ઈટાનગર, 15 ઓગસ્ટ 2026: અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ભારે નુકસાન થયું છે. અપર સુબનસિરી જિલ્લામાં રોડ નિર્માણ સ્થળ પર થયેલા લેન્ડસ્લાઈડમાં ચાર મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે ડિબાંગ વેલીમાં અચાનક આવેલા પૂરના પ્રચંડ પ્રવાહમાં સેનાના બે શેલ્ટર તણાઈ જતાં પાંચ જવાન લાપતા થયા છે. બંને ઘટનાઓને પગલે યુદ્ધના ધોરણે મોટા પાયે શોધખોળ અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, આ બંને દુર્ઘટનાઓ શુક્રવાર સાંજે ઘટી હતી. જિલ્લાના કેઓઝારિંગ-બ્યાચિંગ રોડ નિર્માણ સ્થળ પર ભારે વરસાદને કારણે અચાનક મોટો ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થયો હતો. પર્વત પરથી મોટા પ્રમાણમાં કાટમાળ પડવાને કારણે ત્યાં કામ કરી રહેલા કેટલાક શ્રમિકો દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ટાડુ બાકી, તાજી રાય, માર્કોશ બસુમતારી અને બાબુલ અલી નામના ચાર લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીના જણાવ્યા મુજબ બાબુલ અલીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. રાહત અને બચાવ કાર્ય માટે નાચો પોલીસ સ્ટેશન, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તેમજ SDRFની ટીમોને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે.
ડિબાંગ વેલી જિલ્લામાં શુક્રવાર સાંજે ભારે વરસાદ બાદ અચાનક આવેલા ઘસમસતા પૂરે ‘પાશુ પાની’ આર્મી કેમ્પને પોતાની ચપેટમાં લીધો હતો. પૂરના તીવ્ર પ્રવાહમાં 5મી ગ્રેનેડિયર્સના બે શેલ્ટર તણાઈ ગયા હતા અને સેનાના સાત જવાનો તણાઈ ગયા હતા. તેમાંથી બે જવાનોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ પાંચ જવાન લાપતા છે.
લાપતા થયેલા પાંચ જવાનોમાં હવાલદાર ઉપેન્દ્ર તેમજ સેનાના જવાનો કુંદન, વિનોદ, આદિત્ય અને સમુંડા સામેલ છે. તેમની શોધખોળ માટે 5મી ગ્રેનેડિયર્સની બે રેસ્ક્યુ ટીમો ઉપરાંત ITBPની 58મી બટાલિયન, GREFની 62 RCC, સ્થાનિક સ્વયંસેવકો અને અરુણાચલ પ્રદેશ પોલીસના જવાનો કામે લાગ્યા છે. પાસીઘાટથી SDRFની વધુ એક ટીમ પણ બચાવ અભિયાનમાં જોડાવા માટે અનિની રવાના થઈ ચૂકી છે.

