અલ નીનોની આફત વચ્ચે કેન્દ્ર એલર્ટ: 315 જિલ્લા માટે ઇમરજન્સી એક્શન પ્લાન જાહેર
નવી દિલ્હી, 24 જૂન 2026: ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ અલ નીનોની પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે, જેના કારણે 23 જૂન સુધીમાં દેશમાં સરેરાશ વરસાદમાં 42 ટકાની મોટી ઘટ નોંધાઈ છે. નબળા ચોમાસાની આ ગંભીર સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ખરીફ પાકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે આપત્તિજનક પગલાં શરૂ કર્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે દેશની સજ્જતાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. સરકારે ઓછો વરસાદ અને અપૂરતી સિંચાઈ ધરાવતા દેશના 315 સંવેદનશીલ જિલ્લાઓની ઓળખ કરી તમામ રાજ્યોને જિલ્લાવાર ઇમરજન્સી પ્લાન તૈયાર કરવા કડક આદેશ આપ્યા છે.
ઐતિહાસિક રીતે, અલ નીનો હવામાન પેટર્નને કારણે સરેરાશ કરતાં ઓછો વરસાદ પડે છે અને ખરીફ પાકોના ઉત્પાદનને મોટું નુકસાન થાય છે. આ જોખમને ટાળવા માટે કૃષિ મંત્રીએ ત્રણ મુખ્ય બાબતો પર સૌથી વધુ ભાર મૂક્યો છે: પાણીની બચત, પાક વૈવિધ્યીકરણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવણી. કૃષિ મંત્રાલય અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદએ સેટેલાઇટ અને વૈજ્ઞાનિક ડેટાના આધારે દેશના અસરગ્રસ્ત વિસ્તારોનો નકશો તૈયાર કર્યો છે.
સરકારે વર્ષ 2026 ના ખરીફ સીઝન માટે આશરે 176 મિલિયન ટન અનાજ ઉત્પાદનનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે, જે ગત વર્ષના ઉત્પાદન જેટલો જ છે. ઓછો વરસાદ હોવા છતાં, 22 જૂન સુધીમાં દેશમાં 11.99 મિલિયન હેક્ટર જમીન પર ખરીફ પાકોની વાવણી થઈ ચૂકી છે, જે ગત વર્ષના સમાન ગાળાના 11.79 મિલિયન હેક્ટર કરતાં થોડી વધારે છે. જોકે, કૃષિ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી કે સોયાબીનની વાવણી હાલમાં ઘણી પાછળ ચાલી રહી છે.
-
315 જિલ્લાઓને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા
પરિસ્થિતિની ગંભીરતાને આધારે સરકારે ઓળખ કરાયેલા 315 જિલ્લાઓને ત્રણ અગ્રતા શ્રેણીમાં વિભાજિત કર્યા છે, જેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના જિલ્લાઓ મુખ્ય છે. દેશના જિલ્લાઓમાં સિંચાઈની સુવિધા 25 ટકા કરતા પણ ઓછી છે. આ ઉપરાંત 76 જિલ્લાઓમાં સુંચાઈની સુવિધા 25થી 50 ટકા વચ્ચે છે. જ્યારે 28 જિલ્લાઓમાં જળાશયો અને અન્ય સ્ત્રોતોને કારણે સિંચાઈની સ્થિતિ પ્રમાણમાં સારી છે.
-
ખેડૂતો માટે કેન્દ્ર સરકારની મહત્વની ભલામણો અને ગાઇડલાઇન
હવામાન વિભાગના અંદાજ મુજબ નબળા ચોમાસાની આ સ્થિતિ 2 જુલાઈ સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આથી સરકારે કડક પગલાં ભરવા રાજ્યોને સૂચના આપી છે. જે અનુસાર, ખેડૂતોને વધુ પાણીની જરૂરિયાતવાળા પાકોને બદલે ઓછું પાણી માગતા કઠોળ, તેલીબિયાં અને જાડા અનાજ (મિલેટ્સ) તરફ વળવા સલાહ અપાઈ છે. ઓછો સમય લેતી અને આબોહવા અનુકૂળ બિયારણની જાતોને પ્રોત્સાહન અપાશે. કૃષિ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, “અમે ખેતરો ખાલી રહેવા નહીં દઈએ.”
જળાશયોમાં પાણીનું સ્તર ગત વર્ષ કરતાં વધુ છે પરંતુ તે ઝડપથી ઘટી રહ્યું છે. આથી, ગ્રામીણ આજીવિકા મિશન (વીબી-ગ્રામ જી) હેઠળ તળાવો, નદીઓ, ખેત-તળાવો અને ચેકડેમની સફાઈ કરી પાણીનો સંગ્રહ કરવા જણાવાયું છે. સરકારે પળેપળની સ્થિતિ પર નજર રાખવા માટે ખાસ ‘અલ નીનો મોનિટરિંગ સેલ’ અને ‘ક્રોપ વેધર વોચ ગ્રૂપ’ની સ્થાપના કરી છે. દેશના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને એક્ટિવ કરી ખેડૂતોને એસએમએસ, વોટ્સએપ અને કોલ સેન્ટર દ્વારા સમયસર હવામાન આધારિત માર્ગદર્શન આપવા આદેશ કરાયો છે. આ ઉપરાંત, પ્રભાવિત રાજ્યોમાં પાક વીમા યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ મોટા પાયે નોંધણી શરૂ કરવા જણાવાયું છે.


