
કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હજુ ટેબ્લેટ અપાયા નથી, શિક્ષણ મંત્રીને રજુઆત
અમદાવાદઃ ગુજરાતમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે 2021-22ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ અપાયા નથી. ટેબ્લેટ ક્યારે મળશે તેનો અધિકારીઓ જવાબ આપી શક્તા નથી. ત્યારે સેલ્ફ ફાયનાન્સ ડિપ્લોમાં એન્જિનિયરિંગ એસો.એ શિક્ષણમંત્રી સમક્ષ રજુઆત કરીને વિદ્યાર્થીઓને સત્વરે ટેબ્લેટ આપવા માગણી કરી છે.
ગુજરાતમાં કોલેજોના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને રૂપિયા 1000 ટોકન લઈને ટેબ્લેટ ફાળવવામાં આવે છે. પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કોર્સની કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ઘણો સમય વીતી ગયો હોવા છતાં ટેબ્લેટ અપાયા નથી. આથી સેલ્ફ ફાઇનાન્સ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ એસોસિએસનના પ્રમુખ જે. એસ. ઉપાધ્યાયે શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે, રજૂઆતમાં દર્શાવેલા વર્ષ મુજબ પ્રથમ વર્ષ બીએ, બીકોમ, બીએસસી, ડિપ્લોમા-ડિગ્રી એન્જિનિયરિંગના આશરે ચાર લાખ વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત છે, તેમને સત્વરે ટેબલેટ મળવા જોઈએ.
સેલ્ફ ફાયનાન્સ ડિપ્લોમાં એન્જિનિયરિંગ એસો.એ સરકારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-2018માં વિવિધ પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને રૂ. 1 હજારના ટેબ્લેટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21 તથા વર્ષ 2021-22ના બજેટમાં 200 કરોડ રૂપિયા ટેબ્લેટ માટે ફાળવાયાં છે, પરંતુ વર્ષ 2020-2021 તથા વર્ષ 2021-2022માં પ્રવેશ મેળવનાર પ્રોફેશનલ કોર્સ અને નોન પ્રોફેશનલ કોર્સના વિદ્યાર્થીઓને હજી પણ ટેબ્લેટ આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી.