વડોદરા, 8 જુન, 2026 : 3 killed as truck hits car near Karjan on Delhi-Mumbai Expressway દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. અને વાહન વાહનચાલકો માટે આ એક્સપ્રેસ વે ‘ડેથ ઝોન’ બની રહ્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ પાસે કાર પાછળ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનમાં ખાટું શ્યામના દર્શન માટે જઈ રહેલા સેલવાસની પરિવારની અર્ટિંગા કારની પાછળ આયસર ટ્રક અથડાતા 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવીછે કે, સેલવાસનો પરિવાર કાર લઈને દિલ્હી-મુંબઈ હાઈવે પર કરજણ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કારમાં અવાજ આવી રહ્યો હોવાથી કારને રોડ સાઈડ પર પાર્ક કરીને ચેક કરી રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રકના ચાલકે કારને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ભયાનક અકસ્માત એટલો પ્રચંડ હતો કે, કારનો રીતસરનો કુરચો બોલી ગયો હતો. ગાડીમાં કુલ 11 લોકો સવાર હતા, જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
આ અકસ્માત અંગે મૃતકના પરિવારજન દર્શનભાઈએ કહ્યું કે, “હું વાપીનો રહેવાસી છું અને મૃતક મારા ભાઈ હતા (કાકાનો દીકરો), તેમનો આખો પરિવાર અર્ટિગા ગાડીમાં હતો, જેમાં સાત પુરુષો અને ત્રણ-ચાર બાળકો હતા. તેઓ સેલવાસથી રાજસ્થાન ખાટું શ્યામ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. કારમાં અવાજ આવી રહ્યો હતો, અવાજના કારણે તેમણે ગાડી સાઈડમાં ઊભી રાખી હતી, જે આખી સફેદ પટ્ટી આવે છે તેની બાજુમાં કાર પાર્ક કરીને ચેક કર્યું કે ગાડીમાં શું અવાજ આવી રહ્યો છે. એટલે બધા પુરુષો નીચે ઉતર્યા અને મહિલાઓ બધી અંદર જ હતી. ત્યારે પાછળથી એક આઈસર (ટાટા કંપનીનું આઈસર) આવ્યું અને તેણે ટક્કર મારીને બધાને ફંગોળી દીધા અને તે આગળ નીકળી ગયો. આગળ જઈને તે વાહન રોકાયેલું છે, તો તેના ફોટા અને વીડિયો બધું અમે લીધેલું છે. આ અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા છે. જે બાકી બચેલા ચાર-પાંચ જણા અને નાના બાળકો છે, તેમને ઈજાઓ થઈ છે.


