Homeગુજરાતીદેશ-વિદેશમક્કા પર ડ્રોન હુમલાનો સાઉદી અરેબિયાનો દાવો: હૂતીઓએ કર્યો ઈન્કાર

મક્કા પર ડ્રોન હુમલાનો સાઉદી અરેબિયાનો દાવો: હૂતીઓએ કર્યો ઈન્કાર

રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: સાઉદી અરેબિયા અને હુતીઓ વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. દરમિયાન ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળ એવા મક્કા પર હુમલાના પ્રયાસને લઈને મધ્ય પૂર્વમાં ભારે તણાવ સર્જાયો છે. સાઉદી અરેબિયાએ દાવો કર્યો છે કે યમનના હૂતી વિદ્રોહીઓએ મક્કાને નિશાન બનાવીને ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને સાઉદી એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ સફળતાપૂર્વક તોડી પાડ્યો છે. જોકે, બીજી તરફ હૂથી વિદ્રોહીઓએ સાઉદીના આ દાવાને તદ્દન પાયાવિહોણો અને “જૂનુ જૂઠ” ગણાવીને ફગાવી દીધો છે.

સાઉદી અરેબિયાના લશ્કરી પ્રવક્તા તુર્કી અલ-મલિકીએ આ હુમલાના પ્રયાસની સખત શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું હતું કે, આ કાયરતાપૂર્ણ કૃત્યનો મુખ્ય હેતુ પવિત્ર સ્થળે દર્શનાર્થે આવતા નિર્દોષ શ્રદ્ધાળુઓ અને નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કરવાનો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “મક્કા-મદીના જેવા પવિત્ર સ્થળો અને ત્યાં આવતા યાત્રાળુઓની સુરક્ષા સાઉદી અરેબિયા માટે ‘રેડ લાઈન’ છે. પવિત્ર ધામોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને આવી દરેક પ્રવૃત્તિને સખત હાથે નાથવામાં આવશે.”

આ ઘટના પહેલા સાઉદી અરેબિયાના સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારે દેશના પશ્ચિમી કિનારે આવેલા મક્કા, જેદ્દાહ અને તાઈફ જેવા મુખ્ય વિસ્તારોમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2017 બાદ એટલે કે લગભગ એક દાયકામાં પ્રથમ વખત આ પ્રદેશમાં આવું ઈમરજન્સી એલર્ટ જારી કરાયું હતું. જોકે, ખતરો ટળી જતાં આ એલર્ટને થોડી જ મિનિટોમાં પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, પરંતુ તેના બીજા જ દિવસે બુધવારે હુમલાનો પ્રયાસ થયો હોવાના અહેવાલો વહેતા થયા હતા.

  • હૂતી વિદ્રોહીઓનો પલટવાર: “મક્કાને નિશાન બનાવવાનો દાવો જૂઠો”

યમનના હૂતી વિદ્રોહી જૂથે સાઉદી અરેબિયાના આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. હૂતી રાજકીય બ્યુરોના નેતા હાજેમ અલ-અસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “મક્કા કે કોઈપણ ઈસ્લામિક પવિત્ર સ્થળને નિશાન બનાવવાનો દાવો સાઉદી અરેબિયાનુ એક ઘસાઈ ગયેલ જૂનુ જૂઠ છે. આ પ્રકારના ખોટા દાવાઓનો ઉપયોગ સાઉદી અગાઉ પણ કરી ચૂક્યું છે. અમારો પવિત્ર સ્થળોને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી.”

મુસ્લિમ દેશોના સંગઠન OIC ના જનરલ સેક્રેટરિયેટ દ્વારા આ ઘટના અંગે ઊંડો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. OIC એ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, પવિત્ર સ્થળો, મસ્જિદો અને સામાન્ય નાગરિક વિસ્તારો પર હુમલા કરવા એ સીધો આતંકવાદ છે. આ પ્રકારના કૃત્યો ઈસ્લામિક મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ખુલ્લું ઉલ્લંઘન છે. દુનિયાભરના 2 અબજ મુસ્લિમોની આસ્થાના કેન્દ્ર સમાન મક્કાની પવિત્રતાનો ભંગ કરવાનો પ્રયાસ સહન કરવામાં આવશે નહીં અને જવાબદારો સામે સખત પગલાં ભરવા જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મક્કા ઈસ્લામ ધર્મનું સૌથી પવિત્ર શહેર છે જ્યાં કાબા સ્થિત છે, જેની તરફ મુખ રાખીને વિશ્વભરના મુસ્લિમો નમાઝ અદા કરે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં હજ અને ઉમરાહ માટે આવે છે, જેથી આ વિસ્તારની સુરક્ષા સમગ્ર મુસ્લિમ જગત માટે અતિ સંવેદનશીલ મુદ્દો ગણાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular