નવી દિલ્હી, 1 મે 2026: Buddha Purnima ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણના પાવન અવસર ‘બુદ્ધ પૂર્ણિમા’ પર શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી રહ્યા છે. આ નિમિત્તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ઉત્તરાખંડના હરિદ્વારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.
પ્રયાગરાજમાં બુદ્ધ પૂર્ણિમાના શુભ અવસર પર હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા માટે એકત્રિત થયા હતા. એક મહિલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “આજે બુદ્ધ પૂર્ણિમા છે. હું મારી માતા સાથે અહીં આવી છું. મારી માતાની ઈચ્છા હતી કે અમે અહીં આવીને સંગમમાં પવિત્ર સ્નાન કરીએ. અમે તમામ દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ.”
બુદ્ધ પૂર્ણિમાના અવસરે એક પૂજારીએ જણાવ્યું કે, “આ પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે જે લોકો પ્રયાગરાજ આવે છે અને સંગમ કે ગંગામાં પવિત્ર સ્નાન કરે છે, સાથે જ ભોજન, દાન, ગાય, વસ્ત્ર, ઘી વગેરે અર્પણ કરે છે, તેમના ઘરો સુખ-સમૃદ્ધિથી ભરાઈ જાય છે. આ એક વિશેષ અવસર છે, આ દરમિયાન પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. બુદ્ધ પૂર્ણિમા પર સંગમ સ્નાનથી પાપ ધોવાઈ જાય છે.”
બીજી તરફ, ઉત્તરાખંડના હરિદ્વારમાં હજારો શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી. એક શ્રદ્ધાળુએ કહ્યું કે, “ગંગા સ્નાન અને દાન કરવાથી ઘરોમાં સુખ અને શાંતિ આવે છે. દરેક વ્યક્તિએ આવું કરવું જોઈએ.”
હરિદ્વારમાં ‘બુદ્ધ પૂર્ણિમા’ નિમિત્તે સુરક્ષા વ્યવસ્થાના પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સીઓ શિશુપાલ નેગીએ જણાવ્યું કે ભારતના વિવિધ ભાગોમાંથી, શહેરો અને ગામડાઓમાંથી શ્રદ્ધાળુઓ ગંગામાં પવિત્ર સ્નાન કરવા આવી રહ્યા છે અને ભીડ સતત વધી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે તમામ ઘાટ પર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાના પૂરતા ઈન્તજામ કરાયા છે. આ ઉપરાંત એસએસબી (SSB), લોકલ ઈન્ટેલિજન્સ, એટીએસ (ATS) અને ક્યુઆરટી (QRT) ટીમો પણ ઠેર-ઠેર કાર્યરત છે.
વધુ વાંચો: દિલ્હી-NCRમાં આગામી 7 દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ


