
ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ ગાડીના એસીની સર્વિસ કરાવવી જરૂરી, જાણો કેમ?
નવી દિલ્હી : શું તમે જાણો છો તમારી કારના એસીને માત્ર ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સર્વિસની જરૂર છે? ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના લોકો કારનું એસી ચેક કરાવી લે છે અને એમાં જરૂરી ગેસ કે અન્ય બાકી નીકળતું કામ કરાવી લે છે. ઉનાળામાં જેમ ઘરના એસીની વધુ જરૂર પડે છે, એમ જ આપણે કારનું એસી પણ વધુ ચલાવીએ છીએ, એની સામે શિયાળામાં ઘણી વાર આપણે ગાડીનું એસી ઓછું ચલાવીએ છીએ અને ખાસ તો શિયાળામાં આપણે ગાડીમાં હીટર ચલાવીએ છીએ. આવી સ્થિતિમાં, તમારે નિયમિત રીતે ગાડીના એસીનું ચેકઅપ અને સર્વિસિંગ કરાવવા અંગે ધ્યાન રાખવું જોઈએ. આમ કરવાથી ગાડીની કે એસીની કોઈ પણ પ્રકારની ખરાબીથી તો બચી જ શકો છો અને સાથે જ ગાડીના અચાનક આવી પડનાર મોટા ખર્ચથી પણ બચી શકાશે.
તો ચાલો થોડીક એવી બાબતો પર પણ નજર કરી લઈએ, જ્યાં શિયાળામાં ગાડીના એસીની જાળવણી અને તકેદારી કેવી રીતે લઇ શકાય? આ એવી વાતો છે, જેને તમે જાતે અપનાવી શકો છો અને તમારી કારના એસીની લાઈફ વધારી શકો છો.
જો તમે નિયમિત ગાડી નથી ચલાવી રહ્યાં, તો પણ અઠવાડિયે એક દિવસ ગાડી ચલાવીને તેમાં એકવાર એસીનો પણ ઉપયોગ કરો. શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગાડીમાં હીટરનો ઉપયોગ કરે છે. જેનાથી ઠંડીમાં રાહત મળે છે, પરંતુ આ જ હીટરની જાળવણી ના કરવામાં આવે તો ધીમે-ધીમે ગાડીના એસીમાં સમસ્યા આવવા લાગે છે.
હકીકતે એવું થાય છે કે જો તમે લાંબા સમય સુધી એસીનો ઉપયોગ ટાળ્યો હશે, તો ઉપયોગ થયા વિના પણ ગાડીમાં રહેલો એસીનો ગેસ ઊડી જશે અને એ સાથે જ તેની પાઇપ પણ જામ થવા લાગશે. આ જ કારણ છે કે, શિયાળામાં પણ ગાડીનું એસી ચેક કરાવી લેવું જોઈએ. અને તેથી જ ગાડીના એસીના મિકેનિક્સ ગ્રાહકોને શિયાળાની ઋતુમાં પણ અઠવાડિયામાં 30 મિનિટ સુધી એસી ચલાવવાની સલાહ આપે છે.
(ફોટો: ફાઈલ)