અમદાવાદમાં આવાસ ક્ષેત્રે AMCની પહેલ: હજારો પરિવારોને મળશે આધુનિક અને સસ્તું ઘર
- PMAY 1.0 હેઠળ 21,056 EWS આવાસો પૂર્ણ, 10,431 આવાસોની કામગીરી પ્રગતિમાં
- PMAY 2.0 હેઠળ 50 હજાર આવાસોનું લક્ષ્ય, અત્યાર સુધી 23,958 આવાસોના DPR મંજૂરી માટે રજૂ
- LIG યોજના હેઠળ 61 ચો.મી. વિસ્તારના 2.5 BHKના 2,060 આવાસો બાંધકામ હેઠળ
અમદાવાદ, 8 જૂન 2026: અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) તથા ઓછી આવક ધરાવતા વર્ગ (LIG)ના પરિવારોને આવાસ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત વિવિધ આવાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાઓ અંતર્ગત EWS, LIG, ઝૂંપડપટ્ટી પુનઃવસન અને પુનઃવિકાસ યોજના-2013 તેમજ જાહેર આવાસોના પુનઃનિર્માણ-2016 પોલીસી હેઠળ આવાસોના નિર્માણ અને વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) 1.0
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) 1.0 અંતર્ગત EWS-I કેટેગરીમાં કુલ 21,056 આવાસો પૂર્ણ કરીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે, જ્યારે 10,431 આવાસોની કામગીરી હાલમાં પ્રગતિમાં છે. EWSના આવાસોમાં 28 ચો.મી. કાર્પેટ એરિયા સાથે એક બેડરૂમ, હોલ, રસોડું, સંડાસ-બાથરૂમ અને વોશ એરિયાની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત પાર્કિંગ, સ્ટેનલેસ સ્ટીલ સિંક સાથે કીચનમાં કોટા સ્ટોનનું પ્લેટફોર્મ,એલ્યુમિનિયમ ગ્લાસ વિન્ડોઝ, 24 કલાક પાણી, સેન્ટ્રલાઈઝ્ડ ડ્રેનેજ, કોમન પ્લોટ, સોલાર પેનલ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ, પેરકોલેશન વેલ, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, આકર્ષક એલીવેશન તથા દરેક આવાસમાં પીએનજી ગેસ લાઈન જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. EWS-I યોજના હેઠળના આ આવાસોની કિંમત લાભાર્થીઓ માટે રૂ.3.30 લાખ રખાઈ છે.
EWS-II યોજના હેઠળ 38 ચો.મી. કાર્પેટ એરિયાવાળા કુલ 1,217 આવાસોની કામગીરી પૂર્ણ થઇને મકાન તૈયાર થઇ ગયા છે. ISSR-2013 યોજના અંતર્ગત 30 ચો.મી. કાર્પેટ એરિયાના 9,662 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે 16,744 આવાસો હાલમાં કામગીરી હેઠળ છે. આ યોજના અંતર્ગત વિવિધ શ્રેણીના આધુનિક અને સુવિધાસાબર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રહેણાંક નેટવર્ક હેઠળ 30 ચો.મી વિસ્તાર ધરાવતા આવાસોમાં એક બેડરૂમ, હોલ, રસોડું, સંડાસ-બાથરૂમ, ચોકડી અને ખુલ્લી પેસેજ પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત વિટ્રિફાઈડ ટાઈલ્સ ફ્લોરિંગ, કોટા સ્ટોનનું કિચન પ્લેટફોર્મ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, એમ.એસ. ગ્રિલ સાથે ગ્લાસ વિન્ડોઝ, વુડન ફ્લશ ડોર, સ્ટાન્ડર્ડ કંપનીની ફિટિંગ્સ, પાણી અને ડ્રેનેજ લાઈન, મીની STP, RCC રોડ, પેવર બ્લોક પેવિંગ, લિફ્ટ તથા PNG ગેસ કનેક્શન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન (BLC) યોજના હેઠળ 274 આવાસોનો લાભ લાભાર્થીઓએ લીધો છે. આ ઉપરાંત LIG 2BHK કેટેગરી હેઠળ 48 ચો.મી. કાર્પેટ એરિયાના કુલ 2,501 આવાસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરી આવાસ યોજના-2016 હેઠળ 4,768 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે, જ્યારે 64 આવાસોની કામગીરી હાલમાં ચાલુ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) 2.0
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) 2.0 અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ 50,000 આવાસો તૈયાર કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ અંતર્ગત વિવિધ આવાસ યોજનાઓ માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. PMAY 2.0 હેઠળના આવાસોનો કાર્પેટ એરિયા PMAY 1.0 કરતાં વધુ રાખવામાં આવ્યો છે.
જે અંતર્ગત સ્લમ વિસ્તારોના 18 લોકેશન પર 6,755 આવાસો તથા તળાવ વિસ્તારોમાં વસતા લોકો માટે 8 લોકેશન પર 3,190 આવાસોની DPR મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રક્શન (BLC) યોજના હેઠળ કુલ 40 તથા 27 મળીને 67 આવાસોના DPR મંજૂરીમાં મુક્યા છે. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ (ARHC) યોજના હેઠળ ત્રણ સ્થળોએ 1,745 આવાસો માટે DPR પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. AHP યોજના હેઠળ 21 સ્થળોએ કુલ 12,201 આવાસોના DPR મંજૂરી માટે પ્રોસેસ કરવામાં આવ્યા છે. આમ, 50,000 આવાસોના લક્ષ્યાંક સામે AMC દ્વારા અત્યાર સુધીમાં કુલ 23,958 આવાસોના DPR સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
LIG આવાસ યોજના અંતર્ગત અંદાજિત 61 ચો.મી. કાર્પેટ એરિયાના 2.5 BHK કેટેગરીના કુલ 2,060 આવાસો હાલમાં પ્રગતિ હેઠળ છે. આ આવાસોમાં તમામ રૂમોમાં વિટ્રિફાઈડ ફ્લોરિંગ, વોશ એરિયામાં કોટા સ્ટોન, ગ્રેનાઈટ કિચન પ્લેટફોર્મ, પી.એન.જી. ગેસ કનેક્શન, સ્ટાન્ડર્ડ સેનેટરી વેર અને સી.પી. ફિટિંગ્સ, લેમિનેટેડ મેઈન ડોર, એફ.આર.પી. ડોર, માઈનસ-વન લેવલ બેઝમેન્ટ પાર્કિંગ, ગ્રેનાઈટ ફ્લોરિંગવાળા સ્ટેરકેસ, 24 કલાક પાણી, ડબલ પ્લમ્બિંગ સિસ્ટમ, મીની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, આર. સી. સી. રોડ અને પેવર બ્લોક સહિતનું સુવ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે.
લાભાર્થીઓને માહિતી કેવી રીતે અને ક્યાંથી મળશે તેની વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) AHP અંતર્ગત ઈ-ડબલ્યુ-એસ (EWS) આવાસો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાભાર્થીઓ www.ahmedabadcity.gov.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તેમજ આવાસ સંબંધિત માહિતી પણ વેબસાઇટ અને જાહેરખબરો મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
યોજના અંતર્ગત જનરલ, એસ.ટી., એસ. સી. તથા ઓ. બી. સી. કેટેગરીના અરજદારો માટે અરજી મંગાવવામાં આવે છે, જેમાં તમામ કેટેગરીમાં બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગોને ૫ ટકા હોરિઝોન્ટલ રિઝર્વેશન આપવામાં આવે છે. ઈ-ડબલ્યુ-એસ આવાસની કુલ કિંમત રૂ. 3.00 લાખ નક્કી કરવામાં આવી છે, જેમાં ઓનલાઈન અરજી સાથે રૂ.7,550 ભરવાના રહેશે. ત્યારબાદ જો અરજદારને કોમ્પ્યુટરાઇઝડ “ડ્રો”માં પસંદગી થાય તો ફાળવણી પત્ર મળ્યા બાદ 20 ટાકા રકમ (60,000-7500 = 52500) ભરવાની રહેશે. જ્યારે બાકીની 80 ટકા રકમ 2,40,000ના 24000 ના 10 હપ્તા અને 30,000 મેન્ટેનેન્સ તથા અન્ય ચાર્જીસ ભરવાના થશે.
અત્યાર સુધી યોજનામાં કુલ 27,955 લાભાર્થીઓને આવાસોની સોંપણી આપવામાં આવ્યા હોવાનું કોર્પોરેશન દ્વારા જણાવાયું છે. આ અરજી માટે ઓળખ ના પુરાવા માટે આધારકાર્ડ, પાનકાર્ડ, રહેઠાણ પુરાવા તરીકે લાઈટ બિલ/ટેક્ષ બીલ, રેશનકાર્ડ આ ઉપરાંત આવકનો દાખલો, અનામત કેટેગરી માટે જાતિનો દાખલો તથા દિવ્યાંગ કેટેગરી માટે 40 ટકા કે તેથી વધુ વિકલાંગતાનું પ્રમાણપત્ર ફરજિયાત રાખવામાં આવ્યું છે. આવાસોની ફાળવણી ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા કમ્પ્યૂટરાઈઝ્ડ “ડ્રો” સિસ્ટમથી કરવામાં આવે છે.


