નવી દિલ્હી, 17 નવેમ્બર 2026: હૈદરાબાદમાં કોંગ્રેસ દ્વારા આયોજિત ‘ભારત સમિટ’ દરમિયાન ઇટલીના એક નેતા દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નારાનો મામલો હવે ગરમાયો છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વિદેશી નેતાઓ દ્વારા ભારતની ઘરેલુ રાજનીતિમાં કથિત હસ્તક્ષેપનો આરોપ લગાવતા આ અરજી કરવામાં આવી છે. અરજદાર જાહિદ અલીએ કોર્ટમાં અરજી કરીને વિદેશી પ્રતિનિધિઓની ભારતીય રાજકીય ગતિવિધિઓ પર રોક લગાવવાની માંગ કરી છે. આ સાથે જ સમિટની તપાસ કરવા, સોશિયલ મીડિયા પરથી સંબંધિત વીડિયો હટાવવા અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સુરક્ષિત રાખવા માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટી રચવાની માંગ પણ કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, તેલંગાણા સરકાર અને આયોજકો સહિત 9 પક્ષકારો બનાવવામાં આવ્યા છે.
તેલંગાણાની કોંગ્રેસ સરકાર અને સમૃદ્ધ ભારત ફાઉન્ડેશન દ્વારા 13-14 નવેમ્બર દરમિયાન હૈદરાબાદમાં ‘ભારત સમિટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇટલીના રાજનેતા અને યુરોપિયન સોશિષ્ટ પક્ષના મહાસચિવ જિયાકોમો ફિલિબેક પણ ઉપસ્થિત રહ્યા હતા. 14 નવેમ્બરે સંબોધન દરમિયાન ફિલિબેકે ભારતીય લોકશાહી અને રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર નિવેદન આપતા વોટ ચોર ગદ્દી છોડના નારા લગાવ્યા હતા. તે સમયે મંચ પર રાહુલ ગાંધી પણ હાજર હતા અને આ નારા વખતે તેઓ હસતા નજરે પડ્યા હતા.
આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આને ‘એન્ટી-ઇન્ડિયા સમિટ’ ગણાવી હતી અને કહ્યું હતું કે ભારતીય મંચ પરથી કોઈ વિદેશી વ્યક્તિ દેશના જનાદેશનું અપમાન કરે અને વિપક્ષી નેતા હસે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી તરફ, ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મિલોનીના નેતૃત્વવાળા ગઠબંધનની અગત્યની પાર્ટી ‘ફોર્ઝા ઇટાલિયા’ના સાંસદ ડેબોરા બર્ગામિનીએ પણ સોશિયલ મીડિયા પર ફિલિબેકના આ નિવેદનની સખત આલોચના કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એક મિત્ર રાષ્ટ્રની આંતરિક રાજનીતિમાં આ પ્રકારે હસ્તક્ષેપ કરવો સંપૂર્ણપણે અયોગ્ય છે અને યુરોપિયન નેતાઓએ 97 કરોડ મતદારો ધરાવતા દેશને લોકશાહીના પાઠ ન ભણાવવા જોઈએ.








