Homeગુજરાતીગુજરાતસરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીએ ભરાયો, એકતાનગરમાં નીર વધામણાં

સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટીએ ભરાયો, એકતાનગરમાં નીર વધામણાં

એકતાનગર, 30 સપ્ટેમ્બર 2026: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ જળસપાટી 138.68 મીટર પર પહોંચીને સંપૂર્ણપણે ભરાઈ ગયો છે, જે સમગ્ર રાજ્ય માટે જળ સુરક્ષાના સૌથી મોટા સમાચાર છે. થોડા સમય પહેલાં ડેમની જળસપાટી 138.67 મીટર પર હતી અને તે પૂર્ણ સપાટીથી માત્ર 1 સેન્ટિમીટર જ દૂર હતો. ઉપરવાસમાંથી થઈ રહેલી 44,884 ક્યુસેક પાણીની નીરંતર આવકના પરિણામે ડેમ આખરે તેની પૂર્ણ ક્ષમતાએ છલોછલ થઈ ગયો છે. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ બંધ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા બાદ, સરદાર સરોવર ડેમ તેની મહત્તમ જળસપાટીએ પહોંચ્યો હોય તેવી આ સતત સાતમી ઘટના છે.

આ ઐતિહાસિક ક્ષણને વધાવવા અને સત્તાવાર રીતે જળ સલામતીની ઉજવણી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ એકતાનગર પહોંચ્યા હતા. તેમની ગરિમામય ઉપસ્થિતિમાં નર્મદા નીર વધામણાં અને વૈદિક મંત્રોચ્ચાર સાથે જળ પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ડેમ પૂર્ણ સપાટીએ પહોંચતા જ રાજ્યમાં જળસંગ્રહ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થવાની સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ડેમમાં 5,747.12 એમસીએમ (MCM) જેટલો જંગી લાઈવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે ડેમમાંથી 12,788 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમની પૂર્ણ સપાટી સાથે જ રાજ્યમાં વીજ ઉત્પાદન અને પાણીનો પુરવઠો સુચારુ રૂપે ચાલુ રાખવામાં આવ્યો છે. હાલ કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન મારફતે વીજ ઉત્પાદન ધમધમી રહ્યું છે, જ્યારે રિવર બેડ પાવર હાઉસના તમામ ટર્બાઇન હાલ પૂરતા બંધ રાખવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ જવાથી રાજ્યના 10,453 ગામડાં, 191 શહેરો અને 7 મહાનગરપાલિકાઓ સહિત આશરે 4 કરોડ નાગરિકો માટે પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત થઈ ગઈ છે. ગુજરાત માટે આ ડેમ માત્ર એક જળસંગ્રહ યોજના નથી પરંતુ પીવાના શુદ્ધ પાણી, ખેતી માટે સિંચાઈ અને ઊર્જા ઉત્પાદનનો મુખ્ય આધારસ્તંભ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular