ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 થી વધુ ડોલ્ફિન નોંધાઈ
ગાંધીનગર, 20 જૂન 2026: વન્યજીવોના સંરક્ષણની સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર પ્રાણી ‘ડોલ્ફિન’ના સંવર્ધનમાં ગુજરાતે દેશભરમાં મહત્વનું યોગદાન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા વિશેષ પ્રયાસોના પરિણામે વર્ષ-2025ની ગણતરી મુજબ ગુજરાતના 4,087 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે. આ વિગતો આપતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે મોટી હરણફાળ ભરી છે.
- કચ્છનો અખાત બન્યો ડોલ્ફિનનું મુખ્ય આશ્રયસ્થાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા 12 વર્ષમાં દરિયા કિનારે મેન્ગ્રોવ્ઝની સાથે જળચર પ્રાણીઓના વિકાસ માટે અનેક સંયુક્ત પ્રયાસો થયા છે. આ જ કારણોસર ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (Marine National Park) હવે ડોલ્ફિનનું મુખ્ય આશ્રયસ્થાન બન્યો છે.
રાજ્યમાં ડોલ્ફિનના ભૌગોલિક વિતરણની વાત કરીએ તો, ઓખાથી નવલખી સુધીના 1,384 ચોરસ કિલોમીટરના મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન નોંધાઈ છે. આ ઉપરાંત 1,821 ચોરસ કિલોમીટરના કચ્છ વર્તુળ (ઉત્તરી ભાગ)માં 168, ભાવનગર કિનારાના 494 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 10 અને મોરબી કિનારાના 388 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 4 ડોલ્ફિન જોવા મળી છે.
- દ્વારકાના શિવરાજપુર અને પોશિત્રા બેસ્ટ પ્રવાસન સ્પોટ
ગુજરાતનો દરિયાકાંઠો હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બન્યો છે. સ્વચ્છ પાણીને કારણે દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર અને પોશિત્રા દરિયાકાંઠે ડોલ્ફિન સરળતાથી જોઈ શકાય છે. કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ‘માનવમિત્ર જળચર’ એવી ડોલ્ફિનને જોવી એ સ્થાનિક તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હવે એક નવું અને મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની ગયું છે. મંત્રી અર્જૂન મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન જાળવતી આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધીના સ્થાનિક માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ સરાહનીય રહ્યું છે.
-
ડોલ્ફિનનો શિકાર કરવો એ બિન-જામિનપાત્ર ગુનો
ડોલ્ફિન લુપ્ત થતી પ્રજાતિ હોવાથી તેને કાયદાકીય રક્ષણ મળેલું છે. ડોલ્ફિનનો શિકાર કરવો કે તેને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવું એ બિન-જામિનપાત્ર ગુનો બને છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 5 ઓક્ટોબર 2009ના રોજ ડોલ્ફિનને દેશનું ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ જાહેર કરેલું છે, જે આપણા દેશ માટે રાષ્ટ્રીય ગૌરવ સમાન છે.
- ગુજરાતની ડોલ્ફિનની રોચક વિશેષતાઓ
ગુજરાતના દરિયામાં મુખ્યત્વે બે પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે, જેમાં અરબી સમુદ્રમાં વિશિષ્ટ ખૂંધ સાથે જોવા મળતી ‘ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન’ અને જેનું મોઢું બોટલ આકારનું હોય છે તે ‘બોટલનોઝ ડોલ્ફિન’નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે હમ્પબેક ડોલ્ફિન 2.5 થી 3.2 મીટર લાંબી અને 150થી 250 કિલો સુધીના વજનની હોય છે. તેમનો મુખ્ય ખોરાક માછલી, કરચલા અને ઝીંગા છે.
ડોલ્ફિનની શ્વાસ લેવાની રીત પણ ખૂબ અનોખી છે. સામાન્ય માછલીઓની જેમ ડોલ્ફિનને ચૂઇ હોતી નથી. તે સસ્તન પ્રાણી હોવાથી ફેફસાં દ્વારા શ્વાસ લે છે. આથી, તે દર થોડી મિનિટે શ્વાસ લેવા માટે પાણીની સપાટી પર પોતાનું માથું બહાર કાઢે છે, જે પ્રવાસીઓ માટે એક અદ્ભુત નજારો બની જાય છે. પોતાના બૌદ્ધિક અને મનોરંજક સ્વભાવ માટે જાણીતી ડોલ્ફિન ઘણીવાર દરિયાની લહેરોમાં કૂદકા મારીને (એક્રોબેટિક પ્રદર્શન) પ્રવાસીઓને રોમાંચિત કરે છે.


