વડોદરા, 7 ઓગસ્ટ, 2026 – માંજલપુર વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપાના વિજય બદલ પક્ષ દ્વારા કાર્યકર્તાઓનો ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો હતો. વડોદરાના તરસાલી ખાતે ગુરુવારે છ ઓગસ્ટે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ઉપસ્થિતિ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે કાર્યકર્તાઓ પર પુષ્પવર્ષા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપાની પરંપરા અને કાર્યસંસ્કૃતિ
આ અવસરે સંબોધન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ જનતાનો અને દિવસ-રાત મહેનત કરનાર કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી ઋણ સ્વીકાર કરવો એ ભાજપાની પરંપરા અને કાર્યસંસ્કૃતિ છે જે ભાજપાને અન્ય રાજકીય પક્ષોથી અલગ તારવે છે. તેમણે જણાવ્યું કે, ભાજપાની સફળતાનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વ, કમળના નિશાન પ્રત્યે જનતાના વિશ્વાસ અને બૂથ સ્તર સુધી સુનિયોજિત આયોજન સાથે કાર્યકરોએ કરેલી અથાક મહેનતને જાય છે. તેમણે કાર્યકર્તાઓને વધુ સક્રિય સંપર્ક, સંવાદ અને સેવાના ભાવ સાથે દરેક નાગરિક સુધી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની જનકલ્યાણકારી યોજનાઓને પહોંચાડવા આહ્વાન કર્યું હતું. તેમજ આગામી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા કાર્યકરોને હાકલ કરી હતી.

શ્રી વિશ્વકર્માએ જણાવ્યું કે, સ્વર્ગસ્થ યોગેશકાકા આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના દર્શાવેલા માર્ગ પર ચાલતા સમર્પિત કાર્યકર્તાઓના પરિશ્રમના કારણે માંજલપુરમાં ભાજપા મજબૂત બની છે. કાર્યકર્તાઓની નિષ્ઠા અને સેવા ભાવનાના કારણે જ જનતા છેલ્લા અનેક વર્ષોથી અહીં ભાજપા પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.
કાર્યકર્તાઓએ એકજૂટ થઈ કરેલી મહેનતનું સકારાત્મક પરિણામ
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, કાર્યકર્તાઓએ એકજૂટ થઈ કરેલી મહેનતનું સકારાત્મક પરિણામ મળે તે વિશેષ આનંદદાયી અને ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે ભાજપાની મજબૂત સંગઠનશક્તિ વિરોધ પક્ષ માટે મોટી સમસ્યા છે. બૂથથી લઈને પ્રદેશ સ્તર સુધીના દરેક કાર્યકર્તાએ આ ચુંટણીમાં પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે, જેના કારણે જનતાએ ફરી એકવાર ભાજપા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ શ્રી રમણભાઈ સોલંકી, શ્રીમતી મનિષાબેન વકીલ, પ્રદેશ મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રસિકભાઇ પ્રજાપતિ, વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની, વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ડૉ. બી. જે. બ્રહ્મભટ્ટ, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, ધારાસભ્યો, સિનિયર આગેવાનો, અગ્રણીઓ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


