Homeગુજરાતીટેકનોલોજીનાણાકીય પ્રણાલીના ઇન્ટેલિજન્ટ બનતા પહેલા તેનું સમાવેશી હોવું અનિવાર્ય: જ્યોતિરાદિત્ય સિંધિયા

નાણાકીય પ્રણાલીના ઇન્ટેલિજન્ટ બનતા પહેલા તેનું સમાવેશી હોવું અનિવાર્ય: જ્યોતિરાદિત્ય સિંધિયા

મુંબઈ, 11 સપ્ટેમ્બર 2026: મુંબઈ ખાતે આયોજિત ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ 2026’ ને સંબોધિત કરતા કેન્દ્રીય સંચાર અને નોર્થ ઈસ્ટર્ન રિજન ડેવલપમેન્ટ મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ એક સમાવેશી, વિશ્વસનીય અને સુરક્ષિત ડિજિટલ નાણાકીય પરિસ્થિતિ તંત્ર (ફાઈનાન્સિયલ ઈકોસિસ્ટમ) ની અનિવાર્ય આવશ્યકતા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈપણ નાણાકીય પ્રણાલીના ‘ઇન્ટેલિજન્ટ’બનતા પહેલા તેનું ‘સમાવેશી’ હોવું સૌથી વધુ જરૂરી છે. ટેલિકોમ નેટવર્કને ફિનટેક વિકાસનો મૂળ પાયો ગણાવતા તેમણે કહ્યું કે કનેક્ટિવિટી, કમ્પ્યુટ અને ભરોસો મળીને ડિજિટલ નાણાં જગતની એક નવી ‘ડિજિટલ ટ્રિનિટી’ (ત્રિપુટી) તૈયાર કરી રહ્યા છે.

મંત્રી સિંધિયાએ ભારતના ડિજિટલ પરિવર્તનમાં વ્યાપક કનેક્ટિવિટીની ભૂમિકાને રેખાંકિત કરતા જણાવ્યું કે, આજના કરતા એક દશક પહેલાં દેશમાં માત્ર અંદાજે 25 કરોડ લોકોની જ ઇન્ટરનેટ સુધી પહોંચ હતી, જે હવે વધીને આશરે 100 કરોડ સુધી પહોંચી ગઈ છે. દેશમાં બ્રોડબેન્ડ એક્સેસ 6 કરોડથી વધીને સીધો 103 કરોડ થઈ ગયો છે, જે છેલ્લા 10 વર્ષમાં અંદાજે 16 ગણો મોટો વધારો દર્શાવે છે. ટેક્નોલોજીની ઉપલબ્ધતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે દુનિયાના દરેક ખૂણામાં સુનિશ્ચિત થવી જોઈએ.

આજના યુગમાં સ્માર્ટફોન માત્ર વાતચીતનું સાધન નથી રહ્યું પરંતુ તે હવે એક નવી બેંક શાખાઓની ભૂમિકા ભજવી રહ્યો છે. સ્માર્ટફોનના માધ્યમથી સામાન્ય નાગરિકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી લઈને ક્રેડિટ અને રોકાણ સુધીની તમામ સુવિધાઓ ઘર આંગણે મળી રહી છે. દેશના આશરે 6.5 લાખ ગામડાઓ આ ડિજિટલ અર્થવ્યવસ્થા સાથે જોડાઈ રહ્યા છે, જેના કારણે દરેક ગામ વૈશ્વિક ફિનટેક ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ બની ગયું છે.

  • 26 મહિનામાં દેશના 99.9% જિલ્લાઓ સુધી 5G ની પહોંચ

ભારતમાં 5G સેવાના અત્યંત ઝડપી વિસ્તાર વિશે વાત કરતા સિંધિયાએ જણાવ્યું કે, વર્ષ 2022 માં શરૂ થયેલી 5G સેવા માત્ર 26 મહિનાના ટૂંકા ગાળામાં દેશના 99.9 ટકા જિલ્લાઓ સુધી પહોંચી ગઈ છે અને તેનાથી આશરે 85 ટકા વસ્તી આવરી લેવાઈ છે. આ ભગીરથ 5G રોલઆઉટને 5 લાખથી વધુ બેઝ સ્ટેશનોનું સમર્થન મળ્યું છે અને આ ક્ષેત્રમાં કુલ 4.5 લાખ કરોડ રૂપિયાનું ભારી કેપેક્સ રોકાણ કરવામાં આવ્યું છે. આ સાથે ભારત આજે વિશ્વની સૌથી સસ્તી ડેટા રાજધાની બની ગયું છે, જ્યાં ડેટાનો ભાવ ઘટીને માત્ર 10 સેન્ટ પ્રતિ જીબી જેટલો નીચો રહેવા પામ્યો છે.

  • યુપીઆઈ અને વૈશ્વિક ડિજિટલ પેમેન્ટમાં ભારતનું અદ્ભુત વર્ચસ્વ

ભારતીય યુપીઆઈની સફરને યાદ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે જે યુપીઆઈની શરૂઆત પ્રથમ મહિને માત્ર 90,000 ટ્રાન્ઝેક્શનથી થઈ હતી, તે આજે 740 થી વધુ બેંકો સુધી વિસ્તરી ચૂકી છે. નાણાકીય વર્ષ 2025-26 માં યુપીઆઈ દ્વારા અંદાજે 24,162 કરોડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થયા, જેની કુલ કિંમત આશરે 314 લાખ કરોડ રૂપિયા રહી છે.

વૈશ્વિક સ્તરે રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ વોલ્યુમમાં એકલા ભારતની હિસ્સેદારી આશરે 49% જેટલી છે.
દેશની અંદર થતા કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાંથી આશરે 84% માત્ર યુપીઆઈ દ્વારા થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વસુધૈવ કુટુંબકમ’ ના વિચારોને અનુસરીને યુપીઆઈ ટેક્નોલોજીને કોઈપણ ખર્ચ વગર 9 દેશો સુધી પહોંચાડવામાં આવી છે, અને વિશ્વ હવે આ મોડેલને અન્ય 20 દેશો સુધી લઈ જવા પર વિચાર કરી રહ્યું છે.

  • સાયબર સુરક્ષા અને ‘પ્રિડિક્ટીવ ટ્રસ્ટ’ પર વિશેષ ભાર

ટેક્નોલોજી અને બુદ્ધિમત્તા વધવાની સાથે સુરક્ષાની જવાબદારી પણ અનેકગણી વધી જાય છે. નાગરિકોની નાણાકીય સુરક્ષા માટે મજબૂત ફાયરવોલ અને અન્ય સુરક્ષા કવચ ઊભા કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા મંત્રીએ ‘સંચાર સાથી’ અને એઆઈ આધારિત ‘એસ્ટ્ર્’ જેવા ઉપકરણોની પ્રશંસા કરી, જેની મદદથી 88 લાખથી વધુ શંકાસ્પદ મોબાઈલ કનેક્શન્સને બ્લોક કરવામાં આવ્યા છે. તેમણે નાણાકીય ક્ષેત્રમાં માત્ર ‘રિએક્ટિવ સિક્યુરિટી’ના બદલે ‘પ્રિડિક્ટીવ ટ્રસ્ટ’ની નીતિ અપનાવવાનું આહ્વાન કર્યું હતું.

  • સ્વદેશી 4G સ્ટેક અને ભવિષ્યનું 6G મિશન

ભારતના આત્મનિર્ભર અને સ્વદેશી પ્રયાસોનો ઉલ્લેખ કરતા સિંધિયાએ જણાવ્યું કે ભારત હવે પોતાનું સ્વદેશી 4G ટેલિકોમ સ્ટેક તૈયાર કરી ચૂક્યું છે અને 5G પર પણ સક્રિયપણે કામ ચાલી રહ્યું છે. દેશનું મહત્ત્વાકાંક્ષી 6G મિશન પણ શરૂ થઈ ગયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક 6G પેટન્ટ્સમાં 10 ટકા યોગદાન આપવાનો અને તેના સ્ટાન્ડર્ડ્સના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવવાનો છે.

આ ભાષણના અંતે કેન્દ્રીય મંત્રીએ સંદેશ આપ્યો હતો કે ભારતે ‘ભારતમાં ઇનોવેશન કરવું જોઈએ, ભારતમાં સેવા આપવી જોઈએ, વિશ્વની સેવા કરવી જોઈએ અને સુરક્ષિત રીતે તેની સેવા કરવી જોઈએ.’ આપણો અંતિમ ઉદ્દેશ્ય ‘કનેક્ટેડ ઇન્ડિયા’ થી આગળ વધીને ‘ઇન્ટેલિજન્ટ ડિજિટલ ફાઇનાન્સ’ અને ‘એમપાવર્ડ ફાઇનાન્સ’ ની દિશામાં આગેકૂચ કરવાનો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular