Homeકૃષિ - ખેતીદેશમાં નકલી અને હલકી ગુણવતાવાળા બિયારણોના વેપાર પર કસાઈ જશે લગામ, સંસદમાં...

દેશમાં નકલી અને હલકી ગુણવતાવાળા બિયારણોના વેપાર પર કસાઈ જશે લગામ, સંસદમાં રજુ કરાશે બિલ

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: દેશના ખેડૂતોને નકલી અને હલકી ગુણવત્તાવાળા બિયારણોથી બચાવવા માટે કેન્દ્ર સરકાર સંસદના આગામી સત્રમાં એક નવો અને અત્યંત કડક ‘બિયારણ અધિનિયમ’લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવિત બિલનો મુખ્ય ઉદ્દેશ્ય નકલી બીજોના કારોબાર પર સંપૂર્ણપણે અંકુશ મૂકવાનો છે, જેના માટે કાયદામાં દોષિતો સામે ભારેખમ દંડ અને જેલની સજાની જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. હાલના સમયમાં આ કાયદાને લઈને સરકાર દ્વારા જમીની સ્તરે કામ કરતા કિસાન સંગઠનો અને હિતધારકો સાથે પરામર્શ પ્રક્રિયા ચાલી રહી છે.

  • આરોપીઓને આકરી કાર્યવાહી કરાશે

નકલી અને ગેરકાયદેસર બીજોના વેપાર પર કડક નકેલ કસવા માટે પ્રસ્તાવિત નવા કાયદામાં ગુનાઓને ત્રણ અલગ-અલગ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

પ્રથમ શ્રેણી (સામાન્ય ઉલ્લંઘન): આ શ્રેણીમાં સામાન્ય અને મામૂલી નિયમોનું ઉલ્લંઘન કરનાર કારોબારીઓને રાખવામાં આવ્યા છે. પ્રથમ વખત ભૂલ કરવા પર માત્ર ચેતવણી આપવામાં આવશે, જ્યારે બીજી વખત આવું કરવા પર 50 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.
બીજી શ્રેણી (જાણબૂજીને કરેલું ઉલ્લંઘન): જો કોઈ કારોબારી જાણી જોઈને પ્રોડક્ટ પર QR કોડ ન લગાવે, જરૂરી માહિતી ઉપલબ્ધ ન કરાવે કે ખોટી બ્રાન્ડિંગ કરે, તો તેને આમાં રખાશે. આવા મામલાઓમાં પહેલીવાર 1 લાખ રૂપિયા અને બીજીવાર 2 લાખ રૂપિયા સુધીના આર્થિક દંડની જોગવાઈ છે.
ત્રીજી શ્રેણી (ગંભીર અપરાધ): આ શ્રેણીમાં નકલી બિયારણ વેચવું, રજીસ્ટ્રેશન વગર વેપાર ચલાવવો કે આચરવામાં આવતી ગંભીર ધોખાધડી જેવા ગુનાઓ સામેલ છે. આવા ગંભીર અને ગેરકાયદેસર કારોબારીઓ માટે ૩૦ લાખ રૂપિયા સુધીનો મોટો દંડ અને જેલની સજા સુધીની કડક જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે.

  • ડિજિટલ રજીસ્ટ્રેશન અને દરેક પેકેટ પર QR કોડ અનિવાર્ય

નવા પ્રસ્તાવિત કાયદા હેઠળ તમામ પ્રકારના બીજો અને રોપણ સામગ્રીનું રાષ્ટ્રીય રજીસ્ટરમાં નોંધણી કરાવવી ફરજિયાત બનશે. રજીસ્ટ્રેશન વગરના કોઈપણ બિયારણને બજારમાં વેચવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, પારદર્શિતા લાવવા માટે બિયારણના દરેક પેકેટ પર QR કોડ લગાવવામાં આવશે, જેના દ્વારા ખેડૂતો સરળતાથી જાણી શકશે કે બીજ ક્યાં ઉત્પન્ન થયું છે, તેનો નિર્માતા કોણ છે, લેબોરેટરીમાંથી મંજૂરી મળી છે કે નહીં અને સપ્લાય ચેઈનમાં તેની અવરજવર કેવી રહી છે.

  • ખેડૂતોના પરંપરાગત અધિકારો સંપૂર્ણ સુરક્ષિત

આ પ્રસ્તાવિત કાયદો દેશનાઅન્નદાતા ખેડૂતોના વર્તમાન અધિકારોને કોઈ જ મર્યાદિત નહીં કરે. ખેડૂતોના પરંપરાગત બીજ સંબંધી તમામ અધિકારો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ખેડૂતો અગાઉની જેમ જ પોતાના પારંપરિક અને સ્થાનિક પ્રકારના બીજોનો ઉપયોગ, આપલે અને વેચાણ બેરોકટોક કરી શકશે. પરંપરાગત બીજો માટે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય નથી, જોકે ખેડૂતો જો ઈચ્છે તો સ્વેચ્છાએ પોતાની બીજ કિસ્મની નોંધણી કરાવી શકે છે. વ્યક્તિગત ઉપયોગ, ગામમાં વિતરણ કે કંપની માટે બીજ તૈયાર કરતા ખેડૂતોએ આ ડિજિટલ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે.

  • નુકસાન પર 15 દિવસમાં વળતર માટે ‘સીડ સિક્યોરિટી ફંડ’

ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવિત કાયદામાં પ્રત્યેક રાજ્યમાં ‘સીડ સિક્યોરિટી ફંડ’ (બીજ સુરક્ષા કોષ)ની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ફંડનું સંચાલન સંબંધિત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ અધિનિયમ હેઠળ વસૂલવામાં આવેલા દંડની રકમ આ ફંડમાં જમા થશે. જો કોઈ કારણોસર બીજ નિષ્ફળ જવાના લીધે ખેડૂતને પાકનું નુકસાન થાય, તો એક સત્યાપન સમિતિ દ્વારા મામલાની તપાસ કરવામાં આવશે અને ખેડૂતને 15 દિવસની અંદર વળતર ઉપલબ્ધ કરાવવાની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અત્યારે દેશમાં જે બીજ અધિનિયમ અમલમાં છે તે વર્ષ 1966 માં બનાવવામાં આવ્યો હતો, જ્યારે બીજ નિયંત્રણ આદેશ 1983 માં લાગુ થયો હતો. સમય બદલાવવાની સાથે બજારમાં આવેલી નવી અને આધુનિક આર્થિક તથા ટેકનીકલી પડકારો સામે પહોંચી વળવા આ જૂનો કાયદો પૂરતો ન હતો. આ ઉપરાંત, હાલના કાયદામાં સજાના પ્રાવધાનો પૂરતા મજબૂત ન હોવાથી અને અંદાજે 70 ટકા જેટલા બિયારણ વર્તમાન કાયદાની બહાર હોવાથી એક નવો, મજબૂત અને પ્રભાવી કાયદો લાવવાની અનિવાર્ય આવશ્યકતા ઊભી થઈ હતી. આગામી સંસદ સત્રમાં આ બિલના પાસ થવાથી દેશભરમાં નકલી બિયારણોના કાળા કારોબાર પર કડક લગામ કસાશે અને ખેડૂતોના હિતોનું સુરક્ષા કવચ વધુ મજબૂત બનશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular