલ જાનીએ જણાવ્યું કે, “જ્યાં અગાઉ ઘાસ પણ ઉગી શકતું નહોતું, ત્યાં આજે જમીન નવસાદ્ય બની અને પતંગિયા સહિતનાં જીવજંતુઓ, પક્ષીઓનો કલરવ થવા લાગ્યો. કુદરતી રીતે ઉગતા ઘાસ ફરી વખત ઉગવા માંડ્યા.”

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, વાવેતરમાં ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટિકનાં ડ્રમને ભવિષ્યમાં દૂર કરીને રિસાયકલ કરવામાં આવશે, જેથી પ્રોજેક્ટ પર્યાવરણની દૃષ્ટિએ સંપૂર્ણપણે ટકાઉ બની રહે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)ને ટકાઉ ઔદ્યોગિકીકરણ માટે વૈશ્વિક માપદંડ તરીકે વિકસાવવાનું વિઝન ધરાવે છે. તેમના નેતૃત્વમાં ધોલેરા ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રનું અગ્રણી કેન્દ્ર બનવા જઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ વેપારીઓને હની ટ્રેપમાં ફસાવીને તોડ કરતી ગેન્ગની મહિલા સૂત્રધાર પકડાઈ

પ્રોજેક્ટની સફળતા બાદ વધુ 20 હેક્ટરમાં પ્લાન્ટેશન કરાશે

પાયલોટ પ્રોજેક્ટની સફળતાથી પ્રોત્સાહિત થઈને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA) આ જ પ્રયોગને આગળ વધારવા માટે વધુ 20 હેક્ટર જમીન ફાળવી છે અને આ માટે જરૂરી ફંડ ફાળવ્યું છે. આગામી તબક્કામાં ધોલેરા એક્ટિવેશન વિસ્તારમાં આ જ ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી આશરે 50,000થી વધુ રોપાઓ વાવવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દેશભરમાં હરિયાળો વિસ્તાર વધારવાના સતત પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. જનભાગીદારી, વૃક્ષારોપણ અભિયાનો અને ટકાઉ વિકાસની પહેલો દ્વારા ભારત આવનારી પેઢીઓ માટે વધુ હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code