શિમલા, 07 ઓગસ્ટ 2026: Heavy rain in Himachal Pradesh હિમાચલ પ્રદેશમાં ચોમાસું કહેર વર્તાવી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં વ્યાપક તબાહી સર્જાઈ છે.
શિમલા સ્થિત હવામાન કેન્દ્રના અહેવાલ મુજબ, સૌથી વધુ વરસાદ ધર્મશાલા (79 મિમી)માં નોંધાયો હતો; ત્યારબાદ જોગિંદરનગર (76 મિમી), મંડી (63.4 મિમી) અને રાજધાની શિમલા (54.6 મિમી)નો ક્રમ આવે છે. વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
વાહનવ્યવહાર માટે 145 રસ્તા બંધ
7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યા સુધીમાં, રાજ્યભરમાં 145 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. મંડી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં 66 રસ્તાઓ બંધ છે; જ્યારે કુલ્લુમાં 31 અને સિરમૌરમાં 28 રસ્તાઓ બંધ છે.
વરસાદ અને ભૂસ્ખલનને કારણે માળખાગત સુવિધાઓને ગંભીર અસર થઈ છે. રાજ્યમાં કુલ 224 વીજ ટ્રાન્સફોર્મર બંધ હાલતમાં છે, જેમાંથી 182 ટ્રાન્સફોર્મર માત્ર મંડી જિલ્લામાં છે. આ ઉપરાંત, પીવાના પાણી પુરવઠાની 14 યોજનાઓ ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે.
ભારે વરસાદની શક્યતા
હવામાન કેન્દ્ર, શિમલા દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી થોડા દિવસોમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં 10 અને 11 ઓગસ્ટ માટે ‘ભારેથી અતિ ભારે વરસાદ’ અંગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
વધુ વાંચો: રેલવે ટિકિટ બુકિંગ હવે એકદમ સરળ બનશે, IRCTCએ બનાવી બીટા વેબસાઈટ

