લંડન, 22 જૂન 2026: બ્રિટનના રાજકીય ક્ષેત્રમાંથી એક મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે વડાપ્રધાન પદ અને લેબર પાર્ટીના નેતા પદેથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. સ્ટારમરે જણાવ્યું હતું કે તેમની પોતાની જ પાર્ટીની અંદર એ સવાલો ઉઠી રહ્યા હતા કે શું તેઓ આગામી સામાન્ય ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કરવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે કે નહીં.
તેમણે ઉમેર્યું કે તેમને પોતાની પાર્ટી તરફથી આ સવાલોનો જવાબ મળી ગયો છે અને તેઓ તેને અત્યંત સન્માનપૂર્વક સ્વીકારી રહ્યા છે. સ્ટારમરના મતે હવે સમય આવી ગયો છે કે કોઈ નવો નેતા પાર્ટીની કમાન સંભાળે અને તેને આગામી ચૂંટણી તરફ આગળ લઈ જાય. નોંધનીય છે કે, કીર સ્ટારમર છેલ્લા ૧૦ વર્ષમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યા વિના પદ છોડનારા છઠ્ઠા બ્રિટિશ વડાપ્રધાન બન્યા છે. આ અગાઉ ડેવિડ કેમેરોન, થેરેસા મે, બોરિસ જોનસન, લિઝ ટ્રસ અને ઋષિ સુનક પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.
રાજીનામું આપવા પાછળનું અસલી કારણ શું?
કીર સ્ટારમરે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે સંસદીય દળને તેમના નેતૃત્વ પર સંશય હતો અને પક્ષની અંદર એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે જો તેઓ નેતૃત્વ કરશે તો પક્ષ ચૂંટણીમાં સફળ થઈ શકશે નહીં. તેમણે લોકશાહી ઢબે પક્ષના આ આંતરિક અવાજોને પ્રાથમિકતા આપીને પદ પરથી હટી જવાનો નિર્ણય લીધો છે. સ્ટારમરે ગર્વ સાથે જણાવ્યું કે જ્યારે તેઓ બે વર્ષ પહેલા વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા, ત્યારે તે તેમના જીવનની સૌથી ગૌરવશાળી ક્ષણ હતી. પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવતા તેમણે ઉમેર્યું કે તેમણે બ્રિટિશ રાજકારણમાંથી યહૂદી વિરોધી વિચારોને જડમૂળથી ઉખાડી ફેંક્યા છે અને દેશની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ અર્થતંત્રને હંમેશા પ્રથમ સ્થાન આપ્યું છે.
વડાપ્રધાનના રાજીનામા બાદ હવે બ્રિટનના આગામી વડાપ્રધાન કોણ બનશે તેને લઈને ગરમાવો આવી ગયો છે. લેબર પાર્ટી પોતાનો નવો નેતા પસંદ કરવા માટે ટૂંક સમયમાં જ એક મહત્વપૂર્ણ બેઠક યોજશે. હાલની સ્થિતિએ તાજેતરમાં જ પેટાચૂંટણી જીતીને આવેલા એન્ડી બર્નહેમ વડાપ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે. બર્નહેમને હાલમાં ૧૦૦ જેટલા સાંસદોનું જાહેર સમર્થન પ્રાપ્ત છે. ઉલ્લેખનીય છે કે, બર્નહેમે ગયા અઠવાડિયે જ મેકરફિલ્ડ બેઠકની પેટાચૂંટણી જીતી હતી અને તેઓ આજે સંસદમાં સાંસદ તરીકે શપથ લેવાના છે.
કિંગ ચાર્લ્સ સાથે વાતચીત અને છેલ્લે ભાવુક થયા સ્ટારમર
કીર સ્ટારમરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેમણે પોતાના આ મોટા નિર્ણય અંગે બ્રિટનના રાજા (કિંગ) સાથે પણ વિગતવાર વાતચીત કરી લીધી છે. જો પક્ષમાં નવો નેતા પસંદ કરવા માટે ચૂંટણી યોજવાની જરૂર પડશે, તો સપ્ટેમ્બરમાં સંસદનું સત્ર શરૂ થાય તે પહેલા જ લેબર પાર્ટીના નવા નેતાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. સ્ટારમરે ખાતરી આપી છે કે તેઓ નવા નેતાને સત્તા સોંપવાની પ્રક્રિયાને એકદમ સરળ અને વ્યવસ્થિત બનાવશે તેમજ પોતાના ઉત્તરાધિકારીને સંપૂર્ણ સમર્થન આપશે. તેમણે જૂના દિવસો યાદ કરતા કહ્યું કે જ્યારે તેમણે લેબર પાર્ટીની કમાન સંભાળી હતી ત્યારે પક્ષ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો અને લોકો માનતા હતા કે પાર્ટીનું રાજકીય ભવિષ્ય ખતમ થઈ ગયું છે, પરંતુ તેમણે પક્ષને ફરી બેઠો કર્યો હતો.
પોતાના ભાષણના અંતમાં સ્ટારમર પરિવારને યાદ કરીને અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે આંસુ ભીની આંખે કહ્યું કે હવે તેઓ વડાપ્રધાન પદની વ્યસ્ત જવાબદારીઓમાંથી મુક્ત થઈને પોતાની પત્ની અને બાળકો સાથે વધુ સમય વિતાવવા માંગે છે અને એક સારા પતિ તથા પિતા બનવા ઈચ્છે છે. આટલું કહીને તેમણે મંચ પર જ પોતાની પત્નીને ગળે લગાવી હતી અને ત્યારબાદ વડાપ્રધાન આવાસ તરફ વિદાય લીધી હતી.

