રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન યોજાયો, અજીત ડોવાલને માનદ ડૉક્ટરેટ એનાયત
[અલકેશ પટેલ] ગાંધીનગર, 15 એપ્રિલ, 2026 – રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે પાંચમો દીક્ષાંત સમારંભ યોજાઈ ગયો. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ દીક્ષાંત સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી બંડી સંજયકુમાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી બિમલ પટેલે સૌનું સ્વાગત કર્યું હતું.
મંગળવાર, 14 એપ્રિલે યોજાયેલા આ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારંભમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલને રાષ્ટ્રપતિશ્રીના હસ્તે માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સમારંભ દરમિયાન વિવિધ વિદ્યાશાખાઓના સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ના કુલ 562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

રાષ્ટ્રપતિનો પ્રેરણાદાય સંદેશ
આ પદવીદાન સમારંભમાં દીક્ષાંત પ્રવચન આપતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, પદવીદાન સમારોહ એ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માટે ગૌરવની ક્ષણ હોય છે, કારણ કે તે રાષ્ટ્રહિત માટે શિક્ષિત, તાલીમબદ્ધ અને સમર્પિત યુવા પેઢી સમાજને અર્પણ કરે છે. પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે, આ યુવા શક્તિ જ દેશના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. આ પ્રસંગે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલને માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરી વિશેષ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિએ બદલાતા સમયના સુરક્ષા પડકારો અંગે વાત કરતા ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન સમયમાં ડિજિટલ યુગના આગમન સાથે સાયબર ક્રાઈમ, ફિશિંગ એટેક અને ડેટા સુરક્ષા જેવા નવા જોખમો દેશ સામે મોટા ખતરા તરીકે ઉભરી આવ્યા છે. અગાઉ આ શબ્દો માત્ર પરિચય પૂરતા મર્યાદિત હતા, પરંતુ આજે તે વાસ્તવિક પડકાર છે. આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્ત્વ અને જવાબદારી અનેકગણી વધી જાય છે, કારણ કે દેશની સુરક્ષાનું સુચારુ સંચાલન હવે આધુનિક તકનીકી કૌશલ્ય પર નિર્ભર છે.

રાજ્યપાલ દ્વારા પ્રધાનમંત્રીની અસાધારણ કામગીરીના વખાણ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે યુવા શક્તિને દેશભક્તિના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સુરક્ષાના મિશનમાં જોડાવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે રક્ષા યુનિવર્સિટીનું સ્વપ્ન સેવ્યું હતું, તે આજે સાકાર થઈ રાષ્ટ્ર નિર્માણમાં પાયાનું યોગદાન આપી રહ્યું છે. પ્રધાનમંત્રીના મજબૂત નેતૃત્વ અને વિઝનને કારણે જ દેશમાં નક્સલવાદ જેવી સમસ્યાઓ નિર્મૂળ થઈ રહી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બની છે.
તેમણે પદવીધારકોને અભિનંદન આપતા જણાવ્યું કે રાષ્ટ્રના વિકાસ માટે સમર્પણ અને તપસ્યા અનિવાર્ય છે. પ્રધાનમંત્રીશ્રી જે રીતે અવિરત કાર્ય કરી રહ્યા છે, તેને અનુસરીને જો યુવાનો સુરક્ષા મિશનમાં સહભાગી બનશે તો ભારતની સુરક્ષા વધુ લોખંડી બનશે. યુવાનો પોતાની કર્તવ્યનિષ્ઠા દ્વારા દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપે તેવી શીખ તેમણે વિદ્યાર્થીઓને આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા દિક્ષાંત સમારંભમાં પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓ-અધિકારીઓને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે દેશ માટે સમર્પિત રહેવાની પ્રેરણા આપી હતી. તેમણે ઉમેર્યું કે, 2010માં શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સ્થપાયેલી રક્ષા યુનિવર્સિટી તેમની જ વિઝનરી લીડરશીપમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે રાષ્ટ્રીય ફલક પર કાર્યરત થઈ છે. મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલને રાષ્ટ્રપતિશ્રી દ્વારા આ દિક્ષાંત સમારંભમાં અપાયેલી માનદ ડૉક્ટરેટની પદવીને સમગ્ર સુરક્ષા તંત્રના ગૌરવરૂપ ગણાવી હતી.

રાષ્ટ્રીય સુરક્ષા અંગે અજીત ડોવાલે શું કહ્યું?
માનદ ડૉક્ટરેટની પદવી સ્વીકારતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ સંસ્થાની જે કલ્પના કરી હતી, તે આજે વાસ્તવિકતા બનીને દેશની સુરક્ષામાં અભૂતપૂર્વ યોગદાન આપી રહી છે.
દેશની સુરક્ષાને એક જટિલ વિષય ગણાવતા તેમણે ઉમેર્યું કે, સુરક્ષા માત્ર સૈન્ય શક્તિ કે ટેકનોલોજી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં રાષ્ટ્રનું મનોબળ અને જનમાનસની જાગૃતિ સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
શ્રી ડોવાલે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા એ માત્ર સેના કે પોલીસની જવાબદારી નથી, પરંતુ તે સમગ્ર દેશનું સામૂહિક દાયિત્વ છે. સુરક્ષાના ક્ષેત્રમાં કામ કરનારા લોકો પાસે અદ્યતન જ્ઞાન સંપદા, અતૂટ ચારિત્ર્ય અને પરિણામલક્ષી દ્રષ્ટિકોણ હોવો અનિવાર્ય છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સુરક્ષા એ એક એવું ક્ષેત્ર છે જ્યાં ‘સિલ્વર મેડલ’ જેવું કંઈ હોતું નથી; અહીં કાં તો વિજય મળે છે અથવા પરાજય. જો તમે જીતો છો તો રાષ્ટ્ર સુરક્ષિત રહે છે અને જો હારો છો તો અસ્તિત્વ પર જોખમ ઊભું થાય છે. અંતમાં તેમણે યુવા દિક્ષાર્થીઓને આધુનિક પડકારોનો સામનો કરવા માટે સતત સજ્જ રહેવા અને રાષ્ટ્ર સેવાના મિશનમાં સંપૂર્ણ ક્ષમતા સાથે જોડાવા આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કીર્તિ ચક્ર અને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જેવા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત શ્રી અજીત ડોવાલ ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબો સમય સેવા આપનારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતની સુરક્ષા નીતિઓ વધુ સજ્જ બની છે.

ગુજરાતની પવિત્ર ધરતીને નમનઃ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી બંડી સંજય કુમારે ગુજરાતની પવિત્ર ધરતીને નમન કરતા જણાવ્યું હતું કે, આ ભૂમિ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જેવા મહાપુરુષોની જન્મભૂમિ છે.
તેમણે દીક્ષિત વિદ્યાર્થીઓને અભિનંદન આપતા કહ્યું કે, આજનો દિવસ માત્ર પદવી મેળવવાનો નથી, પરંતુ રાષ્ટ્રની સુરક્ષા અને ન્યાય પ્રણાલીના સંરક્ષક બનવાના સંકલ્પનો દિવસ છે. તેમણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, આ સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા, પોલીસ વ્યવસ્થા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની દીર્ઘકાલીન જરૂરિયાતો પૂરી કરવા માટે સ્થાપિત કરાયેલી રાષ્ટ્રીય મહત્વની સંસ્થા છે.
વાઈસ ચાન્સેલર દ્વારા સૌનું સ્વાગત અને અભિવાદન
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર ડૉ. બિમલ પટેલે મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌનું સ્વાગત કરીને યુનિવર્સિટીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ અને આંતરિક સુરક્ષામાં વૈશ્વિક લીડર બનવાના વિઝન સાથે આગળ વધી રહી છે. તેમણે યુનિવર્સિટીની વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રક્ષા ક્ષેત્રે વિવિધ કંપનીઓ સાથે શૈક્ષણિક ભાગીદારી અને સ્માર્ટ પ્રોગ્રામ જેવા પ્રોજેક્ટ્સ યુનિવર્સિટીની નવીન પહેલ છે. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ અને સાયબર સુરક્ષા શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે, જે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, યુનિવર્સિટીનું લક્ષ્ય માત્ર શિક્ષણ આપવાનું જ નહીં પરંતુ પોલીસ દળને વધુ વ્યાવસાયિક, નાગરિક-કેન્દ્રીય અને ભવિષ્ય માટે સજ્જ બનાવવાનું છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ સુધી શૈક્ષણિક અને સુરક્ષા વિષયક પ્રવૃત્તિઓનો વિસ્તાર કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય સુરક્ષાના નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. મોડેલ રિસર્ચ સેન્ટર તરીકે ઊભરી આવેલી આ યુનિવર્સિટી દેશના સર્વાંગી વિકાસ અને સુરક્ષિત ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.


