વડોદરા, 23 જુન, 2026 : Accident between truck and tempo જિલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે આયસર ટેમ્પો ટ્રકની પાછળ અથડાતા ટેમ્પાચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે ટેમ્પાનો કન્ડકટર ટેમ્પાની કેબીનમાં ફસાઈ ગયો હતો. બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહતો. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને દોઢ કલાક દિલધડક રેસક્યૂ કરી કેબિન કાપી કન્ડક્ટરને જીવતો બહાર કાઢ્યો હતો.
અકસ્માતના બનાવની વિગત એવી છે કે, નેશનલ હાઈવે 48 પર વહેલી સવારે કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક પ્લેઝર ઈન્ડિયા કંપની પાસે મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા આવતા આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, આઇસર ટેમ્પોના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ડ્રાઈવર અને કન્ડકટર બંને ફસાયા હતા અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિકો દ્વારા કરજણ ફાયર વિભાગને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક કટિંગ ઇક્વિપમેન્ટની મદદથી પતરાં કાપીને લગભગ દોઢ કલાકની સતત મહેનત બાદ બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતાં. જોકે, 108 એમ્બ્યુલન્સને ઘટનાની જાણ થતા તે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. 108ની ટીમ દ્વારા ડ્રાઈવરને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે કન્ડક્ટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ અકસ્માત મામલે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


