ગ્રામીણ રસ્તાઓના વિકાસ માટે કેન્દ્ર સરકારની જાહેરાત: 26474 કિમી નવું નેટવર્ક ઊભું કરાશે
નવી દિલ્હી, 18 જૂન 2026: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) અને સંલગ્ન ગ્રામીણ કનેક્ટિવિટી પહેલો અંતર્ગત દેશભરમાં ૨૬,૪૭૪ કિલોમીટર લાંબા ગ્રામીણ રસ્તાઓના નિર્માણ માટે નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન રૂ. 18907 કરોડનું જંગી ભંડોળ ફાળવ્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પીએમજીએસવાય અને નક્સલવાદ (વામપંથી ઉગ્રવાદ) પ્રભાવિત વિસ્તારો માટેની સડક કનેક્ટિવિટી પરિયોજના હેઠળ રાજ્યવાર ભૌતિક અને નાણાકીય પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે આયોજિત એક વ્યાપક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન આ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ રોહિત કંસલે કરી હતી.
આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, Mહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, રાજસ્થાન અને તેલંગાણાના અતિરિક્ત મુખ્ય સચિવો, અગ્ર સચિવો અને રાજ્ય ગ્રામીણ રસ્તા વિકાસ એજન્સીઓના મુખ્ય વહીવટી અધિકારીઓ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં સચિવે આગામી નાણાકીય વર્ષ માટે રાજ્યવાર લક્ષ્યાંકો અને તેના અમલીકરણની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી, જેમાં અત્યાર સુધી કનેક્ટિવિટીથી વંચિત રહી ગયેલા અંતરિયાળ વિસ્તારોમાં ગ્રામીણ સંપર્કનું લક્ષ્ય વહેલી તકે પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
તમામ સંબંધિત રાજ્યોને પીએમજીએસવાય-I અને પીએમ-જનમન યોજના અંતર્ગત બાકી રહેલા તમામ અસંલગ્ન ગામો અને વસાહતોને જોડતા રસ્તાઓનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ખાસ કરીને નબળા અને સંવેદનશીલ આદિવાસી જૂથોની વસાહતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સચિવે દરેક ઋતુમાં અનુકૂળ અને સુગમ રસ્તાઓની અનિવાર્યતા પર ભાર મૂકતા રાજ્યોને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં ઝડપ લાવવા, અમલીકરણમાં આવતી વહીવટી નડતરોને દૂર કરવા અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલા રોડ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત, નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં વ્યૂહાત્મક મહત્વ ધરાવતી સડક માળખાકીય પ્રગતિની સમીક્ષા કરતા તેમણે સંબંધિત રાજ્યોને અમલીકરણ એજન્સીઓ સાથે કડક સંકલન જાળવી તમામ મંજૂર કાર્યો સમયમર્યાદામાં પૂરા કરવા આદેશ આપ્યો હતો.
-
રસ્તાઓની ગુણવત્તા અને પારદર્શિતા માટે ‘ઈ-માર્ગ’ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરાશે
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ રસ્તાઓની ગુણવત્તા અને તેની લાંબાગાળાની ટકાઉક્ષમતા જાળવવાનો હતો. સચિવે સ્પષ્ટ કર્યું હતું કે ટકાઉ અને વિશ્વસનીય ગ્રામીણ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તાના ધોરણોનું કડક પાલન અને અસરકારક જાળવણી તંત્ર અત્યંત આવશ્યક છે. આ માટે રાજ્યોને ગ્રાઉન્ડ લેવલ પર નિરીક્ષણ મજબૂત કરવા, ગુણવત્તા મોનિટરિંગ સિસ્ટમ વધારવા અને પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન કડક દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી છે. બેઠકમાં ‘ઈ-માર્ગ’ પ્લેટફોર્મના વ્યાપક ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેનાથી રસ્તાની જાળવણી પ્રવૃત્તિઓનું ડિજિટલ મોનિટરિંગ, પરફોર્મન્સ મૂલ્યાંકન અને પેમેન્ટ ટ્રેકિંગ સરળ બનશે. આ પ્લેટફોર્મના વ્યાપક ઉપયોગથી ગ્રામીણ રસ્તાઓની જાળવણીમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતામાં મોટો સુધારો થશે.
સમીક્ષા બેઠકના અંતમાં સચિવ રોહિત કંસલે અમલીકરણમાં આવતી અડચણોને દૂર કરવા, જમીન સંપાદન અને વન મંજૂરી (ફોરેસ્ટ ક્લિયરન્સ)ના દરખાસ્તોને ઝડપથી આગળ વધારવા માટે રાજ્ય-વિશિષ્ટ કડક સૂચનાઓ જાહેર કરી હતી. આ સાથે જ પ્રોજેક્ટના લક્ષ્યોનું સમયસર પાલન સુનિશ્ચિત કરવા અને રાજ્ય સરકારો, રાષ્ટ્રીય ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ એજન્સી અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય વચ્ચેના પરસ્પર સંકલનને વધુ મજબૂત કરવા જણાવાયું છે. તમામ રાજ્યોએ પણ રસ્તાઓના નિર્માણમાં ઝડપ લાવવા, માળખાકીય ગુણવત્તા સુધારવા અને દેશના પ્રત્યેક પાત્ર વિસ્તાર સુધી બારેમાસ ઉપયોગી એવા પાકા રસ્તાઓ પહોંચાડવા માટે પોતાની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


