તેલ અવીવ, 9 ઓક્ટોબર 2026: સંકટના સમયે અદ્ભુત સમયસૂચકતા અને અસાધારણ બહાદુરી દાખવીને 174 જેટલા નિર્દોષ મુસાફરોના જીવ બચાવનાર ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મછારને ઇઝરાયેલના નાગરિકો માટેના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘પ્રેસિડેન્શિયલ અવોર્ડ ફોર સિવિલિયન હીરોઇઝમ’થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન સ્મિતે ફ્લાયદુબઈની ફ્લાઇટમાં તેમના કો-પાયલટ હમ્મામ અલ-હમ્મામી દ્વારા રચાયેલા વિમાન હાઇજેક કરવાના ઘાતકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું.
ઓમાનના રહેવાસી કો-પાયલટ હમ્મામે ફ્લાઇટ દરમિયાન કેપ્ટન સ્મિત મછાર પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આમ છતાં, તેમણે હિંમત હાર્યા વિના અને લોહીલુહાણ હાલતમાં પણ ચાલુ ફ્લાઇટે કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો. દરવાજો ખુલતાં જ ફ્લાઇટમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે તુરંત અંદર ઘૂસીને હુમલાખોર કો-પાયલટને કાબૂમાં લીધો હતો. હાલ કેપ્ટન સ્મિત યુએઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઇઝરાયેલના રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે જણાવ્યું હતું કે, ભારતીય પાયલટ પૂરેપૂરા સ્વસ્થ થઈ જાય તે પછી તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું, “આજે આપણે જે ઇઝરાયેલી હીરોઝને સન્માનિત કરી રહ્યા છીએ, તેમની સાથે જ અમે ભારતના કેપ્ટન સ્મિત મછારના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરીએ છીએ. કેપ્ટન મછારની અસાધારણ બહાદુરી અને યોગ્ય સમયે લીધેલા નિર્ણયોને કારણે એક મોટી હોનારત ટળી ગઈ છે. તેઓ સાજા થશે ત્યારે ઇઝરાયેલની જનતા વતી તેમને આ પુરસ્કાર આપવો મારા માટે ગૌરવની વાત હશે.”
ઇઝરાયેલી ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, હુમલાખોર કો-પાયલટ હમ્મામનો અસલી પ્લાન પ્લેન પર કબજો જમાવીને તેને તેલ અવીવ લઈ જવાનો અને કોઈ મોટી ઇમારત સાથે અથડાવીને ક્રેશ કરવાનો હતો. કેપ્ટન સ્મિતની બહાદુરીથી આ પ્લાન નિષ્ફળ જતાં હમ્મામે પ્લેનને રણમાં ક્રેશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, વિમાનમાં સવાર ઓફ-ડ્યુટી પાયલટોએ સમયસૂચકતા વાપરી પ્લેનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું અને સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
-
યુએસ કોંગ્રેસપણ કરશે સન્માન
ભારતીય મૂળના આ હીરોની બહાદુરીની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ રહી છે. માત્ર ઇઝરાયેલ જ નહીં, પરંતુ અમેરિકી સંસદ પણ કેપ્ટન સ્મિત મછારને સન્માનિત કરશે. ન્યુ જર્સીના સાંસદ જોશ ગોટહાઇમરે યુએસ સંસદમાં આ અંગેનો એક પ્રસ્તાવ રજૂ કર્યો છે.


