ગુજરાતના વેપારીએ ઉત્તરપ્રદેશથી 3.50 લાખની એક કિલો કેરી ડિસ્કાઉન્ટ બાદ 2.11 લાખમાં ખરીદી
રિવોઈ ન્યૂઝ, 29 જુલાઈ, 2026 – ગુજરાતના એક વેપારીએ ઉત્તરપ્રદેશથી 3.50 લાખની એક કિલો કેરીનો સોદો કર્યો અને એક વિશેષ પ્રકારના ડિસ્કાઉન્ટ બાદ કેરીના એ ચાર નંગની 2.11 લાખમાં ખરીદી કરી છે.
મીડિયા અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં એક તરફ જ્યાં વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી કેરી (Miyazaki Mango) પોતાની રેકોર્ડ તોડ કિંમત માટે ચર્ચામાં છે, ત્યાં બીજી તરફ તેને ઉગાડનારા ખેડૂત સંદીપ ચૌધરીએ પોતાની દરિયાદિલીથી એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની ચર્ચા ચોતરફ થઈ રહી છે.
પહેલા 3.5 લાખ રૂપિયામાં થઈ હતી ડીલ
સહારનપુરના થરોલી ગામના નિવાસી ખેડૂત સંદીપ ચૌધરીએ પોતાની ત્રણ વર્ષની સખત મહેનતથી વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી કેરી ઉગાડી છે. ગુજરાતના સુરતથી આવેલા એક મોટા વેપારી પ્રવીણ ગુપ્તાએ સંદીપ પાસેથી માત્ર 4 કેરી (કુલ વજન 1 કિલોગ્રામ) ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. મિયાઝાકી કેરીની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતને ધ્યાનમાં રાખીને આ ખાસ સોદો પહેલા 3,50,000 નક્કી કરવામાં આવ્યો હતો.
પરંતુ વેપારી પ્રવીણ ગુપ્તાએ જ્યારે ખેડૂતને જણાવ્યું કે તેઓ આ અમૂલ્ય કેરી પોતાની માતાને સમર્પિત કરવા માટે ખરીદી રહ્યા છે. બિલકુલ તેવી જ રીતે જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિયાન છે ‘એક પેડ મા કે નામ’. જેવા જ ખેડૂત સંદીપે સાંભળ્યું કે આ સોદો એક પુત્રનો પોતાની માતા પ્રત્યેનો આદર અને પ્રેમ છે, તેમનું દિલ પીગળી ગયું. તેમણે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના કિંમતમાં પૂરા 1,39,000 નું મોટું ડિસ્કાઉન્ટ આપી દીધું અને અંતિમ સોદો માત્ર 2,11,000 માં નક્કી કરી દીધો.
એડવાન્સ પેમેન્ટ ડન, ગુજરાતમાં થશે ડિલિવરી
આ સોદા હેઠળ એડવાન્સ પેટે વેપારી પ્રવીણ ગુપ્તાએ 1,11,000ની ચુકવણી ઓનલાઈન કરી દીધી છે. બાકીના રૂપિયા 1,00,000 કેરીની ડિલિવરી સમયે 1 ઓગસ્ટે આપવામાં આવશે. ખેડૂત સંદીપ પોતે ગુજરાત જઈને પ્રવીણ ગુપ્તાને આ કેરી સોંપશે. સંદીપ ચૌધરીએ માત્ર ગ્રાહકને માતાના સન્માનમાં મોટું ડિસ્કાઉન્ટ જ નથી આપ્યું, પરંતુ તેમણે એ પણ જાહેરાત કરી છે કે આ વેચાણથી થનારી કુલ કમાણીનો 10 ટકા હિસ્સો તેઓ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદમાં લગાવશે.
‘લોકો મજાક ઉડાવતા હતા, આજે મહેનત રંગ લાવી’
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખેડૂત સંદીપનું કહેવું છે કે જ્યારે તેમણે 3 વર્ષ પહેલા મિયાઝાકી કેરીના છોડ વાવ્યા હતા તો લોકો તેમની મજાક ઉડાવતા હતા કે કેરી લાખો રૂપિયામાં કેવી રીતે વેચાઈ શકે. પરંતુ આજે તેમની પાસે આના લગભગ 40 વૃક્ષો છે અને ઓર્ગેનિક ખેતી દ્વારા તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પરંપરાગત પાકો (ડાંગર-શેરડી)ને બદલે ઓર્ગેનિક અને હાઈ-વેલ્યુ પાકો તરફ આગળ વધવાની સલાહ આપે છે, જેથી ખેડૂતોની આવક ખરેખર બમણી થઈ શકે.
આખરે કેમ છે આટલી મોંઘી?
મિયાઝાકી કેરીનો ગર્ભ (માવો) નરમ હોય છે અને તે રસથી ભરપૂર હોય છે. આ કેરી માત્ર સ્વાદ માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે. તેમાં અનેક પ્રકારના વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.


