Homeગુજરાતીવાયુસેનાનું સુખોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત: બંને પાયલટના મોત, ઉડાન ભરતા જ સંપર્ક તૂટ્યો...

વાયુસેનાનું સુખોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત: બંને પાયલટના મોત, ઉડાન ભરતા જ સંપર્ક તૂટ્યો હતો

નવી દિલ્હી, 6 માર્ચ 2026: ભારતીય વાયુસેનાનું એક ફાઈટર જેટ સુખોઈ-30 આસામના કાર્બી આંગલોંગ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ગોઝારી ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટના મોત નીપજ્યા છે. વાયુસેનાના પ્રવક્તાએ શુક્રવારે સવારે વિમાન ક્રેશ થવાની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં વિમાનના બંને પાયલટ – સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પ્રવેશ દુર્ગાકર શહીદ થયા છે. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે વાયુસેના દુઃખ અને સંકટની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના જોરહાટથી આશરે 60 કિલોમીટર દૂર સર્જાઈ હતી. દુર્ઘટનાના સમાચાર મળતા જ વાયુસેના દ્વારા યુદ્ધના ધોરણે વ્યાપક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન (બચાવ અભિયાન) હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ મોડી રાત્રે વાયુસેનાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, એક સુખોઈ વિમાન નિર્ધારિત સમયે પરત ન ફરતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

વાયુસેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ સુખોઈ લડાયક વિમાને આસામના જોરહાટ એરબેઝ પરથી નિયમિત તાલીમ માટે ઉડાન ભરી હતી. જોકે, ગુરુવારે સાંજે 7.42 કલાકે વિમાનનો રડાર સાથેનો છેલ્લો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ તે લાપતા બન્યું હતું.

Su-30MKI એ ભારતીય વાયુસેનાના સૌથી સક્ષમ અને અત્યાધુનિક લડાયક વિમાનો પૈકીનું એક છે અને તેને ભારતના ફાઇટર કાફલાની કરોડરજ્જુ માનવામાં આવે છે. રશિયાની સુખોઈ કંપની દ્વારા વિકસિત અને ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા લાયસન્સ હેઠળ નિર્મિત, આ ટુ-સીટર મલ્ટીરોલ જેટ ખાસ કરીને લાંબા અંતરના મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વિમાન અનેક પ્રકારના એડવાન્સ હથિયારો અને મિસાઇલોનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કૃષિ અને ગ્રામીણ પરિવર્તન પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે

સંબંધિત લેખો

Most Popular