
કોરોનાને લીધે શ્રમિકોની અછતથી કૃષિ ક્ષત્રે ફટકોઃ કેરી,ચીકુની સીઝનમાં ખેડુતો બન્યા ચિંતિત
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે કૃષિ ક્ષેત્રે પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય કૃષિ ક્ષત્રે આદિવાસી શ્રમિકોનો ફાળો સવિષેશ છે. ઘણા શ્રમિકો હોળી-ઘૂળેટીમાં પોતાના વતન ગયા હતા તે હજુ પરત ફર્યા નથી. ત્યારે ખેતવાડી ક્ષેત્રે પણ મજૂરોની અછત વર્તાવા લાગી છે. કોરોનાની લહેર વધુ લાંબી ચાલશે તો દક્ષિણ ગુજરાતમાં કેરી-ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ પડે તેમ છે. તો બીજી તરફ મે માસથી ડાંગરના ઊભા પાકની કાપણી શરૂ થશે જેમાં પણ મજૂરોની અછત વર્તાવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષે ચીકુ અને કેરી પકવતા ખેડૂતોને ભારે આર્થિક નુકશાન વેઠવું પડ્યું હતું. વૃક્ષો પર તૈયાર પાકને ઉતારવા માટે મજૂરો મળતા ન હતા. લોકો પણ લોકાડાઉનને કારણે ઘરમાં રહ્યા હોવાથી જે ફળ બજાર સુધી પહોંચ્યા તેને ખરીદનાર ન હોવાથી ભાવ પણ વધુ મળ્યા ન હતા.
નવસારી જિલ્લાના બાગાયતકારોએ કહ્યું હતું કે, મજૂરોને દોઢા ભાવ આપવા છતા ગત વર્ષે મજૂરો મળ્યા ન હતા. આ વર્ષે પણ જે પ્રકારે કોરોનાની બીજી લ્હેરે કહેર વર્તાવ્યો છે તે જોતા કેરી અને ચીકુના તૈયાર પાકને ઉતારવા માટે મજૂરોની અછતનો મોટો પ્રશ્ન ઉભો થાય તેમ છે. આમ તો હજુ પાકને ઉતારવા માટે વીસથી બાવીસ દિવસનો સમય બાકી છે. કેરીનો પાક ઉતારનાર મજૂરોને દિવસે રૂા. 300 સુધીની મજૂરી ચૂકવવામાં આવે છે. જે ગત વર્ષ કરતા વધારે છે. ગત વર્ષે ચીકુ પકવતા ખેડૂતોને ભારે નુકશાની ગઇ હતી. આ વર્ષે પણ સ્થિતિ સારી નથી. આ ઉપરાંત ડાંગરના તૈયાર પાકની કાપણીનું કામ મે માસની શરૂઆતમાં થશે.
હાલમાં મજૂરોની ખાસ કોઇ અછત નથી છતાં પણ સ્થિતિ જોતા દેશી પદ્ધતિથી ડાંગરના ઊભા પાકની હાથ કાપણી માટે મજૂરોની અછત વતાર્ય તેમ છે. જો કે પાછલા કેટલાક વર્ષોમાં મશીનથી કાપણી શરૂ થઇ છે. આથી મજૂરોની અછતનો પ્રશ્ન ઉભો થાય તો ખેડૂતોએ ફરજીયાત મશીન કાપણી તરફ વળવું પડશે.