1. Home
  2. ગુજરાતી
  3. G7 સમિટમાં પીએમ મોદીએ ટ્રમ્પની હાજરીમાં અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો
G7 સમિટમાં પીએમ મોદીએ ટ્રમ્પની હાજરીમાં અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો

G7 સમિટમાં પીએમ મોદીએ ટ્રમ્પની હાજરીમાં અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોતનો મુદ્દો ઉઠાવ્યો

0
Social Share

નવી દિલ્હી, 17 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી જી7 સમિટમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને દરિયાઈ માર્ગોની અસુરક્ષાનો મુદ્દો વૈશ્વિક મંચ પર જોરદાર રીતે ઉઠાવ્યો છે. જી7 દેશોના નેતાઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ તાજેતરમાં અમેરિકી સૈન્ય હુમલામાં ભારતીય નાવિકોના થયેલા દુખદ મોત અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ વાત એ છે કે જ્યારે પીએમ મોદી આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા, ત્યારે તેમની બાજુમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રીએ ટ્રમ્પની હાજરીમાં જ ભારતીય નાવિકોના મોતના મામલે વૈશ્વિક નેતાઓનું ધ્યાન દોર્યું હતું.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “અમે પશ્ચિમ એશિયામાં શાંતિ પ્રયાસોની પ્રગતિનું સ્વાગત કરીએ છીએ, પરંતુ આ સંઘર્ષને કારણે આ ક્ષેત્રમાં અમારા મિત્ર દેશોને જાન-માલનું ભારે નુકસાન વેઠવું પડ્યું છે. હોર્મુઝ જળડમરુમધ્યમાંથી પસાર થતા દરિયાઈ વ્યાપારમાં અવરોધ આવવાના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત માઠી અસર પડી રહી છે.” તેમણે ઉમેર્યું કે, આ સંઘર્ષમાં કેટલાય ભારતીય નાગરિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. વૈશ્વિક વેપાર દ્વારા વિવિધ દેશોને પરસ્પર જોડતા દરિયાઈ નાવિકોની સુરક્ષા આપણી સામૂહિક જવાબદારી છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે અને નાવિકો કોઈપણ પ્રકારના ભય વગર પોતાનું કામ કરી શકે.

પ્રધાનમંત્રીનું આ નિવેદન ઓમાનની ખાડીમાં બનેલી તાજેતરની ગંભીર ઘટનાના સંદર્ભમાં આવ્યું છે. ઈરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નાકાબંધીના ઉલ્લંઘનના આરોપમાં અમેરિકી સેનાએ પલાઉનો ધ્વજ ધરાવતા ‘સેટ્ટેબેલો’ નામના ઓઈલ ટેન્કરને રોકીને તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ટેન્કર પર સવાર 3 ભારતીય નાવિકોના મોત નીપજ્યા હતા. અહેવાલો મુજબ, આ જહાજ પર કુલ 28 સભ્યોનો ક્રૂ હતો, જેમાં 24 ભારતીય, 2 પાકિસ્તાની, 1 યુક્રેનિયન અને 1 રશિયન નાગરિક સામેલ હતા. સેટ્ટેબેલો એ તાજેતરના સમયમાં દરિયાઈ ક્ષેત્રે હિંસાનો ભોગ બનેલું ત્રીજું એવું વ્યાપારી જહાજ છે જેમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

  • ભારત માટે ઊર્જા સુરક્ષા અને દરિયાઈ વેપાર મહત્વના

પીએમ મોદીએ જી7 નેતાઓ સમક્ષ હોર્મુઝ ક્ષેત્રમાં થઈ રહેલા માનવીય અને આર્થિક નુકસાનની વિગતો રેખાંકિત કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષાની વકાલાત કરતા કહ્યું કે, નાવિકોની સુરક્ષા વૈશ્વિક ભાગીદારીનો એક અનિવાર્ય હિસ્સો હોવી જોઈએ. પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારત માટે ઊર્જા સુરક્ષા અને દરિયાઈ વેપાર બંને અત્યંત મહત્વના છે, કારણ કે ભારતની જરૂરિયાતનો ક્રૂડ ઓઈલ (તેલ) આયાતનો મોટો હિસ્સો આ જ દરિયાઈ માર્ગેથી દેશમાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code