Homerevoinewsચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતી કોંગ્રેસ સામે ભૂતકાળનો અરીસો

ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતી કોંગ્રેસ સામે ભૂતકાળનો અરીસો

હેમંત પરમાર દ્વારા
A mirror to the past for the Congress હાલના દિવસોમાં જ્યારે પણ ચૂંટણીના પરિણામો અનુકૂળ ન આવે ત્યારે વિપક્ષ, ખાસ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ, મુખ્ય ચૂંટણી કમિશનર અને સમગ્ર ચૂંટણી પંચની સ્વાયત્તતા પર આકરા પ્રહારો કરવા માટે કોઈ તક છોડતા નથી. સંસદથી લઈને રસ્તાઓ સુધી લોકશાહી ખતરામાં છે અને બંધારણીય સંસ્થાઓ વેચાઈ ગઈ છે તેવો આલાપ આલાપવામાં આવી રહ્યો છે. પરંતુ, બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતાનો આ રાગ આલાપનારાઓ શું પોતાના ઇતિહાસ પર નજર નાખવાની હિંમત ધરાવે છે?

ઇતિહાસના પાનાં ઉથલાવતાં એક એવો અધ્યાય સામે આવે છે, જે આજે પંચ પર આક્ષેપો કરતી કોંગ્રેસની કથિત નૈતિકતાના લીરેલીરા ઉડાડી દે છે. આ વિવાદ છે યુપીએ શાસનકાળ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર બનેલા નવીન ચાવલા અને તેમની સાથે જોડાયેલા વિવાદોનો.

બંધારણીય પંચમાં પક્ષપાતનો ગંભીર આક્ષેપ: સ્વયં સીઈસીએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો.

૩૧ જાન્યુઆરી ૨૦૦૯નો એ દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર એન. ગોપાલસ્વામીએ સ્વયં રાષ્ટ્રપતિ સમક્ષ એક સનસનાટીભર્યો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં તેમણે પોતાના જ સાથી ચૂંટણી કમિશનર નવીન ચાવલા પર ગંભીર આક્ષેપ મૂક્યો હતો કે તેઓ ચૂંટણી પંચની ગુપ્ત બેઠકોની માહિતી અંદર બેઠા-બેઠા જ કોંગ્રેસના નેતાઓને પહોંચાડતા હતા.

આક્ષેપ એ હદ સુધીનો હતો કે નવીન ચાવલા બેઠક અધવચ્ચે છોડીને બહાર જતા, નેતાઓ પાસેથી માર્ગદર્શન મેળવતા અને પંચમાં તેમના એજન્ડા મુજબ વલણ અપનાવતા. ગોપાલસ્વામીએ તેમને પદ પરથી હટાવવાની સ્પષ્ટ ભલામણ કરી હતી. પરંતુ, આટલા સંગીન આક્ષેપો છતાં નવીન ચાવલાને હટાવવાને બદલે ગોપાલસ્વામીની નિવૃત્તિ બાદ વરિષ્ઠતાના ક્રમને બાજુ પર મૂકીને દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનાવી દેવામાં આવ્યા.

નવીન ચાવલાની નિમણૂક પાછળ માત્ર વહીવટી કારણો નહોતા પરંતુ વ્યક્તિગત અને વૈચારિક નિકટતા હોવાના આક્ષેપો સંસદમાં સતત ગૂંજતા રહ્યા. મધર ટેરેસા સાથેના ગાઢ સંબંધો અને તેમના પર પુસ્તકો લખવાને કારણે તેઓ ચર્ચામાં હતા.

સૌથી મોટો વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે તેઓ પદ પર હોવા છતાં પોતાનું ખાનગી એનજીઓ ચલાવી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે તેઓ ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે રાજસ્થાનની તત્કાલીન કોંગ્રેસ સરકારે આ એનજીઓને જયપુરમાં અંદાજે ૮ એકર કિંમતી જમીન તદ્દન મફતમાં ફાળવી દીધી હતી. આ સીધેસીધો હિતોના ટકરાવનો મામલો હતો અને આખો કેસ સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો હતો. તેમ છતાં, સત્તાના જોરે તેમને દરેક તપાસ અને કાર્યવાહીમાંથી ક્લીનચીટ અપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા.

૨૦૦૯ની સામાન્ય ચૂંટણી, મતગણતરીના લોચા અને સીમાંકનનું ગણિત

૨૦૦૯ની લોકસભા ચૂંટણી નવીન ચાવલાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી અને તે ચૂંટણી દરમિયાન બનેલી ઘટનાઓ આજે પણ શંકાના દાયરામાં છે.

તામિલનાડુની શિવગંગા બેઠક પર એઆઈએડીએમકેના ઉમેદવાર સામે પી. ચિદમ્બરમ હારી ગયા હોવાના અહેવાલો આવ્યા હતા. પરંતુ, અચાનક ટેલિવિઝન પર સમાચાર વહેતા થયા કે સોનિયા ગાંધી ચિદમ્બરમને જ ગૃહમંત્રી બનાવશે. ત્યારબાદ રહસ્યમય રીતે પુનઃ મતગણતરી થઈ અને ચિદમ્બરમને વિજેતા જાહેર કરાયા. જયલલિતાએ આ મામલે આખી જિંદગી છેતરપિંડી થઈ હોવાની લડત અદાલતોમાં લડી હતી.

મેનકા ગાંધીને પણ શરૂઆતમાં પરાજિત ઘોષિત કરી દેવાયા હતા, પરંતુ તેમના ભારે વિરોધ અને પુનઃ ગણતરીની જીદ બાદ તેઓ વિજેતા બન્યા.

આ જ સમયગાળામાં થયેલા સીમાંકન સામે પણ એવા આક્ષેપો ઉઠ્યા હતા કે મુકાબલા વાળી બેઠકો પર વિપક્ષના મતોનું વિભાજન થાય અને કોંગ્રેસને ફાયદો થાય તે રીતે સરહદો બદલવામાં આવી હતી.

દેશની જનતાના કોંગ્રેસને સવાલો

સ્વાયત્તતાનો દંભ કેવો? જે પક્ષે પોતાના કાર્યકાળમાં મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણોને કચરાપેટીમાં નાખીને પોતાના માનીતા અધિકારીને પંચના સર્વોચ્ચ પદે બેસાડ્યા, તે પક્ષ આજે કયા નૈતિક અધિકારથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ભાષણો આપી રહ્યો છે?

શું ચૂંટણી કમિશનરના ખાનગી ટ્રસ્ટને રાજ્ય સરકાર મફતમાં જમીન આપે તે ભ્રષ્ટાચાર નહોતો? ત્યારે લોકશાહી કે બંધારણ જોખમમાં નહોતું મુકાયું?

સંસ્થાઓ પર કબ્જો કોનો હતો? મીટિંગોની આંતરિક વિગતો અધવચ્ચે પાર્ટી કાર્યાલય સુધી પહોંચાડનારા અધિકારીઓને રક્ષણ આપવું એ સંસ્થાઓનું અપમાન નહોતું તો બીજું શું હતું?

શું દેશના નાગરિકો આ તમામ ભૂતકાળને ભૂલી ગયા છે? પોતાની સત્તા ટકાવવા માટે અગાઉ બંધારણીય સંસ્થાઓ સાથે જે ચેડાં કરવામાં આવ્યા, શું આજે વિપક્ષમાં બેસીને તે જ પાપ ધોવાઈ ગયા માની લેવા?

રાજકારણમાં બીજા તરફ આંગળી ચીંધતા પહેલા પોતાના ઇતિહાસના અરીસામાં જોવું અનિવાર્ય બની જાય છે. ચૂંટણી પંચ પર સતત શંકાઓ ઉપજાવીને લોકશાહી પ્રક્રિયાને બદનામ કરવાનો પ્રયાસ કરનારા નેતાઓએ પહેલા નવીન ચાવલા યુગના આ સવાલોના જવાબો દેશ સમક્ષ આપવા પડશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular