ભારતની પરમાણુ નીતિમાં ઐતિહાસિક બદલાવ: ઇતિહાસમાં પ્રથમ વખત 12 પરમાણુ હથિયારો તૈનાત કરાયા
નવી દિલ્હી, 10 જૂન 2026: વૈશ્વિક સ્તરે હથિયારો અને સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખતી વિશ્વસનીય સંસ્થા ‘સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'(સિપ્રી)ના તાજેતરના વાર્ષિક અહેવાલમાં ભારતની સામરિક ક્ષમતાને લઈને એક અત્યંત મહત્વનો દાવો કરવામાં આવ્યો છે. સિપ્રીના અહેવાલ અનુસાર, ભારતે ઇતિહાસમાં પ્રથમ વખત શાંતિકાળ દરમિયાન પોતાના 12 પરમાણુ હથિયારોને ઓપરેશનલ ઓર્ડરમાં એટલે કે તૈનાત શ્રેણીમાં રાખ્યા છે. સંરક્ષણ નિષ્ણાતો આ પગલાંને ભારતની પરમાણુ નીતિ અને વ્યૂહરચનામાં આવેલા એક મોટા અને નિર્ણાયક પરિવર્તન તરીકે જોઈ રહ્યા છે.
સિપ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, ભારત પાસે પરમાણુ હથિયારોનો કુલ ભંડાર હવે વધીને 190 પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષે 180 હતો. જાન્યુઆરી સુધીના આંકડા અનુસાર, આ 190 હથિયારોમાંથી 12 હથિયારો સક્રિય રીતે તૈનાત છે, જ્યારે બાકીના 178 હથિયારો સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. આ પૂર્વે સિપ્રીના કોઈપણ અહેવાલમાં ભારતના પરમાણુ હથિયારોને તૈનાત શ્રેણીમાં દર્શાવવામાં આવ્યા નહોતા. અગાઉ ભારત પોતાના પરમાણુ હથિયારોને લોન્ચ સિસ્ટમથી અલગ રાખતું હતું, પરંતુ હવે મિસાઇલોને કેનિસ્ટરમાં રાખવાની અને દરિયાઈ સરહદો પર સબમરીન દ્વારા પરમાણુ ગશ્ત કરવાની નવી પહેલ દર્શાવે છે કે ભારત શાંતિકાળમાં પણ હથિયારોને લોન્ચિંગ મોડમાં રાખવા તરફ આગળ વધી રહ્યું છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે સંભવતઃ દરિયાઈ સરહદ પર પેટ્રોલિંગ કરતી પોતાની પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન પર મર્યાદિત સંખ્યામાં પરમાણુ હથિયારો તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. ભારત પોતાના ‘ન્યુક્લિયર ટ્રાયડ’ (જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) ના સમુદ્ર આધારિત તંત્રને સતત મજબૂત કરી રહ્યું છે, જે દુશ્મનના કોઈપણ હુમલા સામે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2024 પછી ભારતે આઈએનએસ અરિઘાત અને આઈએનએસ અરિદમન નામની બે અત્યાધુનિક પરમાણુ સબમરીનોને નૌસેનામાં સામેલ કરી છે. આ સબમરીનો લાંબા સમય સુધી પાણીની અંદર રહીને ગશ્ત કરી શકે છે, જેનો મુખ્ય હેતુ દેશ પર પરમાણુ હુમલો થવાની સ્થિતિમાં વળતો અને સચોટ પ્રહાર સુનિશ્ચિત કરવાનો છે.
પાકિસ્તાન સાથે દુશ્મનાવટ અકબંધ, પરંતુ હવે ચીન પર મુખ્ય ફોકસ
સિપ્રીના અહેવાલમાં ભારતના પરમાણુ આધુનિકીકરણ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું છે કે, ભારત પોતાના સૈન્ય આધુનિકીકરણ અંતર્ગત હવે એવી લાંબી ન્યુક્લિયર મિસાઈલ પ્રણાલીઓ વિકસાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે ચીનના કોઈપણ વિસ્તાર કે લક્ષ્યને સરળતાથી વિંધી શકે. જો કે, ભારતની આ વ્યૂહાત્મક યોજનાઓ પર પાકિસ્તાન સાથેની પરંપરાગત પ્રતિસ્પર્ધાની અસર પણ યથાવત છે. વર્ષ 2025 દરમિયાન પણ ભારતે પોતાના પરમાણુ ભંડારમાં આંશિક વધારો કરીને નવી પેઢીના લોન્ચિંગ સાધનોનું સફળ પરીક્ષણ ચાલુ રાખ્યું હોવાનું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.


