ઢાકા, 17 નવેમ્બર 2026: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક સોમવારે રાત્રે બે દેશી બોમ્બ ધમાકા થતા અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટોમાં ત્રણ રાહદારીઓ ઘાયલ થયા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સંભવિત વાપસીને લઈને સમગ્ર દેશમાં રાજકીય તણાવ ચરમસીમાએ છે. શેખ હસીના આગામી ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ પરત ફરે તેવી અટકળો વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં હિંસા, આગચંપી અને તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે. જોકે, આ બોમ્બ ધમાકાનો શેખ હસીનાની વાપસી સાથે કોઈ સીધો સંબંધ છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી.
બાંગ્લાદેશી અખબાર ‘ઢાકા ટ્રિબ્યુન’ના અહેવાલ મુજબ, પહેલો ધમાકો હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના બહારના ગેટ પાસે થયો હતો, જ્યારે બીજો વિસ્ફોટ એરપોર્ટ નજીક જસીમુદ્દીન વિસ્તારમાં થયો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પ્રભારી કમરુલ ઇસ્લામ તલુકદારે જણાવ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વોએ ફ્લાયઓવર પરથી બે બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે ત્રણ રાહદારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશમાં ટ્રેન, બસ અને બેંકોને આગ ચાંપવાની ઘટનાઓ વધી રહી છે, જેના માટે પોલીસે અવામી લીગ અને તેના સહયોગી સંગઠનોના કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2024 માં થયેલા વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાની સરકાર પડી ભાંગી હતી અને તેઓ દેશ છોડીને ભારત આવી ગયા હતા. ત્યારબાદ અવામી લીગની રાજકીય ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે ડિસેમ્બરમાં તેમની વાપસીની ચર્ચાઓ વચ્ચે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.
-
પાસપોર્ટ માટે હસીનાની અરજી અને કાયદાકીય મુશ્કેલીઓ
ગયા અઠવાડિયે 79 વર્ષીય શેખ હસીનાએ નવી દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનને ઈમેલ મોકલીને નવા પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરવાની વિનંતી કરી હતી. આ પગલાને તેમની ડિસેમ્બરની સંભવિત વાપસીની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે. જોકે, બાંગ્લાદેશમાં હસીના સામે ગંભીર કાયદાકીય પડકારો છે. 2024 ના આંદોલન દરમિયાન થયેલી કાર્યવાહી બદલ એક વિશેષ ટ્રિબ્યુનલે તેમની ગેરહાજરીમાં તેમને મોતની સજા સંભળાવી છે. બાંગ્લાદેશ સરકારે તેમને ‘ભાગેડુ’ ગણાવીને નવો પાસપોર્ટ આપવાનો ઇનકાર કરી દીધો છે અને ભારત પાસે તેમના પ્રત્યાર્પણની માંગ પણ કરી છે. ભારતે પ્રત્યાર્પણની વિનંતી મળી હોવાની પુષ્ટિ કરી છે, પરંતુ નિયમ મુજબ પ્રક્રિયા હેઠળ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.








