1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે તંત્રને ઢંઢોળવા રેલી કાઢી
રાજકોટમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે તંત્રને ઢંઢોળવા રેલી કાઢી

રાજકોટમાં આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે તંત્રને ઢંઢોળવા રેલી કાઢી

0
Social Share

રાજકોટઃ  શહેરમાં દિવાળીના તહેવારો ટાણે જ આંગણવાડીના કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે તંત્રને ઢંઢોળવા માટે વિરોધ પ્રદર્શન કરીને રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરની આંગણવાડીની મહિલાઓ હજારોની સંખ્યામાં જોડાઈ હતી. મહિલાઓએ શહેરના જિલ્લા પંચાયત ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી થાળી-વેલણ વગાડી રેલી યોજી હતી અને લઘુતમ વેતન સહિતના મુદ્દે સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં જિલ્લા પંચાયત ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી આંગણવાડી કર્મચારીઓની રેલીમાં હાથમાં પ્લે-કાર્ડ અને બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કરાયો હતો. આંગણવાડીની બહેનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારી કામગીરીમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સામે પગાર વધારવા સહિતની અમારી કોઈપણ માગનો ઉકેલ લાવવામાં આવતો નથી. લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે તેમજ સરકારી કામગીરી કરવા માટે મોબાઈલ આપવામાં આવે તે સહિતની માગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ આ અંગે કોઈ પગલાં નહીં લેવાતા થાળી-વેલણ વગાડી સરકારને જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાત આંગણવાડી સંગઠનનાં રાજ્યનાં ઉપપ્રમુખ સંગીતા દવેએ જણાવ્યું હતું કે, આજના આ વિરોધ પ્રદર્શનમાં સૌરાષ્ટ્રનાં આઠ  જિલ્લાના આંગણવાડીના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમારી પડતર માંગણીઓ ઘણા સમયથી સ્વીકારવામાં આવતી નથી. જેમાં માનદ વેતન દૂર કરી લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરવો, કર્મચારીઓને સારા મોબાઈલ આપવા અને અમારા બાકી બિલો પગારની સાથે ચૂકવવામાં આવે તેનો સમાવેશ થાય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર બહેનોને કાયમી કર્મચારી ગણવા જોઈએ. હાલ માત્ર 10 હજાર માનદ વેતન છે. જેનાં બદલે 21,000 લઘુત્તમ વેતન આપવામાં આવે તેમજ 60 વર્ષની વય મર્યાદા લાગુ કરવામાં આવે તેવી અમારી માગ છે. આ માગો અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ પગલાં લેવાયા નથી. તેને લઈને આજે થાળી-વેલણ વગાડી રેલી યોજવામાં આવી છે. તેમજ ઘોર નિંદ્રામાં સુતેલી સરકારને જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code