ભારતીય નાગરિકતા માટે પાકિસ્તાન સહિત ૩ દેશના અરજદારોએ પાસપોર્ટની સંપૂર્ણ વિગતો આપવી પડશે
નવી દિલ્હી, 19 મે 2026: ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકતા નિયમ, ૨૦૦૯માં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને નવું જાહેરનામું (નોટિફિકેશન) બહાર પાડવામાં આવ્યું છે. આ સુધારા અંતર્ગત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં નાગરિકતા માટે અરજી કરતા વ્યક્તિઓએ હવે તેમના પાસપોર્ટની (માન્ય હોય કે સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય) સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, આ ત્રણ દેશોના અરજદારોએ નાગરિકતાના અરજીપત્રકમાં પાસપોર્ટ નંબર, ઇશ્યૂ થયાની તારીખ, ઇશ્યૂ થયાનું સ્થળ અને એક્સપાયરી ડેટ (સમાપ્તિ તારીખ) જેવી માહિતી સ્પષ્ટપણે દર્શાવવી પડશે.
નવા નિયમ અનુસાર, અરજદારે ફરજિયાતપણે ઘોષણા કરવી પડશે કે તેમની પાસે આ ત્રણમાંથી કોઈ દેશનો માન્ય કે એક્સપાયર થઈ ગયેલો પાસપોર્ટ છે કે નહીં. આ જાહેરનામામાં નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે, જે હેઠળ અરજદારે લેખિતમાં સંમતિ આપવી પડશે કે ભારતીય નાગરિકતા મળ્યાના 15 દિવસની અંદર તે પોતાનો પાસપોર્ટ સંબંધિત પોસ્ટલ સુપરિન્ટેન્ડેન્ટ અથવા સિનિયર સુપરિન્ટેન્ડેન્ટને સોંપી દેશે.
સુધારો નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 18 હેઠળ લાગુ કરવામાં આવ્યો
આ નવી જોગવાઈ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના એવા નાગરિકોને લાગુ પડશે જેઓ ભારતીય નાગરિકતા મેળવવા ઈચ્છે છે. ગૃહ મંત્રાલયના આ પગલાને સુરક્ષા એજન્સીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગ સાથે સુસંગત માનવામાં આવે છે. અધિકારીઓનું માનવું છે કે આનાથી નકલી દસ્તાવેજોના આધારે નાગરિકતા મેળવવાના પ્રયાસો પર અસરકારક અંકુશ આવશે અને સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.
આ સુધારો નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 18 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવા નિયમો ગેઝેટમાં (રાજપત્ર) પ્રકાશિત થયાની તારીખથી જ અમલમાં આવી જશે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ ગયા પ્રસાદ દ્વારા બહાર પાડવામાં આવેલા આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે આ ફેરફાર અગાઉથી ચાલી આવતી પ્રક્રિયાને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે.


