નવી દિલ્હી, 18 જૂન 2026: જૂન મહિનામાં ચોમાસાની ધીમી ગતિ વચ્ચે દેશના કૃષિ ક્ષેત્ર પર અલ-નીનોનું સંકટ ઘેરાવા લાગ્યું છે. ઉત્તર પ્રદેશથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના ૧૨ રાજ્યો પર આની સૌથી ગંભીર અસર થવાની આશંકા સેવાઈ રહી છે. આ સંભવિત આર્થિક અને કૃષિ સંકટનો સામનો કરવા અને ખરીફ પાકોને બચાવવા માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. કૃષિ સચિવ અતીષ ચંદ્રાએ મીડિયા સાથેના વિશેષ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સરકાર જૂનના અંતમાં આવનારા ભારતીય હવામાન વિભાગના નવા પૂર્વાનુમાનની રાહ જોઈ રહી છે. આ નવો રિપોર્ટ આવ્યા બાદ અલ-નીનોની સ્થિતિ અને તેની ચોક્કસ ટાઈમલાઈન સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે, જેના આધારે સરકાર આગામી સમયની અંતિમ વ્યૂહરચના નક્કી કરશે.
મંત્રાલયે મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી કરતા એવા ૧૨ રાજ્યોની યાદી તૈયાર કરી છે જ્યાં અલ-નીનોની સૌથી વધુ પ્રતિકૂળ અસર પડી શકે છે. આ રાજ્યોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે. કૃષિ સચિવના જણાવ્યા અનુસાર, આ પ્રભાવિત રાજ્યોના કુલ 236 જિલ્લાઓને ‘હાઈ-રિસ્ક’ (અત્યંત સંવેદનશીલ) તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને આ તમામ જિલ્લાઓ માટે જિલ્લા સ્તરીય વિશેષ કાર્ય યોજનાઓ પણ અપડેટ કરવામાં આવી રહી છે. હવામાનના આ ગંભીર પૂર્વાનુમાનને ધ્યાનમાં રાખીને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, કેન્દ્રીય શુષ્ક ભૂમિ કૃષિ અનુસંધાન સંસ્થાન અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓના સક્રિય સહયોગથી આકસ્મિક યોજનાઓમાં જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં ઉગાડવામાં આવતા તેલીબિયાં, ઓઈલ પામ, કઠોળ અને કપાસ જેવા મુખ્ય પાકોના મિશનની સઘન સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે.
-
ચાલુ વર્ષે ચોમાસુ 90 ટકા રહેવાની શકયતા
બીજી તરફ, દેશમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો, હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લાંબા ગાળાની સરેરાશના આશરે 90 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે સામાન્ય કરતાં ઓછો વરસાદ દર્શાવે છે. હાલમાં ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં 4 થી 5 દિવસ પાછળ ચાલી રહ્યું છે અને ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની પ્રગતિમાં અવરોધ બની રહ્યું છે. જો કે, તમિલનાડુ સિવાયના જે રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું છે, ત્યાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ‘હિંદ મહાસાગર દ્વિધ્રુવ’ (આઈઓડી) ન્યુટ્રલ થતાં ચિંતામાં થોડો વધારો થયો છે. અલ-નીનોની અસર નક્કી કરવામાં આઈઓડીની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. મે મહિનામાં પોઝિટિવ રહ્યા બાદ જૂન મહિનામાં આઈઓડી ન્યુટ્રલ થઈ ગયો છે. સામાન્ય રીતે પોઝિટિવ આઈઓડી અલ-નીનોની ખરાબ અસરને નાબૂદ કરે છે, પરંતુ ન્યુટ્રલ કે નેગેટિવ આઈઓડી ચોમાસાને વધુ નુકસાન પહોંચાડી શકે છે. જો કે, આઈએમડી હજુ પણ આશાવાદી છે કે સમુદ્રમાં એવા ફેરફારો થશે જે અલ-નીનોની અસરને ઓછી કરશે.
આ તમામ ચિંતાઓ વચ્ચે કૃષિ સચિવે દેશના ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું છે કે અલ-નીનોથી સહેજ પણ ગભરાવાની કોઈ જરૂર નથી. ઇતિહાસ ગવાહ છે કે વર્ષ 2014-15ના સમયગાળાને બાદ કરતાં અલ-નીનો ભારતને ક્યારેય મોટું કે વ્યાપક નુકસાન પહોંચાડી શક્યું નથી. વર્તમાન સમયમાં ભારત પાસે ક્લાઈમેટ-રેઝિલિયન્ટ એટલે કે બદલાતા હવામાન સામે ટકી શકે તેવા અદ્યતન બિયારણો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, દેશના મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર પણ ગત વર્ષ કરતાં ઘણું વધુ સારું છે. ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરવા માટે સરકારે ‘અમૃત સરોવર યોજના’ હેઠળ 75 હજાર તળાવોનો જીર્ણોદ્ધાર કર્યો છે અને 1લાખથી વધુ ભૂગર્ભ જળ રિચાર્જ માળખાને પુનર્જીવિત કર્યા છે. આ સાથે દેશમાં ખાતરનો સ્ટોક પણ પૂરતો હોવાથી ખેડૂતોને કોઈ મુશ્કેલી પડશે નહીં અને સિંચાઈ વગરના વિસ્તારો પર સરકાર ખાસ નજર રાખી રહી છે.


