આણંદ, 3 ઑક્ટોબર, 2026 – Swachhata Hi Seva Campaign 2026 ભારત સરકાર દ્વારા દર વર્ષે ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર દરમ્યાન “સ્વચ્છતા હી સેવા ઝુંબેશ ૨૦૨૬” અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવાતજ દ્વારા ઉપરોક્ત સમયગાળા દરમ્યાન વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન ડૉ. એમ. પી. પટેલ, માન. કુલપતિશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન કેવિકેના સ્ટાફ દ્વારા ઓફિસ બીલ્ડીંગમાં તેમજ તેની આસપાસ, રોડ સાઇડ, સ્ટાફ ક્વાર્ટરની આસપાસ સફાઇ કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા શપથ પણ લેવામાં આવ્યા હતા. તદુપરાંત ખેડૂત તથા ખેડૂત મહિલાઓ સાથે મળીને પણ વિવિધ ગામોમાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ખેડૂતોને સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાળવવા, તેઓના આંગણે અને ગામમાં, રસ્તા પર સફાઇ રાખવા તેમજ ગમે ત્યાં કચરો ન નાખવા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં કેવિકે સ્ટાફ અને ૧૫૩ જેટલા ખેડૂત ભાઇઓ- બહેનોએ ભાગ લીધો હતો.
વધુમાં ૦૨ જી ઓક્ટોબરના રોજ “સ્વચ્છ ભારત દિવસ” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સફાઇ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સર્વેને શેઢા પાળા પર રોપી શકાય તેવા ઝાડના રોપાનું વનવિભાગ, સોજીત્રા દ્વારા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાન સોજીત્રા તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી યામીનીબેન પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમોનું આયોજન તેમજ સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું.


