Homeગુજરાતીદેશ-વિદેશમક્કા કરારથી બચવા પાકિસ્તાન અફઘાનિસ્તાન પર હુમલા કરે છે: તાલિબાન

મક્કા કરારથી બચવા પાકિસ્તાન અફઘાનિસ્તાન પર હુમલા કરે છે: તાલિબાન

કાબુલ, 25 સપ્ટેમ્બર 2026: સાઉદી અરબ પર હૂથી બળવાખોરોના સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે પાકિસ્તાન સાઉદીની મદદે આગળ ન આવતા મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ દરમિયાન અફઘાન તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદનું એક સણસણતું નિવેદન સામે આવ્યું છે. તેમણે પાકિસ્તાન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, સાઉદી અરબના પક્ષે લડવા જવું ન પડે તે માટે પાકિસ્તાન જાણીજોઈને અફઘાનિસ્તાન પર હુમલા કરીને યુદ્ધની સ્થિતિ બનાવી રહ્યું છે.

7 ઓગસ્ટ, 2026ના રોજ સાઉદી અરબ, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર મુજબ ત્રણેયમાંથી કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પરનો હુમલો ગણવામાં આવશે અને લશ્કરી સહયોગ આપવાનો રહેશે. હવે તાલિબાનનો આરોપ છે કે ઈસ્લામાબાદ આ કરારમાંથી બહાર નીકળવા માટે ચાલ ચાલી રહ્યું છે અને અફઘાનિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી કરીને પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓમાંથી છટકી રહ્યું છે.

કંધારમાં એક ધાર્મિક મદ્રેસાના કાર્યક્રમમાં બોલતા તાલિબાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, “પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા તાજેતરના હુમલાઓ સાઉદી અરબ સાથેના મક્કા કરારથી બચવાના હેતુથી કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન વિશ્વ સમક્ષ એવું ચિત્ર ઊભું કરવા માંગે છે કે તે પોતે અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં ફસાયેલું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાન પોતાની આંતરિક સમસ્યાઓથી પોતાની જનતાનું ધ્યાન ભટકાવવા માટે અફઘાનિસ્તાન સાથે વારંવાર લશ્કરી સંઘર્ષ ઊભો કરી રહ્યું છે.

  • પાકિસ્તાની હવાઈ હુમલામાં 4 નાગરિકોના મોત

આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના કંધાર, પક્તિયા અને ખોસ્ત જેવા વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં ચાર નાગરિકોના મોત થયા છે. નોંધનીય છે કે કંધાર એ તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદઝાદાનો ગઢ માનવામાં આવે છે. બીજી તરફ, પાકિસ્તાનના માહિતી મંત્રીએ દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનમાં ૧૦ આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. ઈસ્લામાબાદનો આરોપ છે કે અફઘાન જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ અને ડ્રોન હુમલા માટે થઈ રહ્યો છે, જેનો કાબુલે સખત અસ્વીકાર કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમે બંને પડોશી દેશો વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ ઊભી કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular