1. Home
  2. ગુજરાતી
  3. IIT બોમ્બે અને IISERના વૈજ્ઞાનિકોએ શોધી બેડ કોલેસ્ટ્રોલનિયંત્રિત કરતી નવી પેપ્ટાઈડ ટેકનિક
IIT બોમ્બે અને IISERના વૈજ્ઞાનિકોએ શોધી બેડ કોલેસ્ટ્રોલનિયંત્રિત કરતી નવી પેપ્ટાઈડ ટેકનિક

IIT બોમ્બે અને IISERના વૈજ્ઞાનિકોએ શોધી બેડ કોલેસ્ટ્રોલનિયંત્રિત કરતી નવી પેપ્ટાઈડ ટેકનિક

0
Social Share

મુંબઈ, 24 જૂન 2026: આજના આધુનિક સમયમાં હાઈ કોલેસ્ટ્રોલ એક ગંભીર વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ચૂક્યું છે. ખાસ કરીને શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ (એલડીએલ) નું વધતું સ્તર હાર્ટ એટેક અને હૃદયની અન્ય જીવલેણ બીમારીઓનું જોખમ અનેકગણું વધારી દે છે. સામાન્ય રીતે તેને કંટ્રોલ કરવા માટે લાઈફસ્ટાઈલ બદલવી, સંતુલિત આહાર લેવો કે દવાઓનો સહારો લેવામાં આવે છે. આ બધા વચ્ચે હવે ભારતીય વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. આઈઆઈટી બોમ્બે, IISER પુણે અને IISER કોલકાતાના સંશોધકોએ સંયુક્ત રીતે એક એવી અદભુત ટેકનિક વિકસાવી છે, જે ભવિષ્યમાં શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ અને ફેટ (ચરબી) નું સ્તર ઘટાડવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ આ સંશોધનમાં ‘KTDP’ નામનું એક નાનું પેપ્ટાઈડ વિકસાવ્યું છે. રિસર્ચ અનુસાર, આ ટેકનિક લિવરના કોષોમાં રહેલી વધારાની ચરબીને લોહીમાં ભળતી અટકાવવાનું કામ કરે છે. સરળ ભાષામાં સમજીએ તો, આપણું લિવર શરીરમાં બનતી ચરબીને પેક કરીને બ્લડસ્ટ્રીમ (લોહીના પ્રવાહ) માં મોકલે છે, જેના કારણે બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સનું પ્રમાણ વધે છે. આ નવી ટેકનિક ચરબીને લોહી સુધી પહોંચતા પહેલા જ રોકી લે છે. સંશોધકોએ લેબોરેટરીમાં વિકસાવેલા લિવર સેલ્સ અને ઝેબ્રાફિશ પર આ પ્રયોગો કર્યા હતા. આ ટેસ્ટિંગ દરમિયાન લોહીમાં પહોંચતા ખરાબ ફેટ અને ટ્રાઈગ્લિસરાઈડ્સના સ્તરમાં આશરે 50 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી મહત્વની વાત એ સામે આવી કે આ ટેકનિકથી ચરબી શરીરમાં જમા થવાને બદલે ઉર્જાના સ્વરૂપમાં વપરાવા લાગી હતી.

  • હાલની દવાઓ કરતાં કેવી રીતે અલગ છે આ પદ્ધતિ?

હાલ બજારમાં ઉપલબ્ધ કોલેસ્ટ્રોલની મોટાભાગની દવાઓ શરીરમાં કોલેસ્ટ્રોલ બનવાની પ્રક્રિયાને ધીમી કરે છે અથવા લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે આ નવી ટેકનિક ફેટને શરૂઆતના તબક્કે જ લોહીમાં પ્રવેશતા અટકાવવાનો નવો અભિગમ ધરાવે છે. જોકે, વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ સંશોધન હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેનું માનવ પરીક્ષણ બાકી છે. કોઈ પણ નવી તબીબી પદ્ધતિ દર્દીઓ સુધી પહોંચતા પહેલા ઘણા તબક્કાની ટ્રાયલ્સમાંથી પસાર થતી હોવાથી, તે હાલની દવાઓનું સ્થાન ક્યારે લેશે તે કહેવું વહેલું ગણાશે.

વૈજ્ઞાનિકોના મતે નવી ટેકનિકો ભવિષ્યની સુરક્ષા માટે છે, પરંતુ વર્તમાનમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલીક મહત્વની બાબતો અત્યંત જરૂરી છે. જેમ કે, તળેલી, પ્રોસેસ્ડ ફૂડ અને વધુ ખાંડવાળી વસ્તુઓ ખાવાનું ટાળો અને સંતુલિત આહાર લો. દૈનિક ધોરણે વ્યાયામ કે કસરત કરો અને વજન નિયંત્રણમાં રાખો. તેમજ ધૂમ્રપાનથી દૂર રહો, પૂરતી ઊંઘ લો અને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો. કોલેસ્ટ્રોલ વધુ હોય તો ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ દવાઓ લેવી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code