1. Home
  2. ગુજરાતી
  3. મમતા બેનર્જીના ભવાનીપુર ચૂંટણી કેસમાં કલકત્તા હાઈકોર્ટનો CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા નિર્દેશ
મમતા બેનર્જીના ભવાનીપુર ચૂંટણી કેસમાં કલકત્તા હાઈકોર્ટનો CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા નિર્દેશ

મમતા બેનર્જીના ભવાનીપુર ચૂંટણી કેસમાં કલકત્તા હાઈકોર્ટનો CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા નિર્દેશ

0
Social Share

કોલકાતા, 23 જૂન 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ભવાનીપુર બેઠક પરની પોતાની ચૂંટણી હારને પડકારતી અરજી પર કલકત્તા હાઈકોર્ટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ સંભળાવ્યો છે. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા આદેશ આપ્યો છે કે ભવાનીપુર મતગણતરી કેન્દ્રના તમામ સીસીટીવી ફૂટેજને સુરક્ષિત રાખવામાં આવે અને તેને કોઈ પણ સંજોગોમાં ડિલીટ ન કરવામાં આવે. જસ્ટિસ ગૌરાંગ કાંતની સિંગલ બેન્ચે આ આદેશ જારી કરીને કેસની આગામી સુનાવણી બે મહિના પછી નક્કી કરી છે.

કેસની હકીકત અનુસાર, ભવાનીપુર બેઠકની હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં મમતા બેનર્જી ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સામે 15105 મતોથી હારી ગયા હતા. આ પરિણામોને સ્વીકારવાનો ઇનકાર કરીને મમતા બેનર્જીએ ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિ અને ધાંધલી થઈ હોવાનો આક્ષેપ લગાવતી અરજી કલકત્તા હાઈકોર્ટમાં દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન દલીલ કરવામાં આવી હતી કે, 12 મા રાઉન્ડની મતગણતરી સુધી મમતા બેનર્જી સતત આગળ ચાલી રહ્યા હતા, પરંતુ તે પછી અચાનક આખું ચિત્ર બદલાઈ ગયું હતું.

મંગળવારે સુનાવણી દરમિયાન મમતા બેનર્જી વતી વરિષ્ઠ વકીલ કલ્યાણ બેનર્જીએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે લોકશાહીના હિતમાં આ મામલાનો બને એટલો જલ્દી નિકાલ કરવામાં આવે અને વચગાળાનો આદેશ જારી કરવામાં આવે. મતગણતરીના દિવસની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે, “12મા રાઉન્ડ સુધી બધું બરાબર અને નિયમ મુજબ ચાલી રહ્યું હતું. મમતા બેનર્જી લીડ મેળવી રહ્યા હતા. પરંતુ 13મા રાઉન્ડથી બધું અસામાન્ય રીતે બદલાઈ ગયું. તૃણમૂલ કોંગ્રેસના કાઉન્ટિંગ એજન્ટો પર હુમલો કરીને તેમને કેન્દ્રની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. આ કૃત્યમાં કેન્દ્રીય સુરક્ષા દળોએ ભાજપના એજન્ટોને સીધી મદદ કરી હતી. આ તમામ ઘટનાઓ કાઉન્ટિંગ સેન્ટરના સીસીટીવી કેમેરામાં કેદ છે.”

  • રિટર્નિંગ ઓફિસર અને વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો

મમતાના વકીલે કોર્ટ સમક્ષ એવો પણ ચોંકાવનારો દાવો કર્યો હતો કે વિરોધ હોવા છતાં ભવાનીપુરના રિટર્નિંગ ઓફિસરને જ પદ પર રાખવામાં આવ્યા હતા, જેઓ અગાઉ નંદીગ્રામની ચૂંટણીમાં પણ ઓફિસર હતા. બાદમાં આ અધિકારીને મુખ્યમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવનું પદ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યના તત્કાલીન મુખ્ય ચૂંટણી અધિકારીને પણ બાદમાં મુખ્ય સચિવનું પદ એનાયત કરાયું હતું. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસીના મુખ્ય એજન્ટ સૂર્યનીલ અને અન્ય એજન્ટોને માર મારવામાં આવ્યો હોવા છતાં જનરલ ઓબ્ઝર્વરને બોલાવવા છતાં કોઈ કડક પગલાં લેવાયા નહોતા.

કલ્યાણ બેનર્જીએ જજને અપીલ કરતા ભાવુક શબ્દોમાં કહ્યું કે, “લોકોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે આવા ચૂંટણીલક્ષી કેસોનો ક્યારેય સમયસર ઉકેલ આવતો નથી. મહેરબાની કરીને આ વિચારધારા બદલો અને વહેલી તકે ન્યાયિક આદેશ આપો.” હાઈકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ ઇવીએમ અને સીસીટીવી ફૂટેજની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપીને મામલાને બે મહિના માટે સ્થગિત કર્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code